News Continuous Bureau | Mumbai
Vatican City દુનિયાનો સૌથી નાનો દેશ વેટિકન સિટી માત્ર ૦.૪૪ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ દેશમાં કુલ વસ્તી માત્ર ૮૦૦ થી ૯૦૦ લોકોની જ છે. આ વસ્તીમાં મોટાભાગે કેથોલિક પાદરીઓ, નન અને સ્વિસ ગાર્ડના સભ્યો છે. આ દેશની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં કોઈ પણ બાળક કાયમી ધોરણે રહેતું નથી, જેના કારણે અહીં પ્રાથમિક કે માધ્યમિક શાળાઓ બનાવવાની ક્યારેય જરૂર પડી નથી.
જન્મના આધારે નાગરિકત્વ મળતું નથી
વેટિકન સિટીમાં અન્ય દેશોની જેમ જન્મના આધારે નાગરિકત્વ મળતું નથી. અહીં માત્ર એવા લોકોને જ નાગરિકત્વ મળે છે જેઓ ‘હોલી સી’ (Holy See) માટે કામ કરે છે. જેમાં પાદરીઓ, અધિકારીઓ અને સ્વિસ ગાર્ડનો સમાવેશ થાય છે. એકવાર તેમની સેવા પૂર્ણ થઈ જાય એટલે તેમનું નાગરિકત્વ પણ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. અહીં કોઈ પરિવાર કાયમી સ્થાયી ન થતો હોવાથી પેઢી દર પેઢીના શિક્ષણની કોઈ વ્યવસ્થા નથી.
બાળકો ક્યાં ભણવા જાય છે?
જો અહીં કામ કરતા સ્વિસ ગાર્ડના સભ્યોને બાળકો હોય, તો તેઓ વેટિકન સિટીની અંદર અભ્યાસ કરતા નથી. આ બાળકો દરરોજ અભ્યાસ માટે પડોશી દેશ ઈટાલીના રોમ શહેરમાં જાય છે. વેટિકન સિટી આ વ્યવસ્થાને પૂરો સપોર્ટ આપે છે. જોકે, વેટિકન સિટીમાં ૬૫ જેટલી ‘પોન્ટિફિકલ યુનિવર્સિટીઓ’ અને સંસ્થાઓ છે જે મુખ્યત્વે ધર્મશાસ્ત્ર અને તત્વજ્ઞાનના ઉચ્ચ અભ્યાસ માટે રોમમાં કાર્યરત છે.
આ સમાચાર પણ વાંચો : Uddhav Thackeray: BMC ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે એક્શન મોડમાં: ૧૦૦ થી વધુ ઉમેદવારોને ‘AB’ ફોર્મ અપાયા; અનેક પૂર્વ નગરસેવકો અને નવા ચહેરાઓને મળી તક.
આ દેશના નામે છે અનોખા રેકોર્ડ
નાનો આકાર હોવા છતાં વેટિકન સિટી અનેક વિશ્વ વિક્રમો ધરાવે છે:
અહીં દુનિયાની સૌથી નાની રેલ્વે લાઈન છે.
દુનિયાનું એકમાત્ર એવું ATM અહીં છે જેમાં સૂચનાઓ ‘લેટિન’ ભાષામાં આવે છે.
આ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જેને સંપૂર્ણ રીતે ‘યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ’ જાહેર કરવામાં આવ્યો છે.
અહીંની મોટાભાગની જમીન ચર્ચ, મ્યુઝિયમ અને સુંદર બગીચાઓથી ઘેરાયેલી છે.