ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ડિસેમ્બર 2021
શનિવાર.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં મહિલાઓ અને બાળકીઓ સામે દુષક્રમ કરવાનું પ્રમાણ વધી ગયું છે. તેમાં પણ મુંબઈમાં મહિલા, સગીરવયની બાળકી અને યુવતીઓ પર બળાત્કાર કરવાનું પ્રમાણ વધી ગયું છે. છેલ્લા 11 મહિનામાં મુંબઈમાં 828 બળાત્કારના ગુના દાખલ થયા છે. આ આંકડાને જોતા મુંબઈમાં સરેરાશ દરરોજ ત્રણ બળાત્કાર થવાની નોંધ મુંબઈ પોલીસ ચોપડે થાય છે. ગયા વર્ષ કરતા આ વર્ષે બળાત્કારનાં 135 કેસ વધી ગયા છે.
મુંબઈ પોલીસની વેબસાઈટ મુજબ જાન્યુઆરીથી નવેમ્બર 2021 સુધીના સમયગાળામાં મુંબઈમાં 828 બળાત્કારના ગુના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. અગિયાર મહિનાના સમયગાળાના આંકડા જોતા રોજના સરેરાશ ત્રણ બળાત્કારના ગુના નોંધાય છે. તેમાં ચોંકાવનારી વિગત એ છે કે 828 ગુનામાંથી સગીર વયની બાળકીઓ પર બળાત્કારના 484 ગુના નોંધાયા છે. તેમાંથી 98 ટકા ગુનામાં આરોપીને પકડવામાં સફળતા મળી હતી.
છેલ્લા 11 મહિનામાં મુંબઈમાં 1,920 વિનયભંગના કેસ નોંધાયા હતા, તેમાંથી 1,606 કેસ સોલ્વ થયા હતા. મહિલા અને સગીર વયની બાળકીઓના અપહરણના કેસમાં પણ વધારો થયો છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ 11 મહિનામાં 1,008 ગુના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે, તેમાંથી 836 કેસ સોલ્વ થયા હતા અને અપહરણ થયેલી બાળકીઓને હેમખેમ રીતે છૂટકારો કરવામાં સફળતા મળી હતી. ખાસ કરીને 13થી 17 વર્ષની એજગ્રુપની છોકરીઓનું અપહરણનું પ્રમાણ વધારે રહ્યું છે. મોટાભાગના કેસમાં પ્રેમપ્રકરણ હોય છે. છોકરીઓ પોતાના પ્રેમી સાથે ભાગી જતી હોય છે અને થોડા દિવસમાં પાછી ઘરે આવતી હોય છે.