સુદામા સુદામાપુરી પાસે આવ્યા છે. પોતાની ઝૂંપડી શોધે છે. ઝૂંપડી મળતી નથી. ઝૂંપડીની જગ્યાએ તો મહેલ ખડો થયો છે. અત્યંત અશ્ર્ચર્ય થાય છે, આ શું? સુદામા વિચારમાં પડયા છે. ત્યાં સુશીલાને ખબર પડી, સ્વામીનાથ આવ્યા છે. દોડતાં સુદામા પાસે આવ્યાં છે. કહ્યું, તમારા મિત્રે આ બધું આપ્યું છે. આપતી વખતે શ્રીકૃષ્ણ કાંઈ બોલ્યા નથી. અને સુદામાએ કંઈ માંગ્યું નથી. સુદામા પ્રાર્થના કરે છે, મારો કનૈયો એક અક્ષર બોલ્યો નહિ અને આપ્યું કેટલું. મારે ધન જોઈતું નથી પણ જન્મોજન્મ મને મારા શ્રીકૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય. મને જન્મોજન્મ શ્રીકૃષ્ણનાં ચરણમાં દાસ્યભક્તિ મળે. સુદામા ચરિત્રનું રહસ્ય:-પરમાત્મા જીવમાત્રના મિત્ર છે. જીવ સાથે નિઃસ્વાર્થ પ્રેમ કરનાર નારાયણ છે. જગતમાં એવો કોઈ નથી જે પોતાનો સોળ આની(સો ટકા) ભાગ તમને આપે. ભગવાન પોતાનું સર્વસ્વ સુદામાને આપે છે. જગતની ખુશામત કરશો તો તે શું આપશે? માટે ખુશામત કરવી હોય તો ભગવાનની જ કરવી. જીવ ઈશ્વર સાથે પ્રેમ કરે, ત્યારે ઈશ્વર જીવને ઇશ્વર બનાવે છે. જીવ ઈશ્ર્વર સાથે મૈત્રી કરે તો જીવ પણ ઈશ્વર બને છે. પરમાત્માને પૂર્ણ પ્રેમ આપો. જીવ માત્રના સાચા મિત્ર, સાચા પિતા પરમાત્મા છે. સુદામાએ પ્રભુ સાથે પ્રેમ કર્યો, મૈત્રી કરી તો પ્રભુએ સુદામાને અપનાવ્યો અને પોતાના જેવો બનાવ્યો. સુદામાને દ્વારકા જેવી નગરી અને પોતાના જેવી સમૃદ્ધિ પ્રભુએ આપી છે. ભગવાન તો પોતાના ચરણકમળનું સ્મરણ કરનારને પોતાનું સ્વરૂપ પણ આપી દે છે. તો તુચ્છ ધન આપે તેમાં શું નવાઇ? શરીરનું મિલન તુચ્છ છે. મનનું મિલન દિવ્ય છે. ગરીબને પણ જો શ્રીમાન-શ્રીમંતો પ્રેમથી મળે તો આજે પણ સોનાની દ્વારકા બની જાય. તે પછી એક વખત સૂર્યગ્રહણનો સમય આવ્યો. વસુદેવ-દેવકી અને સર્વ યાદવો કુરુક્ષેત્રમાં આવ્યા છે. નિષ્કામ ભાવથી કરેલું કર્મ પાપને બાળે છે. સકામ ભાવથી કરેલું કર્મ સ્વર્ગ અપાવે છે. પરંતુ મુક્તિ ન અપાવે. મનુષ્ય શરીર એ કુરુક્ષેત્ર છે. આ કુરુક્ષેત્રમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિનું યુદ્ધ અહર્નિશ ચાલ્યા કરે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૪
