
Bhagavat: કેટલાક સમજે છે, રજાને દિવસે ખૂબ ખાવાનું અને ખૂબ સુવાનું. એ તો કુંભકર્ણનો ( Kumbhakarna ) અવતાર કહેવાય. આવું ન કરો. રવીવારના દિવસે તેલ મરચું ન ખવાય, ભજિયાં, પાતરાં ન ખવાય, દૂધ, ભાત ખાઓ, આજસુઘી બહુ ખાધું, રજાના દિવસે બે
માળા વધારે ફેરવો. રવિવારને દિવસે બ્રહ્મચર્ય પાળવાનું.
રવિવારના દિવસે એક ભાઇએ કથામાં જવાનું નકકી કર્યું. તેવામાં બાબો રડવા લાગ્યો. એટલે બાબલાની બાએ કહ્યું કે
બાબો રડે ત્યારે તમે કથામાં જાવ તે યોગ્ય નથી. બાબાને રડતો મૂકી કથામાં જશો તો શું પુણ્ય મળશે? મેં પણ કથામાં સાંભળેલુ
કે કોઈના દિલને દુભાવવું નહિ. બબલાની માનું દિલ કેમ દુભાવાય? ભાઇએ કથામાં આવવાનું માંડી વાળ્યું, ઘરે રહીને
વિષ્ણુસહસ્ર ( Vishnu Sahasra ) નામનો, પાઠ કર્યો હોત તો તે ઠીક હતું, પણ યાદ આવ્યું કે અમુક ફીલ્મનું આ છેલ્લું અઠવાડિયું છે. કથા તો કાયમ થવાની છે. અને ભાઈનું ગાડું કથામાં ન આવ્યું, પણ ફિલ્મ જોવા ગયું ને ખાડામાં પડયું.
પતિ-પત્નીનો સબંધ વિલાસ માટે નથી. પ્રભુ ભજન કરવા માટે છે. ગૃહસ્થના જીવનમાં કામસુખ મુખ્ય નથી, ભાગવત સેવા મુખ્ય
છે. મનુષ્યનાં, જીવનમાં ભોગ મુખ્ય નથી, ભગવાન મુખ્ય છે. ગાડું અવળા માર્ગે જાય એટલે, ભગવાન તમારું સંસાર ગાડું ઉથલાવે છે.
ગાડા ઉપર ભગવાનને પધરાવવા જોઈએ. એને ગાડા નીચે ન રાખવા જોઇએ. યશોદાજીએ ( Yashoda ) અવળું કર્યું. સંસારને-માખણ, દહીં, દૂધ વગેરેને ગાડામાં રાખ્યાં અને ભગવાનને ગાડાં નીચે રાખ્યાં. તેણે સાંસારિક કાર્યને પ્રાધાન્ય આપ્યું અને ભગવાનને ગૌણ
સ્થાન આપ્યું. એટલે ગાડું ઊંધું થઈ ગયું.
તમારા જીવનમાં શ્રીકૃષ્ણ ( Shri Krishna ) ગૌણ બને અને કામસુખ પ્રધાન બને, એટલે અવળે માર્ગે તમારું ગાડું જાય છે એમ સમજજો
તો, ભગવાન તમારા સંસારરૂપી ગાડાંને ઠોકર મારશે.
ગાડાં નીચે શ્રીકૃષ્ણને રાખશો, તો શકટાસુર ગાડાં ઉપર ચડી બેસશે.
કામ શક્ટાસુર છે, દહીં, દૂધ એ વિષયોના પ્રતિક રૂપ છે. જેના જીવનમાં શ્રીકૃષ્ણ ગૌણ છે, તેના ગાડા ઉપર શકટાસુર ચડી બેસે છે.
દાંપત્ય જીવનમાં ધર્મ મુખ્ય છે. પત્નીને કામપત્ની કહેતા નથી, ધર્મપત્ની કહીએ છીએ. પૈસા અને કામસુખ પ્રથમ
નથી, ધર્મ પ્રથમ છે. પૈસો જ સર્વસ્વ છે, એમ સમજવા લાગ્યા ત્યારથી જીવનમાંથી શાંતિ ગઇ છે. પૈસાને મુખ્ય ગણવાથી
સદાચાર ગયો. પૈસા કરતાં વધારે સુખ સંયમ અને સદાચારથી મળે છે. ધર્મને મર્યાદા હશે તો જ શાંતિ આપશે.
