News Continuous Bureau | Mumbai
Madhavpur Mela 2025 :
- પોરબંદરના માધવપુર ખાતે 6 થી 9 અપ્રિલ સુધી યોજાશે માધવપુર ઘેડ મેળો: ૧૦ એપ્રિલના રોજ દ્વારકા ખાતે રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત થશે
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે: પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રમત ગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવી અને ઉત્તરપૂર્વ રાજ્યોના મહાનુભાવો ઉપસ્થિત રહેશે
- ગુજરાત સહિત ઉત્તરપૂર્વના 8 રાજ્યો માધવપુર ઘેડ મેળામાં હિસ્સો લેશે
- ઉત્તરપૂર્વના રાજ્યો તેમજ ગુજરાતના મળીને લગભગ 1600 કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે
- માધવપુર બીચ ખાતે બીચ વોલિબોલ, બીચ ફૂટબોલ, 100 મીટર બીચ રન, કોકોનટ થ્રો, બીચ હેન્ડબોલ જેવી બીચ રમતોનું આયોજન અને રેતશિલ્પોનું પ્રદર્શન
- ભવ્ય હસ્તકલા અને વાનગી મેળાનું આયોજન : જેમાં પૂર્વોત્તરના રાજ્યો માટે 160 સ્ટોલ્સ દ્વારા 320 કારીગરો દ્વારા હસ્તકલાનું પ્રદર્શન અને વેચાણ: હસ્તકલા અને ફૂડ સ્ટોલ્સ
- 6 એપ્રિલના રોજ મંડપ આરોપણ થશે. ત્યારબાદ 6, 7 અને 8 એપ્રિલ દરમિયાન માધવરાયજી મંદિરથી બ્રહ્મકુંડ સુધી ફુલેકા યાત્રા કાઢવામાં આવશે. 9 એપ્રિલના રોજ ભવ્ય વિવાહ ઉત્સવ
- 10 એપ્રિલના રોજ દ્વારકા ખાતે રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત
રાજ્યના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આગામી 6 એપ્રિલ, 2025 એટલે કે રામનવમીના પવિત્ર તહેવારના રોજ ગુજરાતમાં પોરબંદર જિલ્લામાં 5 દિવસ માટે માધવપુર ઘેડ મેળો આયોજિત થવા જઈ રહ્યો છે. 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ચાલનારા આ પાંચ દિવસીય માધવપુર ઘેડ મેળામાં ગુજરાત સહિત ઉત્તરપૂર્વના 8 રાજ્યો હિસ્સો લેશે. ઉત્તરપૂર્વના આ રાજ્યોમાં અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે.

6 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રમત ગમત અને યુવક સેવ મંત્રી શ્રી હર્ષ સંઘવી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
Madhavpur Mela 2025 : માધવપુર ઘેડ મેળો 2025ની ભવ્ય ઉજવણી
પાંચ દિવસીય મેળા દરમિયાન ગુજરાત રાજ્ય તેમજ ઉત્તરપૂર્વના રાજ્યો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવશે. ગુજરાતમાં પૂર્વોત્તર રાજ્યોના કલાકારોના સૌથી મોટા જૂથ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે. આ વર્ષે પ્રવાસન વિભાગ દ્વારા માધવપુર ઘેડ ખાતે ભવ્ય “અરેના” એટલે કે સ્ટેડિયમ પદ્ધત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત અને પૂર્વોત્તરના મળીને 1600 કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવશે. જે આજ દિન સુધી બે અલગ અલગ સંસ્કૃતિના ના કલાકારો દ્વારા સયુક્ત રીતે પરફોર્મ થનાર સૌથી મોટી સાંસ્કૃતિક પ્રસ્તુતિ થવા જઈ રહી છે.

Madhavpur Mela 2025 : એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના
માધવપુર ઘેડ મેળો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ના વિઝનને સાકાર કરે છે. જેનો ઉદ્દેશ ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચેના ગાઢ અને સુવ્યવસ્થિત જોડાણ દ્વારા રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની જે કલ્પના છે તેનો અંતિમ ઉદ્દેશ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનો છે.

Madhavpur Mela 2025 : માધવપુર ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને સોમનાથ ખાતે પણ આયોજિત થશે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો
આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે. પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. આ મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમો 1 એપ્રિલ, 2025થી જ શરૂ થઈ જશે. 1 એપ્રિલે સુરતમાં ઈન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઈન્સ ખાતે, 2 એપ્રિલે વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે, 3 એપ્રિલે અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે, 5 એપ્રિલે સોમનાથ મંદિર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Madhavpur Mela- 2025: માધવપુર ઘેડ મેળો માં પધારેલા કલાકારો નું કરાયું આ રીતે સ્વાગત
Madhavpur Mela 2025 : પૂર્વોત્તર રાજ્યોની હસ્તકલા અને વાનગીઓના સ્ટોલ્સ
આ ઉપરાંત, આ વર્ષે માધવપુર ઘેડ મેળા વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માધવપુર બીચ ખાતે બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, 100 મીટર બીચ રન, કોકોનટ થ્રો, બીચ હેન્ડબોલ જેવી બીચ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ની સાથે સાથે અહી મેળામાં પૂર્વોત્તર રાજ્યોની હસ્તકળા અને વાનગીના સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Madhavpur Mela 2025 : શ્રીકૃષ્ણ અને રૂકમિણીજીના લગ્ન
આ વર્ષે 6 એપ્રિલના રોજ મંડપ આરોપણ થશે. ત્યારબાદ 6, 7 અને 8 એપ્રિલ દરમિયાન માધવરાયજી મંદિરથી બ્રહ્મકુંડ સુધી ફુલેકા યાત્રા કાઢવામાં આવશે. 9 એપ્રિલના રોજ લગ્નની વિધિઓ કરવામાં આવશે. 10 એપ્રિલના રોજ જાન કન્યાને લઇને રૂકમિણી મંદિરથી નીકળશે અને સાંજે 4.00 વાગે માધવરાયજી મંદિર પહોંચશે. આ દિવસે દ્વારકા ખાતે રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.