News Continuous Bureau | Mumbai
Gandhinagar ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ટાઇફોઇડના 113 થી વધુ શંકાસ્પદ કેસો સામે આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હસ્તક્ષેપ કર્યો છે અને પ્રશાસનને યુદ્ધના ધોરણે કામગીરી કરવા નિર્દેશ આપ્યા છે. ખાસ કરીને પીવાના પાણીની પાઇપલાઇનમાં રહેલા લીકેજને તાત્કાલિક રીપેર કરવા અને નાગરિકોને શુદ્ધ પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે.
113 કેસ નોંધાયા, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલઅને અન્ય આરોગ્ય કેન્દ્રોમાં હાલમાં 94 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 19 દર્દીઓને રજા આપવામાં આવી છે. અમિત શાહે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સૂચના આપી છે કે, ટાઇફોઇડથી પ્રભાવિત બાળકો અને નાગરિકોને ઝડપી અને સચોટ સારવાર મળવી જોઈએ. તદુપરાંત, હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા-સંબંધીઓ માટે ભોજનની સુવિધા ઊભી કરવા માટે પણ વહીવટી તંત્રને આદેશ આપ્યા છે.
20,800 થી વધુ ઘરોનો સર્વે અને ક્લોરિન ટેબ્લેટ્સનું વિતરણ
મહાનગરપાલિકાની 75 આરોગ્ય ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 20,800 થી વધુ ઘરો અને 90,000 થી વધુ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા 30,000 જેટલી ક્લોરિન ટેબ્લેટ્સ અને 20,600 ઓઆરએસ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું છે. આરોગ્ય ટીમો ઘરે-ઘરે જઈને લોકોને જાગૃત કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : BMC Election 2026: શું શિંદે જૂથ તોડશે ઠાકરેનો દબદબો? મુંબઈ મહાનગરપાલિકામાં 87 બેઠકો પર ખેલાશે મરાઠી મતોનો અસલી ખેલ; જાણો અંદરની વિગત
સુપર ક્લોરિનેશન અને પાઇપલાઇનનું ઇન્સ્પેક્શન તેજ
રોગચાળાને કાબૂમાં લેવા માટે પાણીના ‘સુપર ક્લોરિનેશન’ ની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. પાણીમાં ક્લોરિનની માત્રા યોગ્ય છે કે નહીં તેની સતત ચકાસણી કરવામાં આવી રહી છે. અમિત શાહે જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપી છે કે પાઇપલાઇનમાં જ્યાં પણ લીકેજ હોય તેનું તાત્કાલિક નિરીક્ષણ કરી સમારકામ કરવામાં આવે. નાગરિકોને પણ પાણી ઉકાળીને પીવાની અને બહારનું ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.