ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, 2 એપ્રિલ 2021
શુક્રવાર
આ વાત છે બોરીવલીમાં રહેતા એક એવા સંગીતના સિતારાની જે માત્ર 16 વર્ષની ઉંમરમાં આસમાનની ઊંચાઈઓને આંબી ગયો છે. તેણે છેલ્લાં પાંચ વર્ષમાં સેક્ષોફોન વગાડવાની શરૂઆત કરી અને આજે તેના સંગીતના સૂર ઝી ટીવી પર પ્રસારિત થતા સારેગામાપાથી સોની ટીવી પર પ્રસારિત થતા ઇન્ડિયન આઇડલ સુધી દરેક જગ્યાએ લહેરાઈ રહ્યા છે. આ છોકરાનું નામ છે હર્ષ ભાવસાર જે હાલ બારમા ધોરણમાં અભ્યાસ કરે છે.

હર્ષ કી ફ્લુટ, અલ્ટો સેક્ષોફોન, સાપરાનો સેક્ષોફોન, ટેનર સેક્ષોફોન અને પિયાનો જેવા અનેક વાંજીત્રો વગાડે છે. તે ભારતીય શાસ્ત્રીય સંગીત, વેસ્ટર્ન જેઝ, વેસ્ટર્ન કલાસિકલ, બૉલીવુડ અને ફ્યુઝનમાં નિપુણ છે. સેક્ષોફોન મુખ્યત્વે રોમેન્ટિક, સેડ સોન્ગ અને જેઝ મ્યુઝિકમાં વપરાતું વાજિંત્ર છે. સેક્ષોફોન એક સાથે 36 કી અને હોઠના તાલમેલથી વગાડવું પડે છે, માટે આટલી નાની ઉંમરે આ વાજિંત્ર વગાડવું અને તેમાં મહારથ હાસિલ કરવો એ કંઈ ખાવાના ખેલ નથી.

તેની આ સંગીતના સફરની શરૂઆત થાય છે જયારે તે માત્ર 12 વર્ષનો હતો અને અમદાવાદમાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. એક લગ્ન પ્રસંગમાં હર્ષે સેક્ષોફોન જોયું અને એ લઈ આપવાની પિતા પાસે હઠ કરી. સેક્ષોફોન જેવું વાજિંત્ર એક નાનો છોકરો વગાડી શકે કે કેમ? તે ગડમથલ હતી, તેમ છતાં પિતાએ હર્ષને સેક્ષોફોન અપાવ્યું. હર્ષ ત્યાર બાદ યુટ્યુબ પરથી અને અમદાવાદમાં જ સેક્ષોફોન વગાડતા શીખ્યો.

ઓગસ્ટ 2016માં તેણે ધ સ્કૂલ પોસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલી એક સ્પર્ધામાં ભાગ લીધો અને ત્યાં પહેલું પારિતોષિક મેળવ્યું. શિક્ષક ભરતભાઈએ તેનો આ વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો અને અનાયાસે તે વાઇરલ થઈ ગયો અને અહીંથી જ હર્ષના જીવનમાં સકારાત્મક વળાંક આવ્યો. આ વીડિયો મુંબઈના ઇવેન્ટ ઓર્ગેનાઈઝર હેમંતકુમાર મ્હાલેએ જોયો અને તેને મુંબઈ બોલાવ્યો, હર્ષએ તેનો પ્રથમ શો જાન્યુઆરી 2017માં કર્યો અને ત્યાર બાદ તે દર કદમે સફળતાનાં નવા સોપાન સર કરતો ગયો.
હર્ષએ અત્યાર સુધીમાં કુલ 700થી વધુ શો દેશ-વિદેશમાં કર્યા છે. હાલમાં જ બાંગ્લાદેશની સરકાર દ્વારા તેને બોલાવવામાં આવ્યો હતો અને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ તેણે પરફોર્મ કર્યું હતું. સેક્ષોફોનના સૂર એવા કે સાંભળનાર તે સૂર માણતાની સાથે સંગીતના સૂરમાં ડૂબી જાય. તેણે શંકર મહાદેવન, ટોની કક્કર અને જાવેદ અલી જેવી હસ્તીઓ સાથે પણ કામ કર્યું છે. સોનુ નિગમના હસ્તે તેને એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. હર્ષના યુટ્યુબ પર 42 હજાર સબસ્ક્રાઈબર છે અને ફેસબુક પર 30 હજાર ફોલોઅર્સ છે. તેણે ઇન્ડિયન આઇડલ સીઝન 11, સારેગામાપા, સ્ટારપ્લસ પર આવતા શો તારે જમીન પર અને હાલમાં ચાલતા ઇન્ડિયન આઇડલ સીઝન 12માં પણ કામ કર્યું છે.
આ સંદર્ભે ન્યુઝ કંટીન્યુઝ સાથે વાત કરતા હર્ષે જણાવ્યું કે "મને બધા જ પ્રકારનું સંગીત સાંભળવું અને વગાડવું ગમે છે. સંગીતના દરેક પ્રકારની જુદી-જુદી વિશેષતા છે." તમને કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે? આ સવાલનો જવાબ આપતા તેણે ઉમેર્યું કે "દસ આંગળીઓ દ્વારા 36 કી દબાવી મ્યુઝિક વગાડવું જરાક અઘરું છે. સેક્ષોફોન વગાડતી વખતે હોઠ ઉપર ખૂબ દબાણ આવે છે એટલે તેની નિયમિત પ્રેક્ટિસ કરવી આવશ્યક છે." હાલમાં તે પંડિત મિલિંદ રાયકર પાસેથી ભારતીય શાસ્ત્રીય સંગીત અને અમેરિકાથી વેસ્ટર્ન જેઝ મ્યુઝિક શીખે છે.
તેની આ પ્રતિભા સંદર્ભે હર્ષના પિતા ભરતભાઈએ ન્યુઝ કંટીન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું કે "હર્ષ ખૂબ જ સિન્સિયર છે અને આટલી ઉંમરે પણ આખું ઘર ચલાવે છે. હર્ષને જોઈ તેની મોટી બહેન ફેનીએ પણ લોકડાઉનમાં સેક્ષોફોન શીખવાનું શરૂ કર્યું છે."
સંગીતના ક્ષેત્રમાં જંપલાવવું અને સફળતા મેળવવી એ કોઈ સામાન્ય બાબત નથી. ખાસ કરી આજની પેઢી આ વિષયમાં અભિરુચિ ધરાવતા હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. નિશ્ચિતપણે હર્ષ મુંબઈમાં રહેતા ગુજરાતીઓ માટે ગર્વ કરવા સમાન યુવક છે.
તેના સંગીતના સૂરમાં જો તમે પણ માણવા ઇચ્છતા હોવ તો નીચે આપેલી લિંક દ્વારા તેની યુટ્યુબ ચેનલ જોઈ શકો છો.
યુટ્યુબ લિંક https://www.youtube.com/channel/UC8Vzsi9dMumdgS26jFA0fvg
