ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 જુલાઈ 2021
ગુરુવાર,
સિનિયર ઍક્ટ્રેસ સવિતા બજાજે આર્થિક તંગી તથા બીમારી અંગે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. સવિતા બજાજે લોકો પાસે આર્થિક મદદ માગી છે અને કહ્યું હતું કે તેમની તમામ બચત પૂરી થઈ ગઈ છે. એક મીડિયા હાઉસની સાથે વાતચીત દરમિયાન સવિતા બજાજે પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું હતું, 'મારી તમામ બચત પૂરી થઈ ગઈ છે, જે પણ પૈસા હતા, એ મારા સ્વાસ્થ્ય પાછળ ખર્ચાઈ ગયા છે. મને શ્વાસ સંબંધિત બીમારી છે અને ખબર નહીં હવે કેવી રીતે બધું થશે. સવિતા બજાજને તબિયતને કારણે અવારનવાર હૉસ્પિટલના ચક્કર કાપવાં પડે છે. બીમારીઓને કારણે સવિતા બજાજ ટેન્શનમાં છે કે કેવી રીતે ગુજરાન ચાલશે અને કોણ મદદ કરશે. 3 મહિના પહેલાં સવિતા બજાજને કોરોના થયો હતો. એ સમયે 22 દિવસ સુધી હૉસ્પિટલમાં ઍડ્મિટ રહી હતી. હવે ફરીથી સવિતા બજાજને શ્વાસ લેવામાં તકલીફ પડતાં બીજી વાર હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી છે.
સવિતા બજાજની પાસે સારવાર માટે બિલકુલ પૈસા નથી. રાઇટર્સ ઍસોસિયેશન તથા સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ ઍસોસિયેશન તરફથી જે પૈસા મળે એમાંથી ગુજરાન ચાલે છે. રાઇટર્સ ઍસોસિયેશન 2 હજાર અને સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ ઍસોસિયેશન હજાર રૂપિયા દર મહિને આપે છે. જોકે મેડિકલ બિલ વધતાં સવિતાને એ ડર છે કે હવે કેમનું થશે? સવિતા બજાજે કહ્યું હતું કે 2016માં અકસ્માત થયા બાદ તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી. એ સમયે રાઇટર્સ ઍસોસિયેશને 1 લાખ રૂપિયાની તથા સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ ઍસોસિયેશને 50 હજારની મદદ કરી હતી. તેણે એમ કહ્યું હતું કે તે એક વાર કામ શરૂ કરશે તો પૈસા પરત આપી દેશે. જોકે હાલમાં ખરાબ સ્વાસ્થ્યને કારણે તે કામ કરી શકે એવી સ્થિતિમાં નથી.
વધુમાં સવિતા બજાજે કહ્યું હતું કે તેનું ધ્યાન રાખનાર કોઈ નથી. 25 વર્ષ પહેલાં તેણે નક્કી કર્યું હતું કે તે હોમટાઉન દિલ્હી પરત જશે, પરંતુ પરિવાર તેને સાથે રાખવા તૈયાર નથી. તે મલાડમાં એક રૂમ રસોડાના ભાડાના ઘરમાં રહે છે. દર મહિને 7 હજાર ભાડું આપે છે. તે કોઈની પાસે હાથ ફેલવવા નથી માગતી, પરંતુ હવે તેના માટે બધું મૅનેજ કરવું મુશ્કેલ છે.
બિગ બીના ઘરની બહાર લાગ્યાં અનેક પોસ્ટર્સ, મોટું દિલ રાખવાની કરાઈ માગ; જાણો શું છે સમગ્ર મામલો
79 વર્ષીય સવિતા બજાજે 50થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં 'નિશાંત', 'નજરાના', 'બેટા હો તો ઐસા' સહિતની ફિલ્મ સામેલ છે. આ ઉપરાંત 'નુક્કડ', 'માયકા' તથા 'કવચ' જેવી સિરિયલ પણ કરી છે.