આ શરીરરથમાં જે શ્રીકૃષ્ણને સારથી તરીકે બેસાડે છે તે જીતે છે. શ્રીકૃષ્ણકથા આપણા દોષોનું ભાન કરાવે છે. કથાશ્રવણથી પ્રભુનું ભજન કરવાની જીવની ઈચ્છા થાય છે. શ્રીકૃષ્ણકથા ઈન્દ્રિયોની શુદ્ધિ કરે છે માટે કૃષ્ણકથારૂપીસ્નાન, ગંગાસ્નાન કરતાં પણ શ્રેષ્ઠ છે. ગંગાસ્નાન શરીરને શુદ્ધ કરે છે. પરંતુ કૃષ્ણકથારૂપીસ્નાન મનશુદ્ધિ કરે છે. કુરુક્ષેત્રમાં વ્રજવાસીઓ પણ આવેલા. તેના પ્રભુ સાથેના મિલનની કથા કહી. એક દિવસ પ્રભુ માતાપિતા પાસે આવ્યા છે. વાસના જ પુનઃજન્મનું કારણ છે. મરતાં પહેલાં વાસનાનો ત્યાગ કરો, વેરનો ત્યાગ કરો. એટલે છેવટે શ્રીકૃષ્ણ માતાપિતાને પૂછે કે તમારાં મનમાં કાંઇ ઈચ્છા છે ? જે કાંઇ ઈચ્છા હોય તે મને કહો. હું તે પૂર્ણ કરીશ. વસુદેવે કહ્યું:-મારા મનમાં હવે કાંઈ ઈચ્છા નથી. સંકલ્પ નથી. મારી છેલ્લી ઈચ્છા હવે ફ઼કત એક જ છે અને તે એ કે અંતકાળે મને તમારું સ્મરણ રહે. તમારું સ્મરણ કરતાં કરતાં પ્રયાણ કરું અને દેહનો ત્યાગ કરું. શરીર છોડતાં હજાર વીંછીઓ કરડે, તેટલી વેદના થાય છે. આવી વેદનામાં પણ તમારું નામ, તમે ભગવાનનું નામ જીભ ઉપર રહે તેવું કરો. કારણ આવા પુરુષનું જ જીવન ધન્ય છે. તે જ જીત્યો. તો મારી છેલ્લી પરીક્ષા સારી જાય. મારું મૃત્યુ સુધરે. મને મુક્તિ મળે તેવું કરો. મૃત્યુનું ચિંતન માનવી રોજ કરે તો પાપ કરવાની માનવીને ઈચ્છા જ નહિ થાય. એકનાથ મહારાજને કોઈએ પૂછ્યું કે આપ ઇશ્વર ભજનમાં હંમેશા મગ્ન રહો છો અને આનંદમાં રહો છો, ત્યારે મારું ચિત્ત ઇશ્વરભજનમાં કેમ લાગતું નથી? કેમ ચોંટતું નથી? એકનાથજીએ મનમાં કહ્યું:-આ સંસાર મનમાંથી જાય, આ સંસાર છૂટે તો ચિત્ત પ્રભુમાં લાગે. તેની સાન ઠેકાણે લાવવા કહ્યું:-આજથી સાતમા દિવસ પછી તારું મૃત્યુ છે. તે સાતમા દિવસે તું મારી પાસે આવજે, તને હું સઘળું રહસ્ય સમજાવીશ. તે મનુષ્ય તો મૃત્યુની વાત સાંભળી ગભરાયો. ઘરે જઇ પુત્રોને બધું સોંપી ઇશ્વરભજનમાં લાગી ગયો, કારણ કે તે માનવા લાગ્યો, હવે સાત જ દિવસમાં મૃત્યુ છે. હવે શું થાય? સાતમા દિવસે તે એકનાથ મહારાજ પાસે આવ્યો. એકનાથ મહારાજે પૂછ્યું, મને બતાવ, આ સાત દિવસમાં તેં શા શા વિચાર કર્યા? શું ભોગો ભોગવ્યા? તે પુરુષે જવાબ આપ્યો. મૃત્યુ નજર સમક્ષ દેખાતું હોય તે પછી સંસારના કોઇ ભોગમાં રૂચિ રહે? હું તો સર્વ છોડીને ઇશ્વરભજન કરવા લાગ્યો. એકનાથજીએ કહ્યું :-હવે તને રહસ્ય સમજાઈ ગયું ને? અમે મૃત્યુનું સ્મરણ રાખીએ છીએ. એટલે અમારું મન એક ઇશ્વરમાં જ લાગી રહે છે.