News Continuous Bureau | Mumbai
Mumbai: Bhandup BEST Bus Accident મુંબઈના ભાંડુપ વિસ્તારમાં હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ભાંડુપ રેલ્વે સ્ટેશનની બહાર ભારે ભીડ વચ્ચે એક બેસ્ટ (BEST) ઇલેક્ટ્રિક બસે નિયંત્રણ ગુમાવ્યું હતું અને રસ્તા પર ચાલતા લોકોને કચડી નાખ્યા હતા. એક પ્રત્યક્ષદર્શી ના જણાવ્યા અનુસાર, ફૂટપાથ પર ફેરિયાઓનો કબજો હોવાથી લોકોને રસ્તા પર ચાલવાની ફરજ પડી હતી. બસની ટક્કર એટલી જોરદાર હતી કે લોકો હવામાં ઉછળ્યા હતા અને કેટલાક બસની નીચે ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ બસને ધક્કો મારી ઉંચી કરી નીચે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.
ચાર લોકોના મોત અને નવ ઘાયલ
આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. અન્ય નવ લોકો ગંભીર રીતે ઘાયલ છે જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સ્થળે ચારેબાજુ લોહીના નિશાન જોવા મળ્યા હતા, એક વ્યક્તિનું માથું બસના પૈડા નીચે કચડાઈ ગયું હતું.
ડ્રાઈવરની ધરપકડ અને ટેકનિકલ તપાસ
પોલીસે બસ ડ્રાઈવર ની અટકાયત કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે ડ્રાઈવર નશામાં હતો કે કેમ અથવા બસમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ફોરેન્સિક ટીમ દ્વારા અકસ્માત સ્થળના સેમ્પલ લેવામાં આવ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ગયા વર્ષે કુર્લામાં પણ આવી જ ઇલેક્ટ્રિક બસનો અકસ્માત થયો હતો જેમાં ૯ લોકોના મોત થયા હતા, તેથી બસોની હાલતની પણ તપાસ થવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Khaleda Zia Passes Away: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન: ઢાકાની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ; દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે રચ્યો હતો ઇતિહાસ.
ફેરિયાઓનું અતિક્રમણ અને ભીડ
ભાંડુપ સ્ટેશનની બહારનો આ વિસ્તાર ખૂબ જ વ્યસ્ત રહે છે કારણ કે ત્યાં શાકભાજી માર્કેટ ભરાય છે. ફેરિયાઓએ ફૂટપાથ રોકી લીધા હોવાથી બસને યુ-ટર્ન લેવામાં અને પદયાત્રીઓને ચાલવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. અકસ્માત બાદ રોષે ભરાયેલા દુકાનદારોએ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર હેમરાજ રાજપૂતે ખાતરી આપી છે કે આ મામલે તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે.