
વેણુગીતની વાંસળી સર્વને પશુ, પક્ષી, નદી વગેરેને સંભળાય. પરંતુ રાસ લીલાની વાંસળી, જે જીવ ઇશ્વરમિલન માટે આતુર છે, તેવી ગોપીઓને જ સંભળાય. રાસલીલાની વાંસળી જુદી છે. તે અધિકારી ગોપી-અધિકારી જીવ જ સાંભળી શકે. નિશમ્ય ગીતં તદનઙ્ ગવર્ધનં વ્રજસ્ત્રીય: કૃષ્ણગૃહીતમાનસા: । ભા.સ્કં.૧0.અ.૨૯.શ્ર્લો.૪. શ્રીકૃષ્ણ વડે જેઓનું ચિત્ત હરાયેલું હતું, તેવી વ્રજની સ્ત્રીઓ આ વાંસળી સાંભળીને આતુરતાપૂર્વક શ્રીકૃષ્ણને મળવા માટે દોડવા લાગી. ગોપીઓ પોતાના સંસારિક કામોને પડતાં મૂકીને મળવા માટે દોડે છે. આજે પ્રભુમિલનની એમને એટલી આતુરતા હતી કે તેમને પોતાના દેહનું ભાન ન હતું. બીજી ગોપીને પણ બોલાવવા થોભી નહીં. જે જે ગોપીનું નામ દઇ વાંસળીમાં બોલાવે તે તે ગોપી આ વાંસળી સાંભળે છે. ગોપીઓની આતુરતા કેવી છે, તે જોઈએ. દુહન્ત્યોડભિયયુ: કાશ્ર્ચિદ્ દોહં હિત્વા સમુત્સુકા: ।ભા.સ્કં.૧0.અ.૨૯.શ્ર્લો.પ. વાંસળીનો આવાજ સાંભળીને જે ગોપીઓ, ગાયો દોહતી હતી તે અત્યન્ત ઉત્સુકતાવશ ગાયો દોહવાનું છોડીને દોડવા લાગી. તેઓની તન્મયતા કેવી હતી? વ્યત્યસ્તવસ્ત્રાભરણા: કાશ્ર્ચિત્ કૃષ્ણાન્તિકં યયુ: । ભા.સ્કં.૧0.અ.૨૯.શ્ર્લો.૭. કેટલીક વસ્ત્રો તથા અલંકારો આડા અવળા પહેરી કૃષ્ણની પાસે પહોંચવા માટે જવા લાગી. દેહાઘ્યાસ જાય ત્યારે આવી સ્થિતિ થાય છે. એક ગોપી શ્રૃંગાર કરતી હતી, ત્યાં કનૈયાની વાંસળીનો અવાજ તેણે સાંભળ્યો. તે સૂધબૂધ ભૂલી, ચંદ્રહાર ગળામાં પહેરવાને બદલે હાથમાં પહેરી લીધો. એક તો ઘરમાં લીંપવાનું કામ કરતી હતી અને તેના હાથ છાણથી ખરડાયેલા હતા. તે હાથ ધોયા વગર કૃષ્ણને મળવા દોડવા લાગી. રાસલીલામાં જો લૌકિક કામની વાત હોય તો, ગોપી શ્રૃંગાર કરી, દર્પણમાં જોઇ હવે હું સુંદર લાગુ છું તેની ખાત્રી કરી, શ્રીકૃષ્ણ પાસે જાત. પરંતુ શુકદેવજીએ વર્ણન કર્યું છે. લિમ્પન્ત્ય: પ્રમૃજન્ત્યોડન્યા: । કેટલીક લીંપતી હતી તે લીંપવાનું કામ પડતું મૂકીને દોડી.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૭૩
