News Continuous Bureau | Mumbai
Meenatai Thackeray શિવસેના પ્રમુખ સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના પત્ની મીનાતાઈ ઠાકરેની દાદરના શિવાજી પાર્ક ખાતેની પ્રતિમા પર લાલ રંગ ફેંકવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ઠાકરેના એક કાર્યકર્તાનો પિતરાઈ ભાઈ છે. આરોપીનું નામ ઉપેન્દ્ર ગુણાજી પાવસ્કર છે અને તેણે ગુનો કબૂલ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. દરમિયાન, મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પાસે લાલ રંગ ફેંકીને પ્રતિમાનું અપમાન કરવાનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવ્યા બાદ શિવસેનાએ તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટના બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંનેએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
આરોપીનો ચોંકાવનારો ખુલાસો
પોલીસે ધરપકડ કર્યા બાદ આરોપીએ તેના નિવેદનમાં ચોંકાવનારી માહિતી આપી છે. આરોપીએ આરોપ લગાવ્યો છે કે, સંપત્તિના વિવાદમાં ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે હસ્તક્ષેપ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી દાદર પોલીસ સ્ટેશનમાં શ્રીધર પાવસ્કર અને આદિત્ય ઠાકરે વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા સતત આવતો હતો. હવે, આરોપીનું નિવેદન નોંધ્યા બાદ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Trump: ગમે તેટલા મતભેદ હોય, તો પણ ટ્રમ્પ-પુતિન બંને પીએમ મોદી અને ભારતથી કેમ દૂર જઈ શકતા નથી?
રાજકીય નેતાઓની પ્રતિક્રિયા
મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પાસે લાલ રંગ ફેંકવાનો પ્રયાસ થયા બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. મુંબઈના વિવિધ જિલ્લાઓમાં શિવસૈનિકોએ આ ઘટના અંગે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. રાજકીય નેતાઓએ પણ પ્રતિક્રિયા આપીને આરોપીની ધરપકડની માંગ કરી હતી.
ઉદ્ધવ ઠાકરેની પ્રતિક્રિયા:
ઉદ્ધવ ઠાકરેએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ પોલીસને સૂચના આપી હતી. તેમણે કહ્યું હતું કે, “આ પ્રકારનું કૃત્ય બે પ્રકારના લોકો કરી શકે છે. પહેલો પ્રકાર એવા બેવારસ લોકો જેમને પોતાના માતા-પિતાનું નામ લેતા શરમ આવે છે. બીજું એ કે, જે રીતે બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનું અપમાન થયું અને તેના કારણે બિહાર બંધ કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો, તે જ રીતે આ બધું કરીને મહારાષ્ટ્રમાં આગ લગાવવાનો ઉદ્દેશ્ય હોઈ શકે છે.”
એકનાથ શિંદેનું નિવેદન:
દરમિયાન, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પત્રકારો સાથે વાત કરતા આ ઘટના પર તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, “આ ઘટના અત્યંત નિંદનીય છે. કોઈપણને છોડવામાં આવશે નહીં. મેં પોતે પોલીસ કમિશનર સાથે વાત કરી છે, મુખ્યમંત્રીએ પણ આ બાબતે ધ્યાન આપ્યું છે. અમે આ બાબતને ગંભીરતાથી લીધી છે. કોઈપણ સંજોગોમાં તે અસામાજિક તત્વોને છોડવામાં આવશે નહીં.”