પ્રખ્યાત કૉમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘણાં વર્ષોથી સતત લોકોનું મનોરંજન કરી રહી છે. આ શ્રેણી હજુ પણ ચાલુ છે. શોની લોકપ્રિયતા પાછળનું એક મોટું કારણ એના કલાકારો છે. વર્ષ 2008થી શરૂ થયેલા આ કાર્યક્રમનાં પાત્રો લોકોના દિલમાં એટલા વસી ગયા છે કે અન્ય કોઈ ભૂમિકામાં તેમના વિશે વિચારવું ખૂબ જ મુશ્કેલ છે. જોકે તમારામાંથી બહુ ઓછા લોકો જાણતા હશે કે તમારા આ મનપસંદ સ્ટાર્સે કયા અભિનય દ્વારા પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી, તો ચાલો જાણીએ કે તારક મહેતા અગાઉ આ કલાકારો કયા શોનો ભાગ હતા.
દિલીપ જોશી
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલ ચંપકલાલ ગડાનું પાત્ર ભજવનાર દિલીપ જોશીએ 1994માં પોતાનો પ્રથમ ટીવી શો 'કભી યે કભી વો' કર્યો હતો. જોકે 'શુભ મંગલ જ્યાદા સાવધાન' પછી તેને લોકપ્રિયતા મળી. દિલીપે બૉલિવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, એમાં 'મૈંને પ્યાર કિયા', 'હમ આપકે હૈં કૌન' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
દિશા વાકાણી
શોમાં પોતાની કૉમેડીથી બધાને હસાવનાર દયાબહેન એટલે કે દિશા વાકાણી. વર્ષ 2002માં પ્રખ્યાત કૉમેડી સિરિયલ 'ખીચડી'થી ટેલિવિઝન પર પ્રવેશ કર્યો હતો. આ પછી વર્ષ 2004માં 'આહત' જેવા કાર્યક્રમોનો પણ તે એક ભાગ હતી, એથી તેને ઓળખ મળી. આ ઉપરાંત દિશા ઘણાં ગુજરાતી નાટકો અને બૉલિવુડની ફિલ્મોનો પણ ભાગ રહી છે.
મુનમુન દત્તા
શોમાં બબિતાજીની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તાએ વર્ષ 2004માં ટીવી શો 'હમ સબ બારાતી' દ્વારા ટેલિવિઝન ડેબ્યુ કર્યું હતું. દિલીપ જોશી પણ આ શોમાં હતો.
શૈલેશ લોઢા
તારક મહેતા એટલે કે શૈલેશ લોઢા, જેણે કૉમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલના શ્રેષ્ઠ મિત્ર અને લેખકની ભૂમિકા ભજવી રહ્યા છે., તેણે 2007માં લોકપ્રિય 'કૉમેડી શો','કૉમેડી સર્કસ'માં સહભાગી તરીકે ટેલિવિઝનની શરૂઆત કરી હતી.
શ્યામ પાઠક
તુફાન એક્સપ્રેસના વરિષ્ઠ પત્રકાર પોપટલાલનું પાત્ર ભજવનાર શ્યામ પાઠકે વર્ષ 2008માં ટેલિવિઝન પર 'જસુબેન જયંતીલાલ જોશી કી જૉઇન્ટ ફૅમિલ' સિરિયલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
અમિત ભટ્ટ
જેઠાલાલના બાપુજી ચંપકલાલ ગડાના પાત્રમાં જોવા મળતા અમિત ભટ્ટે ઘણા ટેલિવિઝન કાર્યક્રમોમાં કામ કર્યું છે. જોકે તેણે પ્રથમ વખત 2002માં ટેલિવિઝન શો 'ખીચડી'થી ટીવીની શરૂઆત કરી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલાં તે 2006માં પ્રસારિત થયેલા લોકપ્રિય શો 'F.I.R.'નો પણ ભાગ હતો.
તનુજ મહાશબ્દે
સિરિયલમાં વૈજ્ઞાનિક કૃષ્ણન્ ઐયરની ભૂમિકા ભજવનાર તનુજ મહાશબ્દેએ વર્ષ 2000માં 'યે દુનિયા હૈ રંગૂન' શોથી પોતાની ટીવી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ શોમાં તનુજ સાથે દિલીપ જોશી પણ જોવા મળ્યો હતો.