ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
16 જાન્યુઆરી 2021
ટીવીજગતનો લોકપ્રિય શૉ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” કોઈને કોઈ સમાચારને લઈને ચર્ચામાં રહે છે. આ શો છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. તેમાં રહેલા દરેક પાત્રની અલગ ફેન ફોલોઇંગ છે. ખાસ કરીને જેઠાલાલ અને દયા ભાભીની જોડીને લોકોને ખુબ ગમે છે અને તેમનો દિકરો ટપ્પૂ તો લોકોનો હોટ ફેવરિટ છે. કારણ કે ટપ્પૂએ નાનપણમાં જેટલી મસ્તી કરી છે તે જોઇને બાળકો પણ મોટા થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે પહેલા ટપ્પૂનો રોલ ભવ્ય ગાંધી કરતો હતો. તેણે શો છોડ્યા બાદ રાજ અનડકટ ટપ્પૂનો રોલ પ્લે કરી રહ્યો છે.
ભવ્ય ગાંધી હાલ ગુજરાતી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે અને તે તારક મહતા શો ના સદસ્યોને યાદ કરતો રહેતો હોય છે. તે કહે છે કે તેનું બાળપણ મુંબઇની ફિલ્મ સીટીમાં વિત્યુ છે અને શોના બધા સભ્યો તેના પરિવાર જેવા છે. તે એક પરિવાર જ છે. શોના લોકો સાથે તેની અલગ મેમરી છે. હવે તેને કમબેક કરવું છે પરંતુ કંઇક જુદા અંદાજમાં.
ભવ્યને જ્યારે પૂછવામાં આવ્યુ કે તેણે આ શો કેમ છોડ્યો ત્યારે તેના જવાબમાં તેણે કહ્યું હતું કે, એકનું એક કામ કરીને દરેક વ્યક્તિને નવું કરવાની ઇચ્છા થતી હોય છે અને તેને પણ કંઇક નવું કરવું હતું. જેના કારણે મેં ટોપ પર રહેલા શોમાંથી એક્ઝિટ લઇ લીધી. અસિત મોદી મારા માટે પિતા સમાન છે અને તેમની સાથે કામ કરીને હું ઘણુ બધુ શીખ્યો છું. પરંતુ તારક મહેતા…નો સેટ માત્ર દુનિયા નથી. મારે હજુ આગળ વધવું છે અને એક્સપ્લોર કરવું છે.
જૂની યાદોને યાદ કરતા વધુમાં ભવ્યએ કહ્યું હતું કે, જ્યારે સેટ પર કોઇ સેલિબ્રિટી આવતા ત્યારે આખી ટીમની ઉર્જા કંઇક અલગ હતી અને તે સમયે સેટ પર જવું ગમશે. ક્યારેક હું મારી ફિલ્મના પ્રમોશન માટે તારક મહેતા..ના સેટ પર જવા માંગુ છું. જોકે અસિત મોદી મંજૂરી આપશે કે નહી તેના માટે ભવ્યને શંકા છે પરંતુ જે જગ્યાએ તેણે પોતાનું બાળપણ વિતાવ્યું છે અને કામ કર્યુ છે તે જગ્યાએ ભવ્ય તેની ફિલ્મના પ્રમોશન માટે જવા ઇચ્છે છે.