ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
સ્પેનના લા પાલ્મા ટાપુ પર આશરે 50 વર્ષ બાદ જ્વાળામુખી ફાટ્યો છે. ઝડપથી વહેતા લાવાએ આસપાસના વિસ્તારોમાં ઘણાં મકાનોને નષ્ટ કર્યાં છે. જ્વાળામુખી ફાટ્યા બાદ ખતરાને જોતાં 10 હજારથી વધારે પરિવારોને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. સાથે જ ઘણા પ્રાણીઓને પણ બચાવવામાં આવ્યાં છે. આ અગાઉ કુંબરે વિએજ પર્વત શૃંખલામાં આ જ્વાળામુખી 1971માં ફાટ્યો હતો.

એટલાન્ટિક મહાસાગરમાં સ્પેનિશ ટાપુ લા પાલ્મામાં જ્વાળામુખી ફાટવાથી તૂટક તૂટક ભૂકંપના આંચકા આવી રહ્યા છે. જેને પગલે અમેરિકાથી કૅનેડા સુધી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

લા પાલ્માના અધ્યક્ષ મારિયાનો હર્નાનાન્દેહે જણાવ્યું હતું કે, જ્વાળામુખી ફાટવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાવાના પ્રવાહથી દરિયાકિનારે વસ્તીવાળા વિસ્તારોની ચિંતા વધી છે.

સ્પેનની નૅશનલ જીઓલૉજી ઇન્સ્ટિટ્યૂટના વડા ઇટાહિજા ડોમિંગ્યુઝે જણાવ્યું હતું કે જ્વાળામુખી ફાટવાની પ્રક્રિયા કેટલો સમય ચાલશે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ છેલ્લી વખત એ ત્રણ અઠવાડિયાં સુધી હતી.
ઉલ્લેખનીય છે કે લા પાલ્માનો સપાટી વિસ્તાર 700 કિમીથી વધુ છે અને અહીં આશરે 85,000 લોકોની વસ્તી છે. રેકૉર્ડ શરૂ થયો ત્યારથી આ પ્રદેશમાં સાત વખત જ્વાળામુખી ફાટ્યો છે.
