ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે ૨૦૨૧
શુક્રવાર
આ વાત છે બોરીવલીમાં રહેતા એક એવા મલ્ટિટેલેન્ટેડ યુવકની જે માત્ર ૧૯ વર્ષની ઉંમરે માર્શલ આર્ટ્સ ચેમ્પિયન બની ગયો છે. જશ આશિષ વશી હાલ કાંદિવલીસ્થિત કે.ઈ.એસ. કોલેજમાં બી.એ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે અને સ્ક્વે માર્શલ આર્ટ્સમાં નિપુણ છે. અત્યાર સુધીમાં તેણે રમેલી તમામ સ્ક્વે માર્શલ આર્ટ્સ ટુર્નામેન્ટ તે જીત્યો છે. સ્ક્વે માર્શલ આર્ટ્સમૂળ કાશ્મીરની રમત છે.

જશ દસમા ધોરણમાં ભણતો હતો ત્યારે તેણે પ્યુપિલ્સ ઓલિમ્પિક દરમિયાન અન્ડર ૧૮ ગ્રુપમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધત્વ કર્યું હતું. કર્ણાટકમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં જશને સિલ્વર મેડલ મળ્યો હતો. દેશસહિત જશે અનેક વાર મહારાષ્ટ્ર રાજ્યનું પણ પ્રતિનિધત્વ કર્યું છે અને આંતરરાજ્ય સ્તરે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
જશ સાતમા ધોરણમાં હતો ત્યારે તેણે સ્ક્વે માર્શલ આર્ટ્સ શીખવાનું શરૂ કર્યું હતું. બે વર્ષની તાલીમ બાદ તેણે ટુર્નામેન્ટ રમવાની શરૂઆત કરી અને આજે અનેક સફળતાનાં શિખરો સર કરી ચૂક્યો છે. એક વખત દિલ્હીમાં રમાતી ટુર્નામેન્ટ દરમિયાન અકસ્માતમાં તેને પગમાં ગંભીર ઈજા થઈ હતી. ડોક્ટરે તેને બીજા દિવસે રમવાની ના પાડી હતી, છતાં તે એ મેચ રમ્યો હતો અને જીત્યો પણ હતો.

આ સંદર્ભે ન્યુઝ કન્ટિન્યુઝ સાથે વાત કરતાં જશે જણાવ્યું કે “હું આપણી રાષ્ટ્રીય રમતોને પ્રમોટ કરવા ઇચ્છું છું અને હવે લાઠી શીખી રહ્યો છું.” આ ઉપરાંત તે માર્શલ આર્ટ્સના બીજા પ્રકાર પણ શીખવા ઇચ્છે છે. તેણે પોતાની સફળતાનો શ્રેય પોતાનાં માતાપિતા અને કોચ સુભાષ મોહિતેને આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જશ માર્શલ આર્ટ્સ ઉપરાંત કેસિયો પણ શીખ્યો છે અને કૉલેજની ડ્રામા ટીમમાં પણ ખૂબ સક્રિય છે.