ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર 2021
શનિવાર.
51 શક્તિપીઠ પૈકી એક યાત્રાધામ પાવાગઢ ખાતે કારતક સુદ પુનમે દેવ દિવાળી નિમિત્તે ભવ્ય અન્નકૂટ ભોગનું આયોજન કરાયું હતું. 225 જેટલી વાનગીઓ સાથે અન્નકૂટ ભોગ માતાજીને ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ માંઇભક્તો માતાજીના દર્શને ઉમટ્યા હતા દરમિયાન અન્નકૂટ દર્શન, મહા આરતી અને મહા પ્રસાદીનો લાભ મળતાં જ ભક્તોમાં અનેરી ખુશી જોવા મળી હતી.

દેવ દિવાળીએ એક લાખથી વધુ માઇ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત આ દિવસે માતાજીને સવા કિલો સોનાનું છત્ર ચડાવવા અને મંદિરના જીર્ણોદ્ધાર કાર્યમાં 1.11 કરોડનું દાન આવ્યું હતું. મહાકાળી મંદિર ટ્રસ્ટને અત્યાર સુધી મળેલા ભેટ દાન પૈકી સૌથી મોટું દાન આજે એક ભક્ત દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું.
દાનની વાત કરીએ તો, હાલમાં હિંમતનગરમાં રહેતા અને મૂળ રાજસ્થાનના બાબુલાલ સોનાજી રાજપુરોહિત કે જેઓ પશુઓની આહારનો વ્યવસાય કરે છે. તેમના પરિવાર દ્વારા મંદિરને 1.11 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમણે રૂ. 60 લાખની કિંમતની 1.25 કિલો સોનાની છત્ર પણ ઓફર કરી હતી.

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાજીના દર્શને ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતાં હોય છે. માતાજી સાથે લાખો ભક્તોની આસ્થા સંકળાયેલી હોવાથી આસો અને ચૈત્રી નવરાત્રિ દરમિયાન લાખો ભક્તો અહીં ઉમટે છે. તેમજ પૂનમ, દિવાળી અને દેવ દિવાળી જેવા તહેવારોમાં પણ મોટી સંખ્યામાં ભકતો દર્શન માટે આવતાં હોય છે.

અગાઉ મંદિર પરિસર અને પગથિયાં ખૂબ જ સાંકડા હોવાથી પોલીસ તંત્ર અને મંદિર ટ્રસ્ટ સંચાલકોને ભારે જહેમત ઉઠાવવી પડતી હતી સાથે દર્શનાર્થીઓને પણ ખૂબ જ તકલીફ વેઠવી પડતી હતી. પરંતુ હાલ મંદિર પરિસર વિશાળ બનાવવામાં આવી રહ્યું છે અને સાથે જ તમામ પગથિયાં પહોળા કરી ચઢાવ ખૂબ જ ઓછો કરી દેવામાં આવ્યો છે. કરોડોના ખર્ચે થઈ રહેલી આ કામગીરી મુલાકાતીઓ માટે માતાજી સુધી પહોંચવા માટે એકદમ અનુકૂળ બની છે.
