
Bhagavat: યશોદા ( Yashoda ) ગર્ગાચાર્યને કહે છે:-ભોજનનો સમય થયો છે. મહારાજ! પહેલા આપ ભોજન કરો, પછી બીજી વાત.
ગર્ગાચાર્ય ( Gargacharya ) :-મારે કોઈના હાથની કરેલી રસોઈ ચાલે નહિ. મારી રસોઇ હું મારા હાથે બનાવીશ. યમુનામાંથી જળ હું લઈ
આવીશ.
ગર્ગાચાર્ય યમુનામાં સ્નાન કરી, પાણી ભરીને આવ્યા. ગર્ગાચાર્યના ઇષ્ટદેવ ચતુર્ભુજ દ્વારકાનાથ ( Dwarkanath ) છે. ગર્ગાચાર્ય કહે છે કે આજે ઠાકોરાજી માટે ખીર બનાવીશ. ખીર બનાવી ભગવાનને અર્પણ કરીશ. પછી પ્રસાદ લઇશ.
કેવળ પોતાને માટે રાંધીને ખાય, તે અન્ન ખાતો નથી પણ પાપ ખાય છે. માટે રાંધો તો તમારા ઠાકોરજી માટે રાંધો.
સંપત્તિનો સેવામાં ઉપયોગ થાય તો જ, તે સફળ છે. પોતાના શરીરમાં પ્રેમ રાખો છો તેથી વિશેષ પ્રેમ ઠાકોરજીમાં ( Thakorji ) રાખો. ગર્ગાચાર્ય
ખીર બનાવે છે. યશોદાએ વિચાર કર્યો કે ખીર ભગવાનને અર્પણ કર્યા વગર ગર્ગાચાર્ય ખાશે નહિં. તેથી સોનાની થાળી ખીર ઠંડી
કરવા આપી. ખીર ઠંડી થયા પછી તુલસીદળ પધરાવ્યું અને બોલવા લાગ્યા.
સશઙખચક્રં સકિરીટ-કુણ્ડલં સપીતવસ્ત્રં સરસીરુહેક્ષણમ્ ।
સહારવક્ષ:સ્થલ કૌસ્તુભશ્રિયં નમામિ વિષ્ણું શિરસા ચતુર્ભુજમ્ ।।
ભગવાન નારાયણનું ( Narayan ) ધ્યાન કરે છે. હે નારાયણ! હે લક્ષ્મીપતે! હે વૈકુંઠપતે! ખીર આરોગો.
કનૈયો કહે, લક્ષ્મીપતિ, વૈકુંઠનાથ તો હું છું. ગુરુજી તો મને બોલાવે છે. એટલે મારે જવું પડશે. ગુરુજી લાલાને યાદ કરે
છે, કહી દોડતો આવ્યો. અને ખીર ખાવા લાગ્યો.
બાર માળા થાય, ત્યાં સુધી ઠાકોરજીની સન્મુખ થાળ રાખવો. લાલાને મનાવવો પડે છે.
ગર્ગાચાર્ય બોલે છે:-ૐ નમો નારાયણાય.
કનૈયો કહે છે:-મહારાજ! આંખ ઉઘાડશો નહીં.
બાર માળા પૂરી થઈ. ગર્ગાચાર્યે આંખ ઉઘાડી તો નાનકડા બાળકૃષ્ણ ( Bal krishna )ખીર આરોગતા હતા. આ વૈશ્યનો છોકરો મારી
ખીરને અડકી ગયો. તેઓ બૂમ મારે છે, હે યશોદા! તારો લાલો મારી ખીર ખાય છે. યશોદાએ જોયું તો કનૈયાનું મોઢું ખીરથી
ખરડાયેલું. કનૈયો અડધી ખીર ખાઈ ગયો હતો.
યશોદા કનૈયાને ધમકાવવા લાગ્યાં, ઘરમાં ક્યાં થોડું છે? તું મહારાજની ખીર ખાવા કેમ ગયો ?
કનૈયો કહે છે:-મા! તું મને બોલે છે, પણ હું શું કરું? આ મહારાજ મને બોલાવે છે તેથી ખીર ખાવા આવું છું.
