Bhagavat: ગોકુળમાં એક પ્રભાવતી નામની ગોપી હતી, તેણે કહ્યું, એમાં શું મોટી વાત છે? હું લાલાને પકડીશ.
પ્રભાવતી ગોપી ( Gopi ) અભિમાની હતી. તેને મનમાં ઠસક હતી. કનૈયાએ મિત્રોને કહ્યું આજે તો પ્રભાવતી ગોપીને ઘરે જવું છે.
પ્રભાવતી ગોપી સંતાઈને બેઠી હતી. બાળકો ધીરે ધીરે ઘરમાં દાખલ થયાં. કફલમ કફલમ બોલે છે. કનૈયાએ માખણ ઉતાર્યું અને
બાળકોને ખવડાવ્યું. તે પછી વાનરોને ખવડાવ્યું.
કરેલા થોડાં ઉપકારને ભગવાન ભૂલતા નથી. રામાવતારમાં આ વાનરોએ મારી ખૂબ સેવા કરી છે. રામાવતારના આ મારા
ભક્તો છે. તેઓએ ઝાડનાં પાન ખાઈને મારી સેવા કરી છે. તે વખતે હું તપસ્વી હતો એટલે તેમને કાંઈ આપી શક્યો ન હતો. આજે
તેઓને ખૂબ માખણ ખવડાવીશ.
વાનર જેટલો સંયમ રાખે છે, તેટલો મનુષ્ય રાખતો નથી. વાનર સીતાફળ અને રામફળ નહિ ખાય. તેઓ સીતારામના ( Sita Ram )
સેવકો છે. વાનર જેટલી મર્યાદાઓ પાળે છે, તેટલી મનુષ્યો ન પાળે તો તે, વાનર કરતાં પણ અધમ છે.
લાલાએ માખણ ખાધું. એનું પેટ ભરાયું. પ્રભાવતી ધીરે ધીરે આવી. મિત્રો કહેવા લાગ્યા કનૈયા, આવી, આવી, ભાગ,
ભાગ. કનૈયો ( Shri Krishna ) કહે, એ શું કરવાની હતી? ભલે આવે. પ્રભાવતીએ કનૈયાનો હાથ પકડયો, કનૈયો ઢોંગ કરે છે. પ્રભાવતીને કહે, મને
છોડી દે, મારી મા મારશે. મને છોડી દે, તારા સસરાના સોગન, તારા પતિના સોગન.
પ્રભાવતી કહે, આજે તું બરાબર હાથમાં આવ્યો છે. હું તને નહીં છોડુ. હું તને યશોદા ( Yashoda ) મા પાસે લઈ જઈશ.
કનૈયો કહે:- છોડી દે, છોડી દે.
પ્રભાવતીનો છોકરો કનૈયાના મંડળનો સભ્ય હતો. તેને થયું, લાલાને યશોદા માં મારશે. તે પ્રભાવતી પાસે આવ્યો. કહે,
મા, લાલાએ ચોરી નથી કરી. મેં આમંત્રણ આપેલું, જે સજા કરવી હોય તો તે મને કર, પણ મા, તું લાલાને છોડી દે. હું હવે ચાર
માસ સુધી માખણ નહિ ખાઉં.
પ્રભાવતીને થયું, લાલાને છોડી દઉં. પણ યશોદાજીને ખાત્રી થતી ન હતી કે લાલો ચોરી કરે છે. આજે યશોદાને ખાત્રી
કરાવવી છે, મા લાલાને ઠપકો આપશે, ત્યાં સુધી સાંભળીશ. પણ લાલાને હું મારવા નહીં દઉં, લાલો મારો પણ છે.
જ્યાં અભિમાન આવે ત્યાં દુર્ગુણ આવે છે. પ્રાભાવતીને હતું કે લાલાને તેણે પકડયો છે. બીજું કોઈ પકડી શકે નહિ, એટલે
તે લાલાને છોડતી નથી. બાળકો રડવા લાગ્યાં, કનૈયો મિત્રોને કહે છે, ગભરાશો નહિ. હું ગમ્મત કરીશ.
