News Continuous Bureau | Mumbai
Donald Trump અમેરિકાના સૌથી કુખ્યાત સેક્સ ટ્રાફિકિંગ કેસ સાથે જોડાયેલી ‘એપસ્ટીન ફાઇલ્સ’ (Epstein Files) એકવાર ફરી ચર્ચામાં આવી છે. અમેરિકી ન્યાય વિભાગે શુક્રવારથી આ ફાઇલ્સ જાહેર કરવાનું શરૂ કરતાની સાથે જ વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. હવે આ મામલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મૌન તોડ્યું છે. ટ્રમ્પના મતે, આ ફાઇલ્સને અત્યારે જાહેર કરવી એ અમેરિકાની સફળતા અને રિપબ્લિકન પાર્ટીના વિકાસ પરથી લોકોનું ધ્યાન ભટકાવવાની એક ચાલ છે.જેફરી એપસ્ટીનના કાળા કારનામાઓ અને તેની સાથે જોડાયેલા હાઈ-પ્રોફાઈલ લોકોના નામ સામે આવ્યા બાદ ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે ઘણા લોકો અજાણતામાં તેને મળ્યા હતા. ટ્રમ્પે સ્વીકાર્યું કે એપસ્ટીન સાથે તે સમયે ઘણા પ્રભાવશાળી લોકોના સંબંધો હતા, પરંતુ તેમને તેના ગુનાહિત ઈરાદાઓની જાણ નહોતી.
બિલ ક્લિન્ટન પર ટ્રમ્પની ટિપ્પણી
એપસ્ટીન ફાઇલ્સના પ્રથમ બેચમાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની કેટલીક તસવીરો સામે આવી છે. આ અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું, “મને બિલ ક્લિન્ટન ખૂબ ગમે છે અને તેમની સાથે મારા હંમેશા સારા સંબંધો રહ્યા છે. એપસ્ટીન ફાઇલ્સમાં તેમની તસવીરો જોઈને મને બિલકુલ સારું નથી લાગ્યું. જોકે, તેમાં મારી પણ તસવીરો છે. તે સમયે દરેક વ્યક્તિ આ માણસ (એપસ્ટીન) નો મિત્ર હતો.”
‘ઘણા લોકો નિર્દોષ છે’ – ટ્રમ્પ
ટ્રમ્પે આગળ ઉમેર્યું કે, “બિલ ક્લિન્ટન એક સમજદાર વ્યક્તિ છે અને તેઓ આ મામલો સંભાળી લેશે. પરંતુ આ ફાઇલ્સમાં એવા ઘણા લોકોના નામ અને ફોટા છે જેઓ સંપૂર્ણ નિર્દોષ છે. તેઓ અજાણતામાં તેને મળ્યા હતા અને તેમનો વાસ્તવમાં કોઈ લેવાદેવા નહોતો. આવી રીતે તસવીરો જાહેર કરવાથી લોકોની છબી ખરાબ થઈ રહી છે અને લોકો નારાજ છે.”
આ સમાચાર પણ વાંચો : Anik Panjarpol Tunnel: ઇસ્ટર્ન ફ્રી વે પરની આણિક-પાંજરપોળ ટનલ હવે દૂધિયા પ્રકાશથી ઝળહળશે: BMC એ લીધો લાઈટિંગ અને એક્ઝોસ્ટ સિસ્ટમ બદલવાનો મોટો નિર્ણય.
કોણ હતો જેફરી એપસ્ટીન?
જેફરી એપસ્ટીન અમેરિકાનો એક પ્રભાવશાળી અને ધનિક બિઝનેસમેન હતો, જેના પર સેક્સ ટ્રાફિકિંગ અને સગીરાઓના શોષણના ગંભીર આરોપો હતા. ૨૦૧૯ માં ન્યૂયોર્કની જેલમાં તેનું શંકાસ્પદ મોત થયું હતું, જેને સત્તાવાર રીતે આત્મહત્યા જાહેર કરવામાં આવી હતી. આ ફાઇલ્સમાં દુનિયાભરના શક્તિશાળી નેતાઓ, ઉદ્યોગપતિઓ અને હસ્તીઓના નામ હોવાનું મનાય છે, જેના કારણે અમેરિકી સત્તાના ગલિયારામાં ફફડાટ વ્યાપ્યો છે.