Bhagavat: ઘણાં પૂછે છે, પરમાત્મા સાથે પ્રેમ કેવી રીતે થાય? જરા વિચાર કરો. ઘરના માણસો સુખ આપે છે એટલે આપણે તેમની સાથે પ્રેમ કરીએ છીએ. તે પ્રમાણે એમ માનો કે પરમાત્માની કૃપાથી હું સુખી છું. વારંવાર એનું સ્મરણ કરો, પ્રભુના નામનો જપ કરો, તો પરમાત્મા સાથે પ્રેમ થશે. ભગવત ઈચ્છાથી તમારી ઈચ્છા જુદી હશે તો પરમાત્મામાં પ્રેમ થશે નહિ, પોતાની ઈચ્છા છોડી, પરમાત્મામાં પોતાનો પ્રેમ જોડી, વૈષ્ણવો ( Vaishnavas) પરમાત્મા સાથે તન્મય થાય છે. જ્ઞાની મહાત્માઓ પ્રેમથી પરમાત્માને વશ કરે છે. જીવ પૂર્ણપણે ભગવાન ઉપર પ્રેમ કરે તો ભગવાન દુર્બળ બને છે, અને તેને વશ થાય છે. એવા પરમપ્રેમની કથાનું દામોદર લીલામાં વર્ણન કરવામાં આવ્યું છે.
એકદા શબ્દ ભાગવતમાં ( Bhagwad gita ) જ્યાં જયાં વાપર્યો છે ત્યાં ત્યાં કોઈ વિશિષ્ટ પ્રસંગ છે. નવમા અધ્યાયની શરૂઆત એકદા શબ્દથી કરી છે. પરીક્ષિત કહે છે, આ કૃષ્ણકથા ( Krishna Katha ) સાંભળવાથી તૃપ્તિ થતી નથી. કૃષ્ણકથા વિસ્તારપૂર્વક સંભળાવો.
શુકદેવજી ( Shukdevji ) વર્ણન કરે છે, રાજન! શ્રવણ કરો.
ગોપીઓએ કનૈયાનું નામ રાખ્યું છે માખણચોર. યશોદાને ( Yashoda ) આ ગમે નહિ. મારા લાલાનું માખણચોર નામ રાખ્યું છે,
યશોદા લાલાને સમજાવે, તું ઘરનું કેમ ખાતો નથી? કનૈયો જવાબ આપે છે. હું ઘરનું ખાઉં તો ઘરનું ખૂટી જાય. હું તો બહાર
કમાઈને ખાઈશ. વિચાર કરો, સ્વાદ, ગોપીના માખણમાં હતો કે ગોપીના પ્રેમમાં? પ્રેમમાં મીઠાશ છે. કોઈ વસ્તુમાં મીઠાશ નથી.
વેરી પેંડો આપશે તો તે ભાવશે નહિ. બૈરી પેંડો આપશે તો ભાવશે.
યશોદાજી વિચાર કરે છે કે ઘરનું કામકાજ નોકરો કરે છે એટલે લાલાને ઘરનું માખણ ભાવતું નથી. તેથી લાલો બીજાના
ઘરનું માખણ ચોરી કરીને ખાય છે. આજે મારે હાથે દધિમંથન કરી, માખણ તૈયાર કરી લાલાને ખવડાવીશ. હું જાતે માખણ તૈયાર
કરી કનૈયાને ખવડાવીશ એટલે તેને તૃપ્તિ થશે.
રામાયણમાં ( Ramayana ) લખ્યું છે. દશરથ રાજા ચક્રવર્તિ રાજા હતા. નોકરોની કાંઈ ખોટ ન હતી. તેમ છતાં કૌશલ્યા જાતે રસોઈ
કરતાં, રસોઈ ઠાકોરજી માટે છે. પાણી બગડે તો વાણી બગડે છે. વાણી બગડે એટલે વીર્ય બગડે છે. વીર્ય બગડે એટલે જીવન
બગડે છે. અન્નમાંથી મન બને છે. જેના ચારિત્ર્યમાં તમને પૂર્ણ વિશ્વાસ નથી તેને તમારા રસોડામાં આવવા દેશો નહિ. કદાચ
રસોડામાં આવે તો, તેને અન્નજળને અડકવા દેશો નહિ.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૩૦
માખણ તૈયાર કરી, લાલાને ખવડાવીશ. તે પછી લાલો બીજાના ઘરનું ખાશે નહિ. મીઠાશ એ કોઈ વસ્તુમાં નથી. મીઠાશ પ્રેમમાં
છે.
યશોદાજી આજે પ્રાતઃકાલે ઉઠ્યાં છે. સ્નાન કર્યું છે, પીળુ વસ્ત્ર પહેર્યું છે. એક મોટી ગોળીમાં દહીં રાખ્યું છે. માતાજી
જાતે દહીં વલોવી, શ્રી કૃષ્ણને માટે માખણ તૈયાર કરે છે. યશોદાજી દધિમંથન કરે છે, કનૈયા માટે તેથી દધિમંથન એ પણ ભક્તિ
છે. તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવો. ઘરમાં વાસીંદુ વાળવું એ પણ ભક્તિ છે. માનો કે આ ઘર ઠાકોરજીનું છે અને ઘરમાં
કચરો હશે તો ઠાકોરજી નારાજ થશે. રસોઇ કરવી એ પણ એક ભક્તિ છે. રસોઈ કરો ત્યારે, ભાવના રાખો કે મારા ઠાકોરજી
આરોગવાના છે. ઘણી બહેનો પૂછે છે, મહારાજ! અમારું કુટુંબ મોટું છે તેથી આખો દિવસ રસોડામાં જ જાય છે, અમે સેવા-કીર્તન
કરી શક્તા નથી. હું કહું છું મોટું કુટુંબ ભાગ્યશાળીને મળે છે. ઘરના સર્વને ભગવતરુપ માની તેની સેવા કરો.
સંસાર એ ગોળી છે. સંસારના વિષયો દહીં જેવા છે. વિષયો આરંભમાં મધુર લાગે છે પણ અંતે તેમાં ખટાશ છે. સંસારના
વિષયોનું વિવેકથી મંથન કરે એને ભક્તિરૂપી માખણ મળે છે. સંસારના વિષયોરૂપી દહીંનું મંથન કરી તેમાંથી પ્રેમરૂપી જે માખણ
મળે છે તે પરમાત્માને અર્પણ કરવાનું. પરમાત્મા પ્રેમ માગે છે બીજુ કાંઇ નહિ.
યશોદામા એ પુષ્ટિભક્તિનું સ્વરૂપ છે. યશોદામાનાં દર્શન કરો તે પછી શ્રીકૃષ્ણના ( Shri Krishna ) દર્શન થશે. યશોદાનાં દર્શન કરવાના એટલે યશોદા જેવી ભક્તિ કરો, યશોદા એ શુદ્ધ ભક્તિનું સ્વરૂપ છે અને એવી ભક્તિ ભગવાનને બાંધી શકે છે. તે વખતે માતાજી કેવા શોભતા હતા? શુકદેવજી વર્ણન કરતા નથી, પણ માતાજીના દર્શન કરી રહ્યા છે.
ક્ષૌમં વાસ: પૃથુકટિતટે બિભ્રતી સૂત્રનદ્ધં । પુત્રસ્નેહસ્નુતકુચયુગં જાતકમ્પં ચ સુભ્રૂ: ।
રજ્જવાકર્ષશ્રમભુજચલત્કઙ્કણૌ કુણ્ડલે ચ । સ્વિન્નં વકત્રં કબરવિગલન્માલતી નિર્મમન્થ ।।