
ગોવર્ધનલીલામાં શ્રીકૃષ્ણના દર્શન થયાં ત્યારથી ગોપીઓમાં પ્રેમનું બીજારોપણ થયું હતું. તે પછી કનૈયાની વાંસળી સાંભળે છે. પ્રેમનો આરંભ દ્વેતથી થાય છે, પ્રેયસી અને પ્રિયતમ જુદા હોય છે. પણ અદ્વૈત આવે છે. પ્રેમ દહાડે દહાડે વધે છે. ત્યારે પ્રિયતમ સાથે એક થવાની ઇચ્છા થાય છે. અદ્વૈતની ઈચ્છા થાય છે. હું મટીને તું થવું, એ પ્રેમ. અનેક વાર સાસુ ગોપીને જવા દેતી નથી. ગોપી વ્યાકુળ થાય એટલે કનૈયો ત્યાં રસોડામાં પ્રગટ થાય છે. જીવ અતિ આતુર થાય, ત્યારે ઇશ્વર મળે છે. ગોપીઓનો પ્રેમ ધીરે ધીરે વધે છે. મારે શ્રીકૃષ્ણને મળવું છે, મારે શ્રીકૃષ્ણ સાથે એક થવું છે. હવે એક ક્ષણ વિરહ ન થાય. ગોપીઓનો પ્રેમ ધીરે ધીરે વધતો હતો. કૃષ્ણવિરહમાં, ગોપીઓને હવે મૂર્છા આવે છે. હવે કોઈ વાસના રહી નથી. જીવ અતિશય શુદ્ધ થયો છે. શુદ્ધ થયેલો જીવ ઇશ્ર્વરને મળવા આતુર થયો, ત્યાર પછી રાસલીલા થાય છે. પોતાના બાલમિત્રોને શ્રીકૃષ્ણે કહી રાખ્યું હતું, કે કોઇને મૂર્છા આવે તો મને બોલાવજો. મને મૂર્છા ઉતારવાનો મંત્ર આવડે છે. એના પ્રાણ અને મન મારામાં છે. આથી કોઈ ગોપીને મૂર્છા આવે, તો કનૈયાને બોલાવવામાં આવતો. શ્રીકૃષ્ણ સમજી ગયા કે આ ગોપીઓનો પ્રેમ ધીરે ધીરે વધે છે. કનૈયો ગોપીના માથે હાથ ફેરવે અને કાનમાં કહે, શરદપૂર્ણિમાની રાત્રે તને મળીશ. ધીરજ રાખ અને સતત મારું ધ્યાન કર. વૈષ્ણવ, તો પ્રેમીને મળવાની આશામાં જ જીવે છે. કનૈયો જરૂર મળશે. ગોકુળની બધી ગોપીઓ રાસમાં રમી શકી ન હતી. જેનો અધિકાર સિદ્ધ થયો હતો, જેનો છેલ્લો જન્મ હતો, તે ગોપીઓ રાસ લીલામાં ગઈ. યુવાનીમાં ભક્તિનો રંગ લાગવો જોઈએ . વૃદ્ધાવસ્થામાં ભક્તિનો રંગ લાગે એ ઠીક છે, ઉત્તમ નથી. વૃદ્ધાવસ્થામાં જેને ભક્તિનો રંગ લાગે, તેને યુવાવસ્થામાં ભોગવેલા કામસુખોનું તેને સ્મરણ થાય છે. વૃદ્ધાવસ્થામાં અંદરથી ભક્તિનો રંગ ન લાગે તો પારકી પંચાત કરવાની ઇચ્છા થાય છે. પારકી પંચાત જેવું પાપ નથી. બે ડોસીઓ ભેગી થાય ત્યારે વાતો કરે છે, તારા ઘરે આજે શું બનાવેલું? મારા ઘરે આ બનાવેલું. તારી વહુ કેવી? મારી વહુ તો આવી છે. પેલીને પરણે પાંચ વરસ થઈ ગયાં. હજુ પારણું બંધાયું નથી. ભક્તિનો રંગ ન લાગે, તેની આવી દશા થાય છે. વાળ ધોળા થયા પછી, ખૂબ માળા ન કરે તેનું કાળજું વધારે કાળું થાય છે, વાળ ધોળા થાય ત્યારે પણ જો કાળજું ધોળું ન થાય તો એ દુ:ખદ છે. ગોકુળમાં એક વૃદ્ધ ગોપી હતી. તે બેઠી વિચાર કરે છે, કાંઈક ગરબડ જેવું લાગે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૭૧