હાથો છાણથી ખરડાયેલા હતા. તો પણ હાથ ધોયા વગર તેવી ને તેવી જ સ્થિતિમાં શ્રીકૃષ્ણને મળવા દોડી. ગોપીઓ છાણ વડે ખરડાયેલા હાથ ધોયા વગર શ્રીકૃષ્ણ પાસે જાય છે. આ બતાવે છે કે આ લૌકિક કામની વાત નથી. ઇશ્વરને મળવા માટે આવી આતુરતા જોઇએ. કેવી આતુરતા તે ઉપર દ્દષ્ટાંત જોઈએ. રામકૃષ્ણ પરમહંસ આ દ્દષ્ટાંત હંમેશાં આપતા. એક શિષ્યે પોતાના ગુરુને પૂછ્યું-ઈશ્વરને માટે કેવી જિજ્ઞાસા જોઇએ? ઇશ્વરને પ્રાપ્ત કરવા કેવી વ્યાકુળતા જોઈએ? ગુરુએ કહ્યું, એ શબ્દનો વિષય નથી. તેનું વર્ણન થઈ શકે નહિ એ અનુભવનો વિષય છે. અનુભવથી એ સમજાય. રામબાણ વાગ્યાં હોય તે જાણે. હું કોઈ પ્રસંગ મળશે, ત્યારે તને આ વાત સમજાવીશ. એક દિવસ ગુરુ શિષ્ય નદીએ સ્નાન કરવા ગયા. શિષ્યે જેવી જળમાં ડૂબકી મારી કે ગુરુએ તેનું મસ્તક જળમાં પકડીને અંદર દબાવી દીધું. શ્ર્વાસ વગર શિષ્યનો જીવ મૂંઝાવા લાગ્યો. તે તરફડિયાં મારવા લાગ્યો. એકદમ વ્યાકુળ થઇ તે ખૂબ તરફડિયાં મારવા લાગ્યો. એટલે ગુરુએ તેને છોડયો. શિષ્ય બહાર નીકળ્યો એટલે ગુરુએ પૂછ્યું. કેમ પ્રાણવાયુ વગર તારા પ્રાણ કેવા અકળાતા હતા? શિષ્ય કહે:-પ્રાણ અકળાવાની વાત જવા દો મને લાગ્યું, કે હમણાં જ મારા પ્રાણ છૂટી જશે. ગુરુએ કહ્યું. કે, હવે તને સમજાયુંને? ઇશ્વરને માટે પણ આવો જ તરફડાટ, આવી જ વ્યાકુળતા, આવો જ તલસાટ થવો જોઇએ. તો તે મળે. અને દર્શન આપે. આતુરતા વગર ઈશ્ર્વર મળતા નથી. મીરાંબાઈએ કહ્યું:- તુમ દેખ્યા બીન કલ ન પડત હૈ. તડપ તડપ જીવ જાસી. આ સાધારણ સ્ત્રીની કથા નથી. આ દેહભાન ભૂલેલી સ્ત્રીની કથા છે. દેહાધ્યાસ નષ્ટ થયા પછી પ્રભુ ચિન્મયી લીલામાં પ્રવેશ મળે છે. ગોપીઓને સગાસંબંધીઓ અટકાવવા લાગ્યાં, પણ તેઓ અટકી નહિ. કારણ તેઓનું મન મનમોહને હરી લીધું હતું. સૂરદાસના શબ્દોમાં કહીએ તો:- મોહન મન મોહી લીયો લલિત વેનું બજાઈ રી । મુરલી ધુની શ્રવન સુનત બિબસ ભઈ માઈ રી ।। લોક લાજ કુલકી મરજાદા વિસરાઈ રી । ઘર ઘર ઉપહાસ સુનત નેકુના લજાઇ રી ।। જપ તપ વેદ અરુ પુરાન, કછુ ના સુહાઇ રી । સૂરદાસ પ્રભુકી લીલા નિગમ નેતિ ગાઇ રી ।। ગોપી એ હ્રદયનો શુદ્ધ ભાવ છે. ગોભિ:-ઈન્દ્રિયૈ: ભક્તિરસમ્ પિબતિ ઈતિ ગોપી । ઇન્દ્રિયો દ્વારા ભક્તિરસનું પાન કરે તે ગોપી. ઘરમાં રહી ભક્તિ કરવી કઠણ છે. પોતાની પત્નીમાં પણ માતૃભાવ રાખતાં આવડે તો ઘરમાં રહીને ભક્તિ થાય. ભક્તિમાં તન્મયતા આવે. પોતે પછી પુરુષ છે કે સ્ત્રી તેનું પણ ભાન રહેતું નથી.