પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
કંસ ભયના લીધે તન્મય થયો હતો. તેને દેવકીનો આઠમો પુત્ર જ દેખાય છે. શિશુપાલ વેરથી ભગવાનનું ચિંતન કરતો
હતો.
કોઈપણ ભાવથી ઇશ્વરમાં તન્મય થવાની જરૂર છે.
તસ્માત્ કેનાપ્યુપાયેન મન કૃષ્ણે નિવેશયેત્ ।
તેથી હરકોઇ મનુષ્યે કોઈ પણ ઉપાયથી મન શ્રીકૃષ્ણમાં જોડવું જોઇએ.
આ શિશુપાલ સાધારણ ન હતો. તે વિષ્ણુ ભગવાનનો પાર્ષદ હતો. નારદજીએ જયવિજયના ત્રણ જન્મોની કથા
સંક્ષેપમાં કહી. જયવિજય પહેલા જન્મમાં હિરણ્યાક્ષ- હિરણ્યકશિપુ થયા, બીજા જન્મમાં રાવણ-કુંભકર્ણ અને આ ત્રીજા જન્મમાં
શિશુપાલ અને દંતવક્રત્ર રૂપે જન્મ્યા છે.
નારદજીએ હિરણ્યકશિપુ અને પ્રહલાદની કથા શરૂ કરી. દિતિના બે પુત્રો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષનો
વધ વરાહ ભગવાને કર્યો. હવે હિરણ્યકશિપુની વાત આવે છે.
ધર્મરાજાએ નારદજીને પ્રાર્થના કરી:-આ કથા વિસ્તારપૂર્વક સાંભળવાની ઈચ્છા છે. પ્રહલાદ મહાન ભગવદ્ભક્ત હતા,
છતાં હિરણ્યકશિપુને તેને મારવાની કેમ ઈચ્છા થઈ?
નારદજી બોલ્યા:-દિતિ એ ભેદબુદ્ધિ છે. ભેદબુદ્ધિમાંથી હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ આવે છે. મમતા અને અહંકાર
આવે છે. આ હું અને મારું એ ભેદબુદ્ધિના સંતાનો છે, સર્વે દુ:ખનું મૂળ ભેદબુદ્ધિ છે. સર્વ સુખનું મૂળ અભેદભાવ છે.
અભેદભાવ શરીરથી નહીં, બુદ્ધિથી થાય તો, સર્વપ્રતિ સમ બુદ્ધિ આવે છે.
અહંકારને મારવો કઠણ છે. મમતાનો વિવેકથી નાશ થાય છે. વિવેકથી મમતાનો નાશ થઈ શકે. પરંતુ અહંભાવનો નાશ
થઈ શકતો નથી. અર્પણ કરનાર પોતાનું ‘હું પણુ’ પણ અર્પણ કરે તો ઠાકોરજી કૃપા કરે છે. મારામાં અભિમાન નથી એમ માનવું
એ પણ અભિમાન છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૦
હિરણ્યકશિપુ અહંકારનું રૂપ છે. હિરણ્યકશિપુનું વર્તન એવું છે કે તે દેવોને, જ્ઞાની પુરુષોને, સર્વને ત્રાસ આપે છે.
અભિમાન સર્વને ત્રાસ આપે છે, સર્વને રડાવે છે. મમતા મરે છે પણ અહંકાર જલદી મરતો નથી. અહંકારને મારવો કઠણ છે. તે
રાત્રે મરતો નથી, દિવસે મરતો નથી, ઘરની બહાર, ઘરની અંદર પણ મરતો નથી, તે ઘરની બહાર અને ઘરની અંદર પણ હોય છે.
અહંકાર શસ્ત્ર કે અસ્ત્રથી મરતો નથી, તેને વચલી જગ્યામાં મારવો પડશે. મનુષ્ય અહંકારને મારે તો તે ઈશ્વરથી દૂર નથી.
અભિમાન અંદર બેઠું છે. મનુષ્યને દુઃખ આપનાર અહંકાર છે. આ અહંકારને મારવાનો છે. અહંકાર મરશે ઉંબરામાં.
