ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
15 જાન્યુઆરી 2021
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સોશિયલ મીડિયામાં હેઝ ટેગ 'શી ઇન્સપાયર અસ' કર્યા બાદ ચર્ચામાં આવેલાં સુરતના પેડ દાદી ની કહાણી ઘણી પ્રેરણાદાયી છે.
પેડ દાદી તરીકે ઓળખાતા મીના મહેતા દર મહિને સરકારી શાળાઓમાં પાંચ હજાર જેટલી ગરીબ વિદ્યાર્થીનિઓને નિઃશુલ્ક સેનેટરી પેડની કીટ આપે છે.
62 વર્ષીય મીનાબેન મહેતા 2013ની સાલથી પતિની બચતના 25 હજાર રૂપિયાથી દીકરીઓ માટેના સેનિટરી પેડ, અંડરવેર, સ્પોર્ટ્સ બ્રા, અને ખજૂર-ચણાના કિટનું દર મહિને વિતરણ કરવાની શરૂઆત કરી છે. મિત્રો, સંબંધીઓ અને દાતાઓનો સહયોગ વધતાં છેલ્લાં આઠેક વર્ષમાં લગભગ 6 લાખ કિટ કિશોરીઓને આપવામાં આવી છે.
લોકડાઉન બાદ સ્કૂલો બંધ હોવાથી અને પોતાની ઉંમરને ધ્યાનમાં રાખીને હવે ઘરે જ રોજનાં 250 બાળકો માટે રસોઈ બનાવીને મોકલી રહ્યાં છે, સાથે જ 20 જેટલા વૃદ્ધોને એડોપ્ટ કરીને તેમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવાનું કામ પણ કરી રહ્યાં છે.
કોઇની પણ મદદ વગર પતિ-પત્ની મળીને એકલા હાથે 250 બાળકો માટે પૌષ્ટિક ભોજન બનાવીને તેને પેક કરે છે અને સર્વિંગ સ્માઇલ નામની સંસ્થાની મદદથી બાળકો સુધી ખોરાક પહોંચાડે છે. સાથે-સાથે તેઓ એ વાતનું પણ બહુ ધ્યાન રાખે છે કે, ભોજન બની જાય તેના એક કલાકમાં બાળકો સુધી પહોંચી જાય.
માનુની ફાઉન્ડેશન સંસ્થાનાં સંસ્થાપક મીનાબેન જણાવે છે, “ભૂખ અને કુપોષણની દ્રષ્ટિએ આપણો દેશ 94 મા નંબરે છે. એટલે જ અમારો હેતુ છે કે બાળકોને પૌષ્ટિક ભોજન મળી રહે. અમે કોઇ એક વિસ્તારમાં જઈને બાળકોને સતત એક-બે મહિના સુધી તેમને 200 ગ્રામના પેકિંગમાં તાજુ જ બનાવેલું ભોજન પહોંચાડીએ છીએ. અને ખરેખર બાળકોમાં તેનો ફાયદો પણ જોવા મળે છે.”
આ કાર્ય માટે તેમને અભિનેતા અક્ષય કુમાર તરફથી 5 લાખ રૂપિયાની મદદ મળી છે. જ્યારે ઇન્ફોસીસ ના સુધા મૂર્તિના કાર્યથી પ્રેરણા લઈને મીનાબેને પણ પેડ આપવાનું શરૂ કર્યું હતું. એમ જણાવી તેઓ વાત પૂર્ણ કરે છે.