ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧
શનિવાર
દુનિયાથી અલગ પડેલા ઉત્તર કોરિયામાં ખાદ્યપદાર્થોની ગંભીર અછત સર્જાઈ છે. પરિસ્થિતિ એ હદ સુધી પહોંચી ગઈ છે કે છેલ્લા કેટલાક દિવસથી લાખો લોકોને ભોજન પણ નસીબ થયું નથી. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગઉને પ્રથમ વખત ઔપચારિક રીતે સ્વીકાર્યું છે કે તેમનો દેશ અન્નની અછતનો સામનો કરી રહ્યો છે.
કિમ જોંગ ઉને તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં કહ્યું હતું કે “લોકો માટે અન્નની પરિસ્થિતિ હવે તંગ બની રહી છે. ગયા વર્ષે આવેલા વાવાઝોડાને પગલે પૂર આવ્યું હોવાથી કૃષિ ક્ષેત્ર અનાજ ઉત્પાદનના લક્ષ્યાંકને હાંસલ કરી શક્યું નથી. મીડિયા અહેવાલો અનુસાર, આ તંગીના કારણે અનાજના ભાવ આકાશને આંબવા લાગ્યા છે. ઉત્તર કોરિયાની ન્યુઝ એજન્સીના સમાચાર અનુસાર, દેશમાં કેળાંના ભાવ કિલોદીઠ ત્રણ હજાર રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે.
આ દેશમાં લોકો લોહી વેચીને ચલાવે છે ગુજરાન; સારવારમાં હૉસ્પિટલો કરે ઉપયોગ, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે નિષ્ણાતોના મતે ઉત્તર કોરિયામાં આ ભૂખમરીનું સંકટ કોરોના વાયરસને કારણે ઊભું થયું છે, કારણ કે કિમ જોંગ ઉને પાડોશી દેશો સાથેની સરહદો બંધ કરી દીધી હતી. આને કારણે, ચીન સાથેનો વેપાર ઓછો થયો. ઉત્તર કોરિયા ખોરાક, ખાતર અને બળતણ માટે ચીન પર નિર્ભર છે. દક્ષિણ કોરિયન સરકારની થિન્ક ટૅન્ક કોરિયન વિકાસ સંસ્થાએ ગયા મહિને કહ્યું હતું કે ઉત્તર કોરિયા આ વર્ષે લગભગ એક મિલિયન ટનની ખાદ્ય અછતનો સામનો કરી શકે છે.