News Continuous Bureau | Mumbai
Swami Vivekananda: “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો..” આ શબ્દો દ્વારા યુવાધનના ( youth ) અંતરમનને ઢંઢોળનાર અને તેમનામાં નવજાગૃતિનો ( renaissance ) પ્રાણ ફૂંકનાર દેશભકત ( patriot ) સંન્યાસી સ્વામી વિવેકાનંદનો જન્મ સંવત ૧૯૧૯ના પોષવદ સાતમ, સોમવાર સને ૧૮૬૩ની ૧૨મી જાન્યુઆરીએ પાવન પર્વ મકરસંક્રાંતિના ( Makar Sankranti ) પવિત્ર દિવસે થયો હતો. બાળપણમાં તેમનુ નામ વિરેશ્વરદત્ત હતું. થોડા સમય બાદ નરેન્દ્રનાથ દત્ત ( Narendranath Datta ) થયું. સ્વભાવે તે એવા હઠીલા, જિદ્દી હતા કે તેમને કયારેક કાબૂમાં લેવા અશક્ય બની જતું. છેવટે માતા ભુવનેશ્વરી દેવી એક રામબાણ ઉપાય અજમાવતાં અને શિવનું નામ લઈ નરેન્દ્રના માથા ઉપર ઠંડુ પાણી રેડતાં ત્યાં તો નરેન્દ્ર શાંત થઈ જતો. ભણતરનો પહેલો પાઠ તેઓ માતા પાસેથી બંગાળી ભાષામાં શીખ્યા તેમજ ઔપચારિક શિક્ષણરૂપે રામાયણ, મહાભારતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમની યાદશક્તિ એવી સતેજ હતી કે એકવાર વાંચેલું તે કયારેય ભૂલતા જ નહિ ! સાત વર્ષની વયે ‘મુગ્ધબોધ’ નામનું સંસ્કૃત વ્યાકરણ તથા રામાયણ અને મહાભારતના કેટલાય ભાગો કંઠસ્થ કરી લીધા હતાં. ધ્યાનમાં બેસવાની રમત તેમને ખૂબ જ ગમતી. ધ્યાનમાં બેઠા પછી તે જગતનું ભાન ભૂલી જતાં.
નરેન્દ્ર શરીરે કદાવર,તેજસ્વી મોટી આંખો અને મધુર કંઠ, સ્વભાવે નિર્ભય, બુદ્ધિમાન,. રમતગમત, તરવાનો, મુક્કાબાજી, પટ્ટાબાજી, લાઠીદાવ, કુસ્તી, હોડી ચલાવવી વગેરે તેના પ્રબળ શોખ હતા. તેમનામાં પ્રખર નેતૃત્વશક્તિ હતી. તેમનુ હૃદય શુદ્ધ અને પવિત્ર હતું. ઈશ્વરનું જ્ઞાન મેળવવા ખૂબ આતુર હતા. ઉચ્ચશિક્ષણ માટે કોલેજમાં દાખલ થયા તે સમયગાળામાં સંગીતની તાલીમ મેળવીને તેઓ સારા સંગીતકાર પણ બન્યા. સને ૧૮૮૧ના નવેમ્બર માસમાં એક દિવસ પોતાના પ્રોફેસર પાસેથી શ્રીરામકૃષ્ણ વિશે સાંભળ્યું અને બ્રહ્મગુરૂ પાસે જવા માટે ઊપડયા દક્ષિણેશ્વર !
