
પરમાત્માના ચરણનો સ્પર્શ થાય છે, તેથી ગિરિરાજને રોમાંચ થાય છે. મા, ગિરિરાજ ઉપર ખાડા થાય છે તે ખાડા પૂરવાની દવા પણ કનૈયા પાસે છે. ગીરીરાજને રાજી કરવા કનૈયો એવી વાંસળી વગાડે છે કે ગીરીરાજને અતિ આનંદ થાય છે. અતિ આનંદમાં તે એવા ફૂલી જાય છે કે બધા ખાડા પૂરાઈ જાય છે. એક સખી બોલી:-અલી સખી. તું જો તો ખરી, આ કનૈયો હવે કદમ ઉપર ચઢયો છે. કનૈયો કદમના ઝાડ ઉપર ચઢીને ગાયોને બોલાવે છે. વાંસળીમાંથી એક એક ગાયનું નામ લે છે, હે ગંગે, હે ગોદાવરી, હે યમુને. મા, તને શું કહીએ, ગાયોને આનંદ થાય છે. જે ગાયનું નામ લે તે ગાય દોડતી જાય છે. અરે સખી, તું જો તો ખરી, આ ગાયો લાલાને મળવા હંભા હંભા કરતી જાય છે. ગાયો કદમનાં ઝાડનેં ઘેરીને ઉભી છે અને મારા લાલાની સુંદર ઝાંખી કરે છે. કેવું મનોહર દ્દશ્ય છે? અરે સખી, મારી એક ખાનગી વાત તને કહું તે સાંભળ, લાલાની આ પ્રમાણે હું ઝાંખી કરું છું ત્યારે હું પણ બાવરી બની, લાલાને મળવા દોડતી દોડતી જાઉં છું. જયારે લોક લજ્જાનું મને ભાન થાય છે, હું સ્ત્રી છું તેનું મને ભાન થાય છે ત્યારે હું રસ્તામાં બેસી જાઉં છું. હાય, હું કયાં દોડી આવી? આ જ ગોપી રાસલીલામાં સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન ભૂલી જશે, ત્યારે તેને રાસલીલામાં પ્રવેશ મળશે, હજુ લોકલજજાનું-દેહાધ્યાસનું તેને સૂક્ષ્મ ભાન છે. દેહાધ્યાસ જશે ત્યારે રાસલીલામાં પ્રવેશ મળશે. દેહાધ્યાસ જાય ત્યારે ગોપીભાવ પ્રાપ્ત થાય છે. શ્રીકૃષ્ણ જયારે વાંસળી વગાડે છે ત્યારે નદીઓને પણ ભ્રાંતિ થાય છે. મારા શ્રીકૃષ્ણ મને બોલાવે છે. પણ બિચારી જઈ શકતી નથી. પોતાના તરંગરૂપી હાથમાં કમળ પુષ્પો લઈ જે દિશામાંથી વેણુનાદ આવે છે, તે દિશામાં કમળ ફેંકે છે અને ભગવાનનું સ્વાગત કરે છે. જડ અને ચેતન સર્વ બંસીનાદથી મોહિત થાય છે. મુરલીના મધુર ધ્વનિથી સમસ્ત સૃષ્ટિ આજે આનંદમાં મગ્ન બની છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૬૨
શ્યામની એ મધુરી બંસીના સીતમની શું વાત કહેવી ? બ્રહ્માનંદ કહે છે :- અયે શ્યામ તેરી બંસરીએ, કયા સીતમ કિયા? તનકી રહી ન હોશ, મેરે મનકો હર લિયા……અય શ્યામ. બંસરીકી મધુર ટેર સુની, પ્રેમરસ ભરી, વ્રજનારી લોક લાજ, કામ કાજ તજ દિયા……અય શ્યામ. નભમેં ચડે વિમાન ખડે, દેવ ગણ સુને, મુનિયોંકા છૂટા ધ્યાન, પ્રેમ ભક્તિરસ પિયા..