ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે ૨૦૨૧
શુક્રવાર
હાલમાં જ્યારે લોકડાઉન છે અને પરીક્ષાઓ રદ થઈ છે, ત્યારે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમય કરવા માટે શ્રી એમ. ડી. શાહ મહિલા કૉલેજના ગુજરાતી વિભાગ અને મુંબઈ ગુજરાતી સંગઠનના સંયુક્ત ઉપક્રમે ઓનલાઇન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદ લલિત નિબંધ પર થશે. આ પરિસંવાદનું આયોજન ૧૬ મે, ૨૦૨૧(રવિવાર)ના રોજ બપોરે ચારથી છ વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે.
આ પરિસંવાદ દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠના પ્રોફેસર ડૉ. ઉષા ઉપાધ્યાય કાકા કાલેલકરના લલિત નિબંધો પર વાત કરશે અને ગુજરાત આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજના પ્રોફેસર નિસર્ગ આહીર લલિત નિબંધકાર સુરેશ જોશી વિશે સંવાદ કરશે. આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન ઓનલાઇન ગૂગલ મીટના માધ્યમ દ્વારા કરવામાં આવશે. આપ નીચે આપેલી લિન્ક પરથી કાર્યક્રમમાં જોડાઈ શકો છો.
આ સંદર્ભે ન્યુઝ કન્ટિન્યુઝ સાથે વાત કરતાં મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશ મહેતાએ જણાવ્યું કે “વેકેશનમાં શિક્ષકો તેમ જ વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય તરફ આકર્ષિત થાય અને સારા નિબંધો અને સારા લેખો વાંચતા થાય તેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.”
ઉલ્લેખનીય છે કે મુંબઈ ગુજરાતી સંગઠન વર્ષોથી ગુજરાતી શાળાઓની સાથોસાથ જે કૉલેજમાં ગુજરાતી વિભાગ છે તેમને પણ સાથે લઈ કાર્ય કરે છે. આ પૂર્વે ચર્ચગેટની એસએનડીટી સાથે ‘સંધાન’ અંતર્ગત વિવિધ વર્કશોપનું આયોજન કર્યું છે. એ ઉપરાંત કે.ઈ.એસ.માં થતા ગુર્જરી નમોસ્તુતે દર વર્ષે સહયોગ આપતું રહ્યું છે. આ વર્ષે એન.એમ. કૉલેજના રોશની કાર્યક્રમમાં પણ સહયોગ કર્યો હતો.
…તો હવે ભારતમાં આ ત્રીજી વેક્સિન પણ મળશે; જાણો શું છે કિંમત?
મણિબહેન નાણાવટી વુમેન્સ કૉલેજ સાથે મળી વાંચન શિબિરનું પણ આયોજન કર્યું હતું. કે.જે. સોમૈયા કૉલેજ સાથે પણ વિવિધ ઉપક્રમો કર્યા છે. શાળાની સાથે કૉલેજમાં પણ માતૃભાષા ભણી શકાય છે તેની જાગૃતિ આવે અને જે વિદ્યાર્થિની બહેનોનું વિવિધ કારણોસર ભણતર છૂટી ગયું છે, તેઓ પણ કૉલેજો સાથે સંલગ્ન થાય તેવો પણ સંગઠનનો પ્રયાસ રહ્યો છે.
લીંક – http://meet.google.com/rfn-exuf-dbd