દક્ષિણેશ્વરમાં ગુરૂશિષ્યનું મિલન થયું. ગુરૂદેવ પરમહંસ નરેન્દ્રને જોઈ ભાવાવેશમાં આવી કહેવા લાગ્યા, ‘અરે ! આટલું મોડું અવાય? તું કેટલો કઠોર છે કે મને ખૂબ રાહ જોવડાવી નરેન્દ્ર’, પ્રભુ, તમે તો માનવજાતિના દુઃખો દૂર કરવા ધરતી પર આવેલા પ્રાચીન ઋષિ છો. પ્રણામ કરીને પૂછ્યું કે ‘તમે ઈશ્વરને જોયા છે ?’ રામકૃષ્ણે પ્રેમથી જોઈ જવાબ આપ્યો, ‘હા,મેં ઈશ્વરને જોયા છે, જેવી રીતે હું તને જોઉં છું, તેવી જ રીતે હું ઈશ્વરને જોઉં છું. ફેર માત્ર એટલો જ કે ઈશ્વરનું અસ્તિત્વ અનંત અને તત્વમય છે. તારી મરજી હશે તો હું તને તેના દર્શન કરાવીશ.’ નરેન્દ્રને જે ગુરૂ જોઈતા હતા તે મળી ગયા. તેમણે ગુરૂદેવના ચરણોમાં રહેવાનો નિર્ણય કર્યો. પરમશિષ્ય નરેન્દ્રએ ગુરૂદેવના આદેશ તથા ઉપદેશને જીવનમંત્ર બનાવ્યા અને આજીવન સ્વીકાર્યા. આમ, કૌટુબિક સંસ્કાર, બહુમુખી અધ્યયનના પ્રભાવની સાથે મહાગુરૂ શ્રી રામકૃષ્ણ પરમહંસનું સાંનિધ્ય અને આશીર્વાદ તેમના ચારિત્ર્ય ઘડતર કરવામાં મહત્વના રહ્યા છે.
છેવટે ૧૬મી ઓગસ્ટ, ૧૮૮૬માં ગુરૂદેવ છેલ્લી ઊંડી મહાસમાધિમાં ઊતરી ગયા અને વિદાય લીધી. તેમનો ભૌતિક દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. ‘રામકૃષ્ણ’ નો નાદ ગજવતા ભક્તો પાછા ફર્યા અને નરેન્દ્રમાં સ્વામી વિવેકાનંદ બનીને તેમણે અન્ય ગુરૂમિત્રો તથા શિષ્યો સાથે આજીવન બ્રહ્મચર્યની ( celibacy ) પ્રતિજ્ઞા લઈને ઈશ્વરપ્રાપ્તિ માટે જીવન સમર્પિત કર્યું. તેઓ મઠમાં રહીને ગુરૂભાઈઓ સાથે કલાકો સુધી પશ્ચિમની ફિલસૂફી, મહાપુરૂષોએ વર્ણવેલા સિદ્ધાંતો, ધર્મ, સમાજશાસ્ત્ર, ઈતિહાસ, સાહિત્ય, કલા, વિજ્ઞાન, વેદો અને બૌદ્ધદર્શન વગેરેની ચર્ચાઓ કરતા, છણાવટ કરતા. સંપૂર્ણ ભારતમાં તેમણે પરિભ્રમણ કર્યું અને ગરીબાઈની સાચી નાડ પારખી તથા ભારતની ભાવિ સ્વતંત્રતાનું એક પ્લેટફોર્મ તૈયાર કર્યું. સને ૧૮૮૭ થી ૧૮૯૩ સુધી સ્વામીએ ભારતભરમાં પરિભ્રમણ કર્યું. કાશી, અયોધ્યા, આગ્રા, વૃંદાવન, હરિદ્વાર, ઋષિકેશ અને ત્યાંથી હિમાલય, દિલ્હી, અલ્વર, જયપુર, અજમેર, આબુ ગયા. ત્યાંથી અમદાવાદ, વઢવાણ, લીંબડી, ભાવનગર, જૂનાગઢ, પ્રભાસપાટણથી પોરબંદર ગયા, પોરબંદરથી દ્વારકા, કચ્છ અને ત્યાંથી સીધા પાલિતાણા, વડોદરા, મુંબઈ, પુના, કોલ્હાપુર, બેલગામ થઈને દક્ષિણ ભારતમાં મૈસૂર, બેગ્લોર, કોચીન, ત્રિપુર, ત્રિવેન્દ્રમ, રામેશ્વરમ ગયાં અને છવટે ત્યાંથી કન્યાકુમારી ગયા, જ્યાં તેમને દિવ્યદર્શન થયું, અને ત્યાંથી જ તેમના જીવનનો માર્ગ બદલાઈ ગયો. કન્યાકુમારીમાં સમુદ્રમાં તેમણે ખડક પર બેસી કેટલાય દિવસો સુધી ધ્યાન ધર્યું અને પરિણામે દિવ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ ખડક પરથી જ તેમણે સભા સંબોધી અને ભાષણ કર્યું તેની યાદગીરી સ્વરૂપે આજે પણ તે ‘રોક મેમોરિયલ” કન્યાકુમારીમાં પ્રસિદ્ધ છે. કન્યાકુમારીમાં ભાષણ આપીને વળતી વખતે મદુરાઈ, મદ્રાસ, પોંડિચેરી, હૈદરાબાદ, સિકંદરાબાદ ગયા.
