
Bhagavat: સંસારના વિષયો પ્રત્યે અરુચિ આવે તો ઈશ્વર પ્રત્યે રુચિ થશે.
સંસારના વિષયભોગોથી કોઈ પણ દિવસ તૃપ્તિ મળવાની જ નથી, લોકોને અથાણામાં અને શાકમાં તેલનો રેલો જોઇએ.
શાકમાં તેલનો રેલો ચાલે તો જ શાક ભાવે. વિચાર કરો કે આજ સુધીમાં સેંકડો તેલના ડબ્બાઓ પેટમાં ગયા છે, છતાં તૃપ્તિ થઈ
છે? સેંકડો નહિ પણ હજારો મણ અનાજ પેટમાં ગયું છતાં તૃપ્તિ થઈ છે? માટે ઇશ્વરને છોડી તમે લૌકિક કાર્યને મહત્ત્વ આપશો
નહીં, જો તમે એવા કાર્યને મહત્ત્વ આપશો, તો ભક્તિ પણ નહિ થાય અને તમારું લૌકિક કાર્ય પછી વધારે બગડશે.
તે વખતે બાળમિત્રો આવ્યા છે, મિત્રો પૂછે છે. લાલા આજે કોને ઘેર જઈશું ? કનૈયો કહે છે, આજે મારા જ ઘરનું માખણ
ખાઈશું. આજે ભગવાન બધાંને પોતાના ઘરનું માખણ આપે છે. અને ખવડાવે છે.
પરમાત્મા કરેલા ઉપકારને ભૂલતા નથી. રામાવતારમાં વાનરોએ કરેલા ઉપકારો યાદ કરી શ્રીકૃષ્ણ ( Shri Krishna ) વાનરોને પણ માખણ
ખવડાવે છે.
યશોદા ( Yashoda ) માતા પાછાં આવી જુએ છે તો દહીંની ગોળી ફુટેલી પડી છે અને દહીં ઢોળાયેલું છે. આ લાલાનું કામ છે. લાલાએ
રીસમાં ગોળી ફોડી છે. પણ લાલો છે કયાં? જુએ છે તો કનૈયો શીકા ઉપરથી માખણ લઈ બધાંને માખણ ખવડાવે છે. વાનરોને
માખણ ખવડાવે છે.
વાનર એટલે મન. મન વાનર જેવું ચંચળ છે પણ શ્રીરામ ( Shree Ram ) અને શ્રીકૃષ્ણ આગળ તો તે હાથ જોડીને ઉભું રહે છે. રામ અને
શ્રીકૃષ્ણ વગર વાનર મન કોઈ જગ્યાએ સ્થિર થતું નથી. વાનર ફળ ખાય છે, વસ્ત્રો પહેરતા નથી. વાનર સાધુ જેવા છે. કનૈયો
વાનરોને માખણ ખવડાવે છે.
માતાજી લાલાને માખણની ચોરી કરતાં જુએ છે. યશોદાને આશ્ર્ચર્ય થયું લાલાને ચોરી કરવાની આદત પડી છે.
ગોપીઓ કહેતી હતી તે વાત સાચી છે. લાલાને આજે પકડીશ. જે ખાડણીયા ઉપર ઉભો રહીને, લાલો ચોરી કરે છે, તેની સાથે હું
તેને બાંધીશ. યશોદાજીએ હાથમાં લાકડી લીધી. માતા યશોદા હાથમાં લાકડી લઈને કૃષ્ણને પકડવા દોડયાં.
મિત્રો કહે છે, લાલા! મા આવી, મા આવી, કનૈયો દોડે છે. આગળ કૃષ્ણ અને પાછળ માતા યશોદા છે, જે ઇશ્વરને
યોગીઓ પકડી શકતા નથી તે કનૈયાને પકડવા યશોદાજી દોડે છે. શ્રીકૃષ્ણ હાથમાં આવતાં નથી, માતાજી દોડતાં થાકી ગયાં છે.
