ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑક્ટોબર, 2021
બુધવાર
બૉલિવુડની પ્રખ્યાત અભિનેત્રી મુમતાઝે પોતાની ફિલ્મો અને પોતાની શૈલીથી હિન્દી સિનેમામાં જબરદસ્ત ઓળખ બનાવી છે. મુમતાઝ તેની કારકિર્દીમાં અભિનેતા રાજ કપૂર સાથે કામ કરવા માગતી હતી. ખાસ વાત એ છે કે 'મેરા નામ જૉકર' દ્વારા તેને રાજ કપૂર સાથે કામ કરવાની તક પણ મળી, પણ શમ્મી કપૂરને કારણે આ ફિલ્મ મુમતાઝના હાથમાંથી છૂટી ગઈ. આ ખુલાસો મુમતાઝે પોતે તાજેતરમાં જ એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.
ઇન્ટરવ્યૂમાં મુમતાઝને પૂછવામાં આવ્યું કે એવા કયા ફિલ્મ નિર્માતાઓ છે જેમની સાથે તમે કામ ન કરી શક્યા? આનો જવાબ આપતાં મુમતાઝે કહ્યું, ‘મહેબૂબ ખાન, બિમલ રૉય અને રાજ કપૂર. બાય ધ વે, રાજ કપૂરે મને 'મેરા નામ જૉકર'માં ટ્રેપેઝ આર્ટિસ્ટ તરીકે કાસ્ટ કરી હતી. તેમણે ફિલ્મ સાથે જોડાયેલા મારા ઘણા ફોટાઓ પણ લીધા હતા. 'મેરા નામ જૉકર' વિશે વાત કરતાં મુમતાઝે આગળ કહ્યું, “પરંતુ શમ્મી કપૂરે એમ કહીને ના પાડી કે જ્યારે હું તેની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું અને તે કપૂર પરિવારની વહુ બનવા જઈ રહી છે ત્યારે તે મને ફિલ્મ માટે કેવી રીતે કાસ્ટ કરી શકે છે. મેં રાજ કપૂરને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો અને તેમને કહ્યું કે હું શમ્મી સાથે લગ્ન નથી કરી રહી. મુમતાઝે આ સંદર્ભે આગળ કહ્યું, “હું એ ફોટાઓમાં ખૂબ જ સુંદર દેખાતી હતી, પરંતુ રાજ કપૂરને એવું લાગ્યું નહીં કે હું ખરેખર તેમને સત્ય કહી રહી છું. ક્યાંક તેમણે વિચાર્યું કે કદાચ હું શમ્મી સાથે લગ્ન કરીશ.
તમને જણાવી દઈએ કે શમ્મી કપૂર અને મુમતાઝ એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં. અભિનેતાએ તેને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું હતું, પરંતુ અભિનેત્રીએ એક શરતને કારણે પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. મુમતાઝે ઇન્ટરવ્યૂમાં શમ્મી કપૂર સાથે લગ્ન ન કરવાનું કારણ પણ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું, “કપૂર પરિવારને એ પસંદ નહોતું કે તેમની વહુઓ ફિલ્મોમાં અભિનય કરે. શમ્મીએ મને એમ પણ કહ્યું કે જો મારે તેની સાથે ખુશ રહેવું હોય તો મારે મારી કારકિર્દી છોડવી પડશે. એ સમયે હું મારી કારકિર્દીને લઈને ખૂબ સાવધ હતી. મારે મારા પરિવારનું પણ ધ્યાન રાખવાનું હતું."