રાસમાં કથા આવશે કે બે ગોપીઓની વચ્ચે શ્રીકૃષ્ણ છે. તે પ્રમાણે બે વૃત્તિઓની વચમાં શ્રીકૃષ્ણને રાખશો તો અહંકાર મરશે. એક
સંકલ્પ ઉત્પન્ન થાય અને બીજી વૃત્તિ ઉત્પન્ન થતાં પહેલાં વચ્ચે શ્રીકૃષ્ણને રાખો તો અહંકાર મરશે. પ્રત્યેક ઇન્દ્રિયનું મિલન ઈશ્વર
સાથે ન થાય ત્યાં સુધી અહંકાર છે. પુરુષ ઈશ્વરનાં સ્મરણમાં તન્મય થાય અને બીજો ભેદ ન રહે તો અહંકાર મરે.
જ્ઞાન સુલભ છે. પણ અહમ-મમતાનો વિનાશ ન થાય, ત્યાં સુધી જ્ઞાન દીપે નહીં. હિરણ્યકશિપુ જ્ઞાની હતો, પણ તેનું
જ્ઞાન અહમ્ અને મમતાથી ભરેલું હતું. પોતાના ભાઇના મરણ પ્રસંગે તે બ્રહ્મોપદેશ કરે છે. બીજાને બોધ આપે અને પોતે જીવનમાં
ન ઊતારે તે અસુર. હિરણ્યકશિપુ બીજાને જ્ઞાનનો બોધ આપે છે, અને પોતે વિચારે છે, મારા ભાઇનો વધ કરનાર વિષ્ણુ ઉપર
કયારે વેર વાળું?
અહંમ્ મમતા હોય ત્યાં સુધી જ્ઞાન પચે નહીં. ભક્તિ વગરનું જ્ઞાન કેવળ શબ્દમય બને તો તેથી જીવને લાભ થતો નથી.
જ્ઞાનનો અનુભવ વૈરાગ્ય અને ભક્તિ વગર થતો નથી.
બ્રહ્મજ્ઞાનની વાતો કરે અને પ્રેમ સંસારના વિષયો સાથે કરે એ જ દૈત્ય,એ જ દૈત્યના વંશનો.
હિરણ્યાક્ષના મૃત્યુના સમાચાર સાંભળી હિરણ્યકશિપુ કહે, મારા ભાઇને મારનાર વિષ્ણુ સાથે હું યુદ્ધ કરીશ. માતા
દિતિને હિરણ્યકશિપુએ અનેક પ્રકારે બોધ આપ્યો. દિતિને સંતોષ થયો. હિરણ્યકશિપુએ વિચાર્યું કે હું આજે વિષ્ણુ સાથે લડવા
નહીં જાઉં. એકવાર વરદાન પ્રાપ્ત કરી અજર અમર બનીશ, તે પછી યુદ્ધ કરવા જઇશ.
હિરણ્યકશિપુ તપશ્ચર્યા કરવા જાય છે. હિરણ્યકશિપુની પત્નીનું નામ કયાધુ. કયાધુએ પૂછ્યું. તપશ્ચર્યા કરી ઘરે કયારે
આવશો? હિરણ્યકશિપુએ જવાબ આપ્યો ઘરે આવવાનો દિવસ નકકી નથી. દશ હજાર વર્ષ તપ કરીશ. તપ કરી અનેક સિદ્ધિઓ
પ્રાપ્ત કરી ઘણાં વર્ષે ઘરે આવીશ.
હિરણ્યકશિપુ મંદરાચળ પર્વત ઉપર આવ્યો છે. આ કથા ભાગવતમાં નથી. વ્યાસજીએ વિષ્ણુપુરાણમાં આ કથા લખી
છે. દેવોએ બૃહસ્પતિને પ્રાર્થના કરી છે. હિરણ્યકશિપુની તપશ્ચર્યામાં વિઘ્ન કરો. બૃહસ્પતિ પોપટ રૂપે મંદરાચલ પર્વત ઉપર
આવ્યા. હિરણ્યકશિપુ જે જગ્યાએ તપ કરવા બેઠેલો તેની નજીકમાં, ઝાડ ઉપર બેસી નારાયણ, નારાયણ એમ બોલવા લાગ્યા.
જ્યારે હિરણ્યકશિપુ મંત્રનો જપ કરવા લાગે કે પોપટ નારાયણ, નારાયણ બોલે. હિરણ્યકશિપુએ વિચાર્યું, જે વિષ્ણુને મારવા હું
તપશ્ચર્યા કરું છું તેનું આ પોપટ કિર્તન કરે છે. આ કયાંથી આવ્યો? મરતો પણ નથી? આજે તપશ્ચર્યામાં બેસવા માટે શુભ દિવસ
નથી. હિરણ્યકશિપુ કંટાળી સાયંકાળે ઘરે આવે છે.