News Continuous Bureau | Mumbai
Trump અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ અને યુરેનિયમ ખરીદનારા દેશો પર આકરા પ્રતિબંધો લાદવા માટેના એક નવા બિલને લીલી ઝંડી આપી દીધી છે. આ બિલ હેઠળ ભારત અને ચીન પર અમેરિકી ટેરિફ 500% સુધી વધી શકે છે. આ પગલાનો હેતુ યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને આર્થિક રીતે નબળું પાડવાનો છે.
શું છે ‘રશિયા પર પ્રતિબંધ અધિનિયમ 2025’?
રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામ અને ડેમોક્રેટ સેનેટર રિચાર્ડ બ્લુમેન્ટલ દ્વારા રજૂ કરવામાં આવેલું આ બિલ એવા દેશો પર નજર રાખશે જે જાણીજોઈને રશિયા પાસેથી એનર્જી પ્રોડક્ટ્સ ખરીદે છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં ગ્રેહામ સાથેની બેઠક બાદ આ બિલને આગળ વધારવાની મંજૂરી આપી છે. આગામી અઠવાડિયે અમેરિકી સંસદમાં આ બિલ પર વોટિંગ થઈ શકે છે.
ભારત અને પીએમ મોદીને લઈને ટ્રમ્પનું નિવેદન
તાજેતરમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, “વડાપ્રધાન મોદી એક સારા વ્યક્તિ છે, પરંતુ તેઓ જાણતા હતા કે હું રશિયન તેલની ખરીદીથી ખુશ નથી. મારે તેમને ખુશ રાખવા હતા અને હવે અમે ટેરિફ ખૂબ જ ઝડપથી વધારી શકીએ છીએ.” ગ્રેહામે જણાવ્યું કે આ બિલ ટ્રમ્પને ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર તેલ ખરીદવાનું બંધ કરવા માટે મોટું દબાણ (Leverage) આપશે.
આ સમાચાર પણ વાંચો : Donald Trump: દુનિયામાં વધશે અમેરિકાનો દબદબો! ટ્રમ્પે ડિફેન્સ બજેટમાં કર્યો ઐતિહાસિક વધારો, ભારતની આખી ઈકોનોમીના ત્રીજા ભાગ બરાબર છે આ રકમ.
અગાઉથી જ લાગેલા છે 50% ટેરિફ
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2025 થી અમેરિકાએ ભારતીય સામાન પર 25% વધારાનો ટેરિફ લગાવ્યો હતો, જેનાથી કુલ ટેરિફ 50% પર પહોંચી ગયો હતો. જો આ નવું બિલ પાસ થશે, તો રશિયન તેલના મુદ્દે ભારત પરનો ટેરિફ 500% સુધી પહોંચી શકે છે. જોકે, ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના ખેડૂતો અને ડેરી સેક્ટરની સુરક્ષા માટે અમેરિકા સાથેના વેપારમાં કોઈ બાંધછોડ કરશે નહીં.