યશોદાજી ગર્ગાચાર્યને પૂછે છે:- તમે આને બોલાવેલો?
ગર્ગાચાર્ય:-ના, હું વૈકુંઠના નારાયણને બોલાવતો હતો.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૭
યશોદા:-બેટા! આવું ન બોલાય. તું શાનો નારાયણ? વૈકુંઠના નારાયણને ચાર હાથ છે. તારે કયાં ચાર હાથ છે?
કનૈયો:-મા! હું ચાર હાથ બનાવું?
યશોદા વિચારે છે. આ છોકરો છે ચમત્કારી. અત્યારથી ચાર હાથવાળો થશે તો લોકો માનશે, આ યશોદાનો છોકરો
નથી.
યશોદા:-ના, ના, ચાર હાથવાળા નારાયણ કરતાં મારો બે હાથવાળો મુરલીધર અતિ સુંદર છે, અતિ શ્રેષ્ઠ છે. બેટા! તું
બે હાથવાળો જ રહેજે.
યશોદાએ ગર્ગાચાર્યને કહ્યું:-નાદાન છોકરો છે, તેને અક્કલ નથી તમે ફરીથી ખીર બનાવો. ગર્ગાચાર્ય ફરીથી સ્નાન
કરવા ગયા.
યશોદા લાલાને ગોદમાં લઈને બેઠાં, કનૈયો કહે, મા! મને કોયલ જેવું બોલતાં આવડે છે. એમ કહી કનૈયો કુહુ કુહુ કરવા
લાગ્યો, કનૈયો સર્વને આનંદ આપે છે. કનૈયો આંગણામાં આવે એટલે મોર થૈ થૈ નાચે છે. મેઘશ્યામ બાળકૃષ્ણને નિહાળતાં,
મોરને આનંદ થાય છે. કનૈયો માને કહે છે મા! મને પણ મોર જેમ નાચતાં આવડે છે. મા, હું નાચું? કનૈયો છુમ છુમ કરતો નાચે છે.
મા પૂછે છે:- બેટા! તને નાચતાં કોણે શીખવ્યું?
કનૈયો:-મા! હું તારા પેટમાં હતો ત્યારથી શીખીને આવ્યો છું.
કેનૈયો:-મા! પેલા મોરની પાછળ છે તે કોણ છે?
મા:-એને ઢેલ કહેવાય, મા!, ઢેલ એટલે શું? મા સમજાવે છે, એ તો પેલા મોરની વહુ છે.
કનૈયો પૂછે છે :-મા! મારી વહુ કયાં છે?
કનૈયાલાલ અલૌકિક બાળલીલાનો આનંદ આપે છે.
ગર્ગાચાર્યે ફરીથી ખીર બનાવી, ઠંડી પાડી. લાલાએ ગમ્મત કરી. આવીને માની ગોદમાં સૂઇ ગયો. યશોદાજી વિચારે છે,
લાલો સૂઈ ગયો છે. હવે મહારાજ શાંતિથી જમશે.
ગર્ગાચાર્યે ખીરમાં તુલસી પધરાવી ત્વદીયં વસ્તુ ગોવિન્દ બોલવા લાગ્યા. નાથ! હું તમારો સેવક છું.
જલ્દી પધારો. હે નારાયણ! હે લક્ષ્મીપતે! જલ્દી પધારો.
આ સાંભળી કનૈયાને જવા ઉતાવળ થઈ. યોગમાયાને હુકમ કર્યો, માની આંખમાં જા. યશોદાની આંખ મળી ગઈ. કનૈયો
દોડતો દોડતો આવ્યો અને ખીર આરોગવા લાગ્યો. ગર્ગાચાર્યે આ જોયું, અરે, આ વૈશ્યનો છેકરો ફરી આવ્યો.
કનૈયાને થયું, મહારાજને કયાં સુધી ભ્રમમાં રાખું? ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કર્યું. જેનું તમે આરાધન કરો છો તે નારાયણ હું
છું અને ગોકુળમાં કનૈયો થઇને આવ્યો છું. તમારી તપશ્ચર્યાનું ફળ આપવા આવ્યો છું.