પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું એણે દીધેલા કોલ તમે ભૂલી ગયાં, જૂઠી માયા ને મોહમાં ફસાઈ ગયાં ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું બાળપણ ને યુવાનીમાં અડધું ગયું, નહિ ભક્તિના મારગમાં ડગલું ભર્યું હવે બાકી છે એમાં દ્યો ધ્યાન જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું પછી ઘડપણમાં પ્રભુ ભજાશે નહિ, લોભ વૈભવ ને ધનને તજાશે નહિ બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો, કૈંક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું બધાં આળસમાં દિન આમ વીતી જાશે, પછી યમનું ઓચિંતુ તેડું થાશે નહિ ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું એ જ કહેવું આ બાળકનું દિલમાં ધરો, ચિત્ત આપી કનૈયાને ભાવે ભજો ઝાલો ઝાલો ભક્તિનું સુકાન જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું આ બાજુ દેવોએ ભગવાન પાસે આવી પ્રાર્થના કરી. પ્રભુ! આપ સ્વધામમાં પધારો. પ્રભુએ કહ્યું, મારે પણ પૃથ્વીનો ત્યાગ કરવો છે. દ્વારકામાં અપશુકનો થવા લાગ્યાં.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૦
વૃદ્ધ યાદવો ભગવાન પાસે આવ્યા. પ્રભુએ કહ્યું આપને ઋષિઓનો શ્રાપ થયો છે. હવે અહીં રહેવું ઈષ્ટ નથી. માટે આપણે પ્રભાસક્ષેત્રમાં જઈએ. આ સાંભળી સર્વ પ્રભાસ જવાની તૈયારી કરવા લાગ્યા. ઉદ્ધવે આ વાત સાંભળી. ઉદ્ધવજી સમજી ગયા કે યાદવોનો સંહાર કરી, ભગવાન આ લોકોનો પરિત્યાગ કરશે. ઉદ્ધવજી ભગવાન પાસે આવ્યા. કહેવા લાગ્યા, હું આપને શરણે આવ્યો છું. તમારા વિરહમાં હું કેવી રીતે જીવી શકીશ? તમે જશો ત્યાં હું તમારી સાથે આવીશ. ભગવાન કહે છે:-ઉદ્ધવ! તું સાથે આવ્યો નથી, તો તને સાથે કયાંથી લઈ જાઉં? ઉદ્ધવ! હું તને માર્ગદર્શન કરીશ. ઉદ્ધવ! આ બધો સપનાનો ખેલ છે, ભ્રમ છે. સંસાર અસત્ય છે, આત્મા જ સત્ય છે. એમ કહી ત્યાગ-સંન્યાસનો ઉપદેશ આપ્યો, ઉદ્ધવ કહે છે:- ત્યાગનો માર્ગ મુશ્કેલ છે. મને સહેલો ઉપાય બતાવો. મને જ્ઞાન આપો. મારા ઉપર કૃપા કરો. ભગવાન કહે છે:- ઉદ્ધવ! મેં તો તારા ઉપર કૃપા કરી છે. મનુષ્ય જન્મ આપ્યો તે ઓછી કૃપા છે? આપણા ઉપર ઈશ્ર્વરની, સંતની અને શાસ્ત્રની કૃપા છે. હવે તું જ તારા ઉપર કૃપા કરજે. ઉદ્ધવ! તારો ઉદ્ધાર તું જાતે કરજે, તું જ તારો ગુરુ થા. આત્મનો ગુરુરાત્મૈવ આત્મા જ આત્માનો ગુરુ છે. ઇશ્વરે તો કૃપા કરી છે. હવે જીવે પોતાની ઉપર કૃપા કરવાની છે. જીવનનું એક લક્ષ્ય નક્કી કરો અને તે મેળવવા પ્રયત્ન કરો. સાધન કરો તો સફળતા મળશે.