અય શ્યામ. પશુઓંને તજા ઘાસ, પક્ષી મૌન હો રહે, યમુનાકા રુકા નીર. પવન ધીર હો ગયા…… ..અય શ્યામ. એસી બજાઈ બંસરી સબ લોગકો વશ કિયા, બ્રહ્માનંદ દરસ દીજીએ, અબ દેર કયોં, કિયા…અય શ્યામ. નાદબ્રહ્મની અને નામબ્રહ્મની એકતા થાય ત્યારે રાસલીલા થાય. વેણુગીત એ નાદબ્રહ્મની ઉપાસના છે. નામમાં મનનો લય ન થાય ત્યાં સુધી નાદબ્રહ્મ થતો નથી. ગોપીઓ કેટલી તન્મય થઇ હશે ! વનમાંનો વેણુનાદ તેઓ પોતાના ઘરમાં પણ સાંભળે છે. દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એક થાય ત્યારે દર્શનમાં એકાગ્રતા થાય છે. તન્મયતા આવે છે. ઈશ્વર તો રોજ વાંસળી વગાડી, જીવને પોતાની તરફ બોલાવે છે. પણ આ જીવ તે વાંસળીનો નાદ સાંભળતો નથી. વૃંદાવનની વાતો કરતાં કરતાં, ભગવાન શ્રીકૃષ્ણની કથા કરતાં ગોપીઓને અનાયાસે સમાધિ લાગી ગઈ છે. વર્ણયન્ત્યો મિથો ગોપ્ય: ક્રીડાસ્તન્મયતાં યયુ: ।। ભા.સ્કં.૧0.અ.૨૧.શ્ર્લો.૨૦. કૃષ્ણની આ ક્રીડાઓનું વર્ણન કરતી ગોપીઓ શ્રીકૃષ્ણમય થતી હતી. ગોપીઓ પ્રતિદિન અંદરો અંદર ભગવાનની લીલાઓનું વર્ણન કરતી અને તેમાં તન્મય થઈ જતી, ભગવાનની લીલા ગોપીઓનાં હ્રદયમાં સ્ફૂરવા લાગતી, ધ્યાન, ધારણા વગેરેની કાંઇ જરૂર પડતી નથી. યોગીઓ નાક પકડીને પ્રાણાયામ કરી બ્રહ્મનાં દર્શન કરવા મથે છે. તેમ છતાં તેઓને બ્રહ્મનાં દર્શન થતાં નથી. જયારે બ્રહ્મનાં દર્શન ગોપીઓ વિના પ્રયાસે કરે છે. યોગીઓને પ્રાણાયામ, પ્રત્યાહાર કરતાં જે આનંદ મળે છે તે ગોપીઓને વિના પ્રયાસે મળે છે. પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણામાં યોગીઓને ઘણું કષ્ટ પડે છે. પરંતુ ગોપીઓને તેવું કષ્ટ પડતું નથી. એક એક ઇન્દ્રિયને ભક્તિરસનું દાન કરતી ગોપીઓ શ્રીકૃષ્ણમાં તન્મય બની છે. અનાયાસે આ લીલામાં ગોપીઓને નિરોધ થાય છે. જે આનંદ યોગીઓને બ્રહ્માનંદમાં મળે છે, તે આનંદ ગોપીઓને અનાયાસે મળે છે. ગોપીઓની સમાધિ દિવ્ય છે. ગોપીઓ પ્રેમસન્યાસીઓ છે. ગોપીઓએ શ્રીકૃષ્ણ માટે સંસારના સુખોનો ત્યાગ કર્યો છે. શુકદેવજી જેવા પણ આ ગોપીઓની કથા કરે છે. શુકદેવજીને લાગે છે, હું વસ્ત્ર ત્યાગીને, સંસાર છોડીને સંન્યાસી બન્યો છું. અને આ ગોપીઓ સાડીઓ પહેરી સંન્યાસીની બની છે. શુકદેવજી આ ગોપીઓની લીલાનું વર્ણન કરતાં પાગલ બન્યા છે. આ ગોપીઓની કથા નથી, જ્ઞાનીઓની કથા છે, યોગીઓની કથા છે.