ચાર પુરુષાર્થ:-ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલો ધર્મ છે અને છેલ્લો મોક્ષ. ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામ
રાખ્યા છે. એટલે કે અર્થ અને કામ, ધર્મ અને મોક્ષની મર્યાદામાં રહીને મેળવવા જોઈએ. માનવજીવનમાં અર્થ અને કામ ગૌણ છે.
પરંતુ ધર્મ અને મોક્ષ એ પ્રધાન છે. તમારા જીવનમાં ધર્મ અને મોક્ષ ગૌણ બનશે, તો તમારું ગાડું અધોગતિરૂપ ખાડામાં જશે.
જીવનમાં લૌકિક સુખ પ્રધાન બને તો, ગાડું ઊથલે. પરંતુ શકટાસુર છાતી ઉપર ચડી ન બેસે તેનો ઉપાય છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૩
ક્રોધ, લોભ વગેરે ચડી બેસે ત્યારે ૧૦૮ મણકાની માળા હાથમા લેવી અને ભગવાનના નામની માળા ફેરવવી.
મનુષ્ય લૌકિક વ્યવહારને પ્રાધાન્ય આપે અને શ્રીકૃષ્ણને જીવનમાં ગૌણ બનાવે તો શક્ટાસુર સંકટ આવે, કામ, ક્રોધ,
લોભ વગેરે આવે છે. ગાડા ઉપર શ્રીકૃષ્ણને રાખો. શ્રીકૃષ્ણને જીવનમાં પ્રાધાન્ય આપો, તો શક્ટાસુર કદી નહિ આવે.
કેટલાક કહેશે, યુવાનીમાં કથા સાંભળી નહિ અને આ કામ શકટાસુર હવે ગાડા ઉ૫રથી નીચે ઊતરતો નથી.
શકટાસુરને શ્રીકૃષ્ણ મારે છે. જ્યારે કામ, ક્રોધ, લોભરૂપી શકટાસુર તમારા હ્રદય ઉપર ચડી બેસે ત્યારે ૧૦૮ મણકાની
માળા હાથમાં રાખી શ્રીમન્ન નારાયણ, શ્રીમન્ન નારાયણ કરો.
માળા સાથે મૈત્રી કરો તો, શકટાસુર શાંત થશે, માળા સાથે મૈત્રી ન કરો તો, શકટાસુર માથે ચડી બેસશે. કામનો વેગ,
ક્રોધનો વેગ સહન કરવો હોય તો પરમાત્માનો આશ્રય કરવો પડશે.
તૃણાવર્તવધ-એક દિવસ યશોદાજી બાલકૃષ્ણને ( Bal Krishna ) ખોળામાં બેસાડી રમાડતાં હતાં. તૃણાવર્ત દૈત્યને મારવા માટે શ્રીકૃષ્ણ
ભારે બન્યા. યશોદાજીને વજન લાગવા માંડયું એટલે યશોદાજી શ્રીકૃષ્ણને ત્યાં મુકી ઘરકામમાં લાગ્યાં. તે વખતે તૃણાવર્ત
વંટોળિયાનું રૂપ ધરીને આવ્યો. શ્રીકૃષ્ણનું હરણ કરી આકાશમાં ગયો. ભગવાન ભારે બન્યા. તેને પકડયો એટલે તૃણવર્તના પ્રાણ
ઉડી ગયા.
તૃણાવત જીવં આવર્યતી સ તૃણાવર્ત: ।
રજોગુણનું ચક્કર એ તૃણાવર્ત. કામ અને ક્રોધ એ રજોગુણના પુત્ર છે. રજોગુણ મનમાં આવે એટલે, મન ચંચળ થાય.
તૃણાવર્ત રૂપી વાયુ (વંટોળિયો) આવે એટલે મન ચંચળ થાય. બુદ્ધિ ઇશ્વરથી વિમુખ બને એટલે તૃણાવર્ત આવે-રજોગુણ આવે.
રજોગુણ મનને બહુ ચંચળ બનાવે છે.
યશોદાની આંખમાં ધૂળ ભરાઈ. સંસારનું સૌંદર્ય નિહાળવામાં સુખ લાગે એટલે આંખમાં તૃણાવર્ત બેઠો એમ માનવું અને
તે પછી ભગવાન દેખાતા બંધ થાય.