પ્રભાવતી માનતી હતી કે આમ તો કનૈયાને કોઇ પકડી શકે નહિ, પણ મેં તેને પકડયો છે.
મનુષ્ય સાધના કરે એટલે ઇશ્વર હાથમાં આવે છે. પછી જો તે સાધનામાં નિષ્ઠા ન રહે તો ઈશ્વર છટકી જાય છે.
પ્રભાવતી લાલાનો હાથ પકડી જતી હતી, તેવામાં સામેથી વૃદ્ધ વ્રજવાસી આવતા પ્રભાવતીએ લાજ કાઢી. કનૈયો
પ્રભાવતીને કહે, મારો હાથ દુ:ખે છે. તું મારો બીજો હાથ પકડ. પ્રભાવતી બીજો હાથ પકડે છે. તે પછી લાલાએ હાથ ઉપર ચૂંટી
ખણી. હાથ બદલાવતાં કનૈયાએ તેના ચેલકાને ઈશારો કર્યોં. આવી જા, આ બાજુ અને ચેલકાને પ્રભાવતીના હાથમાં સોંપી દીધો.
કનૈયો જલદી મા પાસે આવ્યો. માને કહે, મા! એક ગોપી મને મારવા આવવાની છે. મા મેં કાંઇ કર્યું નથી. માએ કહ્યું, તું
અંદરના ઓરડામાં બેસ.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૩
પ્રભાવતી ઉમંગમાં બૂમ પાડતી આવી. કહે, મા, જુઓ, જુઓ, તમારો છોકરો હું પકડી લાવી છું. મેં લાલાને પકડયો છે.
બહાર જુઓ.
યશોદા કહે:-અલી સખી, મારો કનૈયો તો અંદર છે.
અરે ઈશ્વરને અંદર શોધો. જે અંદર છે, તેને બહાર શોધે તે દુઃખી થાય છે. ઇન્દ્રિયરૂપી ગોપી કહે છે, આનંદ બહાર છે.
ત્યારે નિષ્કામ બુદ્ધિ યશોદા કહે છે, આનંદ અંદર છે. નિષ્કામ બુદ્ધિ-યશોદા ઈશ્વરને-આનંદને હ્રદયમાં- ઘરની અંદર નિહાળે
છે, તેથી તેને આનંદ મળે છે. ઇન્દ્રિય આનંદને બહાર શોધે છે, તેથી તેને આનંદ મળતો નથી.
ઈશ્વર એટલે આનંદ, આનંદને બહાર પકડવા જાય, તેને આનંદ મળતો નથી. આનંદ બહાર નથી. તે સ્ત્રીમાં નથી,
પુરુષમાં નથી, કોઈ પદાર્થમાં નથી. આનંદ અંદર છે. આનંદ પરમાત્માનું સ્વરૂપ છે. આનંદ બહારથી આવતો નથી. આનંદ
આત્મામાંથી પ્રગટે છે. જે આનંદને બહાર, સંસારના વિષયોમાં શોધવા જાય છે. તેની પ્રભાવતી ગોપી જેવી ફજેતી થાય છે. જે
ઈશ્વરને બહાર શોધે છે, તેની ફજેતી થાય છે.
સખી, તું જોતો ખરી, કે તું કોને પકડી લાવી છે?
પ્રભાવતી જુએ છે તો પોતાનો ચેલકો.
પ્રભાવતી વિચારમાં પડી ગઈ. મા, રસ્તામાં ગરબડ થઈ હશે. બાકી કનૈયાને જ મેં પકડેલો.
પ્રભાવતી અભિમાની છે. ઘમંડવાળી બુદ્ધિ એ પ્રભાવતી છે. એવી બુદ્ધિ ઈશ્વરને પકડી શકતી નથી. બુદ્ધિ નિષ્કામ બને
તો તે, ઇશ્વરને પકડી શકે છે. સકામ બુદ્ધિ ઈશ્વરને પકડી શકતી નથી. નિષ્કામ બુદ્ધિ ઈશ્વરને પકડી શકે છે.
ઇશ્વર હાથમાં આવ્યા પછી, આભિમાન થાય કે ઇશ્ર્વર મારા હાથમાં છે, તો ઇશ્વર છટકી જશે.