‘ઐલગીત’માં આ દેહ કોનો છે વગેરે ચર્ચા જે કરી તે આગળ આવી ગઇ છે. આ દેહ માંસ, હાડકાઓથી ભરેલો દુર્ગંધયુક્ત છે. આવા આ દેહના સુખમાં રચ્યાપચ્યા રહે, તે પશુ કરતાં, કીડા કરતાં પણ હલકો છે. છેવટે ઉદ્ધવજી પૂછે છે:-હે પ્રભુ! આપે યોગમાર્ગ,જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ, વગેરેનો ઉપદેશ આપ્યો, પરંતુ જે પોતાના મનને વશ કરી શકે તેને જ યોગમાર્ગ સિદ્ધ થાય છે. આ મન માંકડા જેવું છે. તેને વશ કરવું વાયોરિવ સુદુષ્કરમ્ છે. માટે જ મનુષ્યો મનને વશ ન કરી શકે તે સિદ્ધિને સહેલાઇથી કેવી રીતે પ્રાપ્ત કરી શકે? મને કહો. શ્રી ભગવાન બોલ્યા:-હે ઉદ્ધવ! અર્જુને પણ મને આ જ પ્રશ્ન કરેલો. મનને વશ કરવું કપરું છે. પણ અભ્યાસ અને વૈરાગ્યથી તે વશ થઈ શકે છે. પરંતુ એ બધી ખટપટમાં ન પડવું હોય તો મને પ્રાપ્ત કરવાનો સહેલો માર્ગ મારી અવ્યભિચારી ભક્તિનો છે. અને ભક્તિકરનાર પુરુષ અનાયાસે જ્ઞાન, બુદ્ધિ, વિવેક અને ચતુર બને છે અને અંતે તે મને પ્રાપ્ત કરે છે. ભક્તિ કે સાધન કહૌ બખાની । સુગમ પંથ મોહિ પાવહિ પ્રાની ।। ઉદ્ધવ! આ ભક્તિસાધનાના હું હવે વધારે શું વખાણ કરું? તેના તો જેટલાં વખાણ કરું તેટલાં ઓછાં છે. આ માર્ગ તદન સહેલો અને સરળ છે અને તેથી મનુષ્ય મને પ્રાપ્ત કરે છે. ભક્તિ સ્વતંત્ર છે, એને કોઈ અવલંબનની, ક્રિયાકાંડની જરૂર પડતી નથી. તેને આધીન સર્વ છે. જ્ઞાની હોય તેને પણ આ ઉપાસના માર્ગની જરૂર છે. અને કર્મયોગીને પણ આ ઉપાસના માર્ગની જરુર પડે છે. જ્ઞાનયોગ અને કર્મયોગમાં આ ભક્તિયોગ મળે, તો જ તે મુક્તિદાયક બને છે. અન્યથા નહિ. સો સ્વતંત્ર અવલંબ ન આના । તે હી આધીન જ્ઞાન વિજ્ઞાના ।। હે ઉદ્ધવ ! તને વધુ શું કહું? ભગતિહીન બિરંચિ કિન હોઈ । સબ જીવહુ સમ પ્રિય મોહિ સોઈ । ભગતિવંત અતિ નિચઉ પ્રાની । મોહિ પ્રાનપ્રિય અસિ મમ બાનિ ।। તેથી જે મનુષ્ય જયારે સર્વ કર્મો તજી મને પોતાનો આત્મા અર્પણ કરી દે છે ત્યારે તેને સર્વેત્તિકૃષ્ટ બનાવવાની મને ઈચ્છા થાય છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૬
તે પછી તેઓ મારી પોતાની સાથે એક થવાને યોગ્ય બને છે અને અંતે મોક્ષપણાને પામે છે. ઉદ્ધવને ફરીથી આજ્ઞા કરી, પારકી પંચાત તું કરીશ નહિ. જગતને સુધારવાની પંચાત કરીશ નહિ. તું તારી જાતને સુધારજે. સમાજને તો પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ સુધારી શક્યા નથી. શ્રીકૃષ્ણના વખતમાં પણ દુર્યોધન, શિશુપાળ હતા. તેઓને ભગવાન સુધારી શકયા નહિ. જે કાર્ય ભગવાન ન કરી શકયા, તે શું આપણાથી થવાનું છે ? ઉદ્ધવ! જગતને પ્રસન્ન કરવું બહુ કઠણ છે. પરમાત્માને પ્રસન્ન કરવા તે એટલું કઠિન નથી. ઉદ્ધવ! તારું મન તું મને આપ. ઉદ્ધવ! હું તારું તન કે ધન માગતો નથી. ફકત એક મન માગું છું. મન આપવા લાયક એક પરમાત્મા છે. મન આપવા લાયક એક મનમોહન શ્રીકૃષ્ણ છે. પ્રભુ જેવી રીતે મનને સાચવશે, તેવું કોઈ સાચવી શકે નહિ. ઉદ્ધવ, સર્વમાં હું રહેલો છું. હું સર્વવ્યાપક નારાયણને તું શરણે જા. ઉદ્ધવ! મેં તને સર્વ બ્રહ્મજ્ઞાન કહ્યું છે. આ બ્રહ્મજ્ઞાનનું દાન જે બીજાને કરે છે. તેને હું પોતે મારું સ્વરૂપ અર્પણ કરું છું. ઉદ્ધવ! બોલ, હવે તારે કંઈ વિશેષ સાંભળવું છે? તારો શોક, મોહ હવે દૂર થયો ને? ઉદ્ધવ સાષ્ટાંગ પ્રણામ કરી કહે છે, મારે કાંઈ વધારે સાંભળવું નથી. મેં જે સાંભળ્યું છે તેનું મારે હવે મનન કરવું છે. ઉદ્ધવને આજ્ઞા કરી છે કે હવે અહીંથી તું અલકનંદાને કિનારે જા. તું બદરીકાશ્રમ જા, ત્યાં ઇન્દ્રિયોને સંયમિત કરી, એકાગ્ર બુદ્ધિ કરી, મેં આપેલા આ બ્રહ્મજ્ઞાનનું ચિંતન કર અને મારામાં ચિત્તને લીન કરી તું મને પામીશ. ઉદ્ધવ! બદરીકાશ્રમ એ યોગભૂમિ છે, ત્યાં પરમાત્મા સાથે જલદી યોગ સિદ્ધ થાય છે. ઉદ્ધવે પ્રાર્થના કરી છે, કે તમે મારી સાથે આવો. ભગવાન કહે છે:-ઉદ્ધવ! આ શરીરથી હવે હું તારી સાથે આવી શકીશ નહિ. પણ ચૈતન્યરૂપે, ક્ષેત્રરૂપે હું તારી સાથે જ છું. તારા હ્રદયમાં હું બેઠો છું, હું તારો સાક્ષી છું, માટે ચિંતા કર નહિ. ઉદ્ધવ! તું મારું ખૂબ પ્રેમથી સ્મરણ કરીશ, ધ્યાન કરીશ તે જ સમયે હું તારી સામે પ્રગટ થઈશ. બાકી એ માર્ગે તારે એકલા જ જવાનું છે, કોઇ સાથે આવી શકતું નથી. જગતમાં સર્વને ખબર છે કે એકલા જવાનું છે. તો પણ સ્ત્રીને પુરુષ વગર અને પુરુષને સ્ત્રી વગર ચેન પડતું નથી. આ સંસારના સર્વ સંબંધો જૂઠ્ઠા છે.