આ સમાચાર પણ વાંચો : Budget session 2024 : બજેટ 2024ની તારીખ થઇ જાહેર, નાણામંત્રી નિર્મલા સીતારમણ આ દિવસે રજૂ કરશે વચગાળાનું બજેટ.. જાણો ખાસ તારીખો
૧૮૯૩ ની ૧૭મી ફેબ્રુઆરીએ હૈદરાબાદ છોડયું ત્યારે અમેરિકામાં ‘વિશ્વધર્મ સભા’માં હાજરી આપવાનો વિચાર સાકાર થઈ ચૂકયો હતો છેવટે વિશ્વધર્મ પરિષદમાં તેમણે અમેરિકામાં જઈ હાજરી આપી. શિકાગોની આર્ટ ઈન્સ્ટિટયુટના વિશાળખંડ ‘હોલ ઓફ કાલંબસ’માં ૧૮૯૩ના ૧૧મી સપ્ટેમ્બરે સવારે ૧૦-૦૦ વાગ્યે વિશ્વધર્મ પરિષદનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. સ્વામીજી ‘શુદ્ધ સનાતન હિંદુધર્મ’ પર વ્યાખ્યાન આપવાના હતા. સ્વામીજી વ્યાખ્યાન આપવા ઊભા થયા ત્યારે સર્વત્ર શાંતિ પથરાઈ. પરમાત્માની સ્તુતિ કરી તેમણે ભાષણ શરૂ કર્યું. શ્રોતાઓને તેમણે ‘અમેરિકાની મારી બહેનો અને ભાઈઓ‘ ( My Sister & Brothers of America ) કહીને સંબોધ્યા. લેડીઝ એન્ડ જેન્ટલમેનથી શરૂઆત કરનાર અન્ય વક્તાઓએ આવું આત્મીય પ્રમાણે સંબોધન કર્યું ન હતું. તેમણે હિંદુધર્મને સર્વ ધર્મોની જનની તરીકે દર્શાવ્યો. અખિલ વિશ્વને સહિષ્ણુતા અને સર્વગ્રહિતાનો બોધ આપનાર હિંદુ ધર્મ જ છે. હિંદુ શાસ્ત્રોમાંથી અનેક અવતરણો ટાંકી સુલલિત વાણીથી બધાને દંગ કરી દીધા. પોતાના પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને પ્રથમ જ્વલંત વ્યાખ્યાનથી જ અમેરિકામાં તેમણે સૌને મંત્રમુગ્ધ કર્યા અને સમગ્ર અમેરિકામાં જાણીતા થઈ ગયા.