શ્રીકૃષ્ણ હાથમાં કેમ આવતાં નથી? શ્રીધરસ્વામી કહે:-યશોદાજીની ભૂલ છે. દોડતી વખતે શ્રીકૃષ્ણના ચરણમાં,
મુખારવિંદમાં યશોદા નજર રાખતાં નથી. યશોદા પાછળથી આવે છે. કનૈયાની પાછળ દોડે છે. શ્રીકૃષ્ણની પીઠ ઉપર નજર રાખે
છે. લાલાની પીઠ જોઈને દોડે, તેના હાથમાં લાલો આવતો નથી. કારણ લાલાની પીઠમાં અધર્મ છે. તૃતીય સ્કંધમાં કહ્યું છે અધર્મ
શ્રીકૃષ્ણની પીઠમાંથી ઉત્પન્ન થયો છે. અર્ધમની સન્મુખ દોડે તો, ભગવાન હાથમાં આવે નહીં.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૩૬
ભક્તિ પણ ધર્મની મર્યાદામાં રહીને કરો. ભક્તિ ધર્માનુકૂળ હોવી જોઇએ. ભક્તિમાં અધર્મ આવે તો ભક્તિ બગડે. જેની
જે ફરજ પરમાત્માએ નક્કી કરી છે તે બરાબર બજાવો, જે પોતાનો ધર્મ છોડે છે, તેની ભક્તિ સફળ થતી નથી. તમારો ધર્મ પાળ્યા
વગર તમે ભક્તિ કરો તો તે સફળ થશે નહિ. બ્રાહ્મણ ( Brahmin ) સંધ્યા કર્યા વગર સેવા કરવા જાય, તો ભગવાન તેની સેવા સ્વીકારશે?
બ્રાહ્મણ સંધ્યા છોડે અને શ્રીકૃષ્ણની સેવા કરવા જાય, તો ભગવાન તેની સેવા ગ્રહણ કરતા નથી. ઘરમાં પતિદેવ માંદા છે.
પતિએ કહ્યું, આજે મારી તબીયત સારી નથી. માટે મંદિરમાં જશો નહિ. પત્ની દુરાગ્રહી હતી, એટલે પતિની આજ્ઞા વગર મંદિરમાં
દર્શન કરવા ગઇ. આવી ભક્તિ ફળશે? કદી નહીં.
પ્રભુ કહે છે, મને ધર્મ બહુ પ્રિય છે. ભગવાનની ભક્તિ પણ ધર્મની એક એક મર્યાદા પાળીને કરવી જોઇએ.
યશોદા લાલાને પકડી શકતાં નથી. કારણ, ભક્તિ (યશોદા) અધર્મ તરફ દોડે છે.
એક મહાત્મા કહે છે, મને કારણ જુદું લાગે છે. યશોદાના હાથમાં લાકડી હતી. લાલો કહે છે, લાકડી લઈ કોઈ મને
પકડવા આવે તે મને ગમતું નથી. લાકડી લઈ કોઈ લાલાને પક્ડવા આવે, તો લાલાને બીક લાગે છે. લાકડી એ અભિમાન છે.
પુષ્ટિ સંપ્રદાયમાં, બાલકૃષ્ણની ( Bal krishna ) સેવા કરવાની છે. લાકડી લઈને કોઈ લાલા પાસે જાય તો લાલાને બીક લાગે. આ મને મારવા તો આવ્યો નથી? કનૈયો કહે છે, જયારે મારાં દર્શન કરવા આવો ત્યારે ‘હું’ પણું (અભિમાન) છોડીને આવો.
શ્રી વલ્લભાચાર્યજીએ કહ્યું છે કે ભક્તિ, અભિમાનથી ભગવાનને પકડવા જાય તો ભગવાન પકડાતા નથી. બુદ્ધિ-
ભક્તિ-યશોદાજી લાકડી લઈને એટલે કે અભિમાનથી કનૈયાને પકડવા જાય છે, એટલે શ્રીકૃષ્ણ પકડાતા નથી. સત્કર્મ કર્યા પછી
અંદરનું અભિમાન વધતું હોય, તો એ સત્કર્મ શા કામનું? ભગવાન સર્વ દોષની-અપરાધની ક્ષમા કરે છે, પણ અભિમાનની ક્ષમા
કરતા નથી. અભિમાન થાય તો ભગવાનની ઉપેક્ષા કરે છે. અભિમાન કરવા જેવું, આપણી પાસે કશું નથી. તું શાનો અભિમાન કરે
છે? રાય રંક બને છે અને રંક રાય બને છે. લાખની રાખ થતાં વાર લાગતી નથી. બધો વૈભવ છે, પણ અચ્યુતમ્ કેશવમ થતાં વાર
લાગતી નથી. આમાં તું શાનું અભિમાન કરે છે?