આ છોકરીઓને મૂર્છા આવે છે, અને કનૈયો કાનમાં કાંઇક મંત્ર આપે છે. મારે આ મંત્ર જાણવો છે. હું કપટ કરી આ મંત્ર જાણી લઈશ. ઘરના માણસોને કહી રાખ્યું કે મને મૂર્છા આવે ત્યારે કનૈયાને બોલાવજો. ડોસીએ ઢોંગ કર્યો. ઘરનું કામ કરતાં એકદમ પડી ગઈ. વહુને દુ:ખ થયું. તે શ્રીકૃષ્ણ પાસે ગઈ. નાથ! પધારો, મારી સાસુજીને મૂર્છા આવી છે. ગોપી ભોળી હતી. તે ડોસીનું કપટ જાણતી ન હતી. કનૈયો તેને કહે છે, જેના વાળ ધોળા થયા હોય તેના ઉપર મારો મંત્ર કામ કરતો નથી. ડોસીના વાળ ધોળા છે કે કાળા છે? ગોપી જવાબ આપે છે. વાળ ધોળા છે. કનૈયો કહે છે. તો બીજાને બોલાવો, હું નહિ આવું. ગોપી કહે કનૈયા તારે આવવું જ પડશે, પ્રેમ હતો એટલે કનૈયો કેમ ના પાડી શકે? કનૈયો આવ્યો ડોસીને જોઈને કહ્યું આ ડોસીને મૂર્છા આવી નથી, પણ ભૂત વળગ્યું છે. પણ તમે ફિકર કરો નહિ. મને ભૂત ઉતારતાં પણ આવડે છે. લાકડી લઈ આવો. ડોસી વિચારે છે, આ ઢોંગ ભારે પડશે. હવે માર પડશે. આ કનૈયો મારશે. કનૈયાએ લાકડીથી એક બે ફટકા જોરથી માર્યા. ડોસીથી સહન ન થયું. બોલવા લાગી, મને મારો નહિ મને મૂર્છા આવી નથી. મેં ઢોંગ કરેલો. કનૈયો કહે, ભૂત એમ જ બોલે. તમે ગભરાવ નહીં. ડોસીને માર પડયો, ડોસી બોલે છે, મેં ઢોંગ કર્યોં છે, મને વધારે મારશો નહી, પણ કોણ સાંભળે? થોડો વિચાર કરો. મનુષ્યનો વેષ વૈષ્ણવનો છે. અને અંદરથી મનમાં કામ, ક્રોધ ભર્યા છે. મનુષ્ય અંદરથી કંચન અને કામીનીમાં ફસાયેલો રહે છે અને બહારથી ભક્ત હોવાનો ડોળ કરે છે, ઢોંગ, એ ભૂત છે. અભિમાન, એ ભૂત છે. મનુષ્યની આકૃતિ સારી લાગે છે. પણ તેની કૃતિ જોતાં ઘૃણા થાય છે. આ ડોસીની જેમ દંભ ન કરો. દંભ એ જ ભૂત છે, ભક્તિ બીજાને બતાવવા માટે નથી. ભક્તિ તો પરમેશ્વરને રાજી કરવા માટે છે. કેટલાક ભક્તિ અને જ્ઞાનનો ડોળ કરે છે. તેટલા એ અંદરથી રંગાયેલા હોતા નથી. ઘણા બહારથી દેખાવ કરે છે કે હું મોટો ભકત છું. પણ અંદરથી કેટલું પ્રભુનું અનુસંધાન છે, તે તો તે જ જાણે. પણ શ્રીકૃષ્ણ અંતર્યામી છે. અંતર્યામીને કોઇ છેતરી શકે નહીં.