સુવિખ્યાત ‘ધ ન્યુયોર્ક હેરોલ્ડ’ નામની પત્રિકાએ પણ છાપ્યું કે, ‘સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ પરિષદ’ની સૌથી મહાન વ્યક્તિ છે એમાં શંકા નથી. એમનું વ્યાખ્યાન સાંભળ્યા પછી લાગે છે કે આવી સુશિક્ષિત પ્રજા માટે મિશનરીઓને મોકલવી એ મૂર્ખતા છે.’ વિવેકાનંદે ન્યુયોર્ક યુરોપ, ફ્રાંસ, ઇંગ્લેન્ડ વગેરેમાં પણ પ્રવાસ કરી ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો. લંડનમાં આત્મજ્ઞાન વિશે પણ ભવ્ય વ્યાખ્યાન આપ્યું. વિદેશી મહિલા માર્ગારેટ પણ પ્રભાવિત થયા અને સ્વામીજી લંડનમાંથી ઉપડ્યા તે પહેલા જ તેમની શિષ્યા બનીને ભગિની નિવેદિતા નામ સ્વીકાર્યું. લંડન છોડી સ્વામીજી ભારત પરત ફર્યા. ગુરૂદેવ શ્રી રામકૃષ્ણના આદેશ પ્રમાણે ‘શ્રી રામ કૃષ્ણમઠ’ અને ‘શ્રી રામકૃષ્ણ મિશન’ના કાર્યો કરવામાં તેઓ વ્યસ્ત રહ્યા અને ધર્મ, શિક્ષણ, સંસ્કૃતિ, સમાજ વિશેના વિચારો ફેલાવતાં રહ્યા. શિક્ષણ જગતને પ્રેરે તેવા આગવા વિચારો રજૂ કર્યા. આશ્રમમાં રહી ગુરૂભાઈઓ તથા શિષ્યો સાથે સત્સંગ, ભજન, વાંચન, ચિંતન અને ચર્ચા વિચારણામાં ઘણો સમય વિતાવ્યો તથા જીવનકાળ દરમ્યાન હિન્દુધર્મ તથા ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે અનેક ભાષણો આપતા રહ્યા.
છેવટે આ મહાન વિભૂતિ ૩૯ વર્ષનું ટૂંકું આયુષ્ય ભોગવી ૪ જુલાઈ, ૧૯૦૨ના રોજ પરમેશ્વરમાં વિલીન થઈ ગઈ. એક મહાયોગી માત્ર ૩૯ વર્ષની ઉંમરે બ્રહ્મલીન થઈ ગયા. જનસમાજના નિ:સ્વાર્થ કાર્યકર્તા જગતમાં આવીને થોડાં જ વર્ષોમાં અચળ કીર્તિને પ્રાપ્ત કરનાર દિવ્યાત્મા શરીરનું બંધન છોડી ચાલ્યા ગયા. આ વેદાંતકેસરીની ઉપદેશગર્જના ભારતના ખૂણે ખૂણે યાદ દેવડાવશે કે ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડયા રહો !’
આ સમાચાર પણ વાંચો : Hindu Temple: અયોધ્યામાં રામ મંદિરની તર્જ પર અબુધાબીમાં બનેલા પહેલા હિંદુ મંદિરની તૈયારીઓ પુરજોશમાં.. પીએમ મોદી આ તારીખ કરશે ઉદ્ઘાટન.
ધન્ય છે આવા મહાપુરૂષોને.. ભારતની ભવ્ય સંસ્કૃતિના ધ્વજને વિશ્વમાં ઉન્નત મસ્તકે લહેરાવનાર ભારતના સિંહ સમા વિવેકાનંદના નશ્વરદેહનું જ મૃત્યુ થયું. તેઓ તેમનાં કાર્યો, વિચારો અને અક્ષરદેહે આજે પણ સુક્ષ્મ સ્વરૂપે આપણી વચ્ચે જીવંત છે, અમર છે.
દર વર્ષે ભારતમાં ૧૨ જાન્યુઆરીને રાષ્ટ્રીયયુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે યુવા દિને સ્વામી વિવેકાનંદજીના જન્મદિને તેમના ચરણોમાં કોટિ કોટિ વંદન…
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.