
કારણ ગોપીઓનું વિશેષણ જુઓ:- વ્રજસ્ત્રિય: કૃષ્ણગૃહીતમાનસા: । અત્રે મન શબ્દ વાપર્યો છે. શરીર શબ્દ વાપર્યો નથી. જેનું મન શ્રીકૃષ્ણે હરી લીધું છે તેવી ગોપીઓ. આ લીલાનું ચિંતન કરવાથી કામવિકારનો નાશ થાય છે, જુઓ. ભક્તિં પરાં ભગવતિ પ્રતિલભ્ય કામં હ્રદ્રોગમાશ્ર્વપહિનોત્યચિરેણ ધીર: ।।ભા.સ્કં.૧0.અ.૩૩.શ્ર્લો.૪0. જે ધીર મનુષ્ય વ્રજવાસી સ્ત્રીઓ સાથે ભગવાન શ્રીકૃષ્ણની ક્રીડાને શ્રદ્ધાયુક્ત થઈ વારંવાર શ્રવણ કરે અથવા વર્ણવે છે, તે ભગવાનના ચરણોમાં પરમભક્તિ પ્રાપ્ત પામી તત્કાળ હ્રદયરોગરૂપી- કામવિકારથી મુક્તિ મેળવે છે. તેનો કામભાવ હંમેશને માટે નષ્ટ થાય છે. આરંભમાં ગોપીઓએ કહ્યું છે કે:-અમે સર્વ વિષયોનો ત્યાગ કરી આવ્યાં છીએ. અમે સ્ત્રીત્વનો પણ ત્યાગ કરીને આવ્યાં છીએ. અંતમાં ગોપીઓનું વાકય છે. અમારા હ્રદયમાં જો કાંઈ કામ હોય તો તેને કાપી નાખજો. ભાગવતમાં ગોપીઓના આવા કામ સંબંધના બોલ ઘણાને ખટકે છે. આ તો, આવું બોલે છે. પણ ગોપીઓએ આરંભમાં શું કહ્યું છે અને અંતે શું કહે છે, તે ધ્યાનમાં રાખો તો પછી આવા વિચાર થશે નહિ. રાસલીલાનું શ્રદ્ધાથી સાધન, શ્રવણ અને વર્ણન કરવાથી ભગવાનના ચરણમાં પરાભક્તિ પ્રાપ્ત થાય છે. અને તે બહુ જલદીથી પોતાના હ્રદયના રોગથી-કામ વિકારમાંથી છુટકારો મેળવે છે. તેમનો કામભાવ હંમેશને માટે નષ્ટ થઈ જાય છે. રાસલીલાના પહેલા અઘ્યાયમાં પરમાત્માનું આત્મા સાથે રમણ છે. બીજા અધ્યાયમાં હ્રદય સાથે અને ત્રીજા અધ્યાયમાં વાણી સાથે રમણ છે, તે ગોપીગીત, ચોથા અધ્યાયમાં પ્રાણ સાથે રમણ છે. અને પાંચમાં અધ્યાયમાં બુદ્ધિ સાથે રમણ છે. આ પ્રમાણેનું સર્વાંગ સાથેનું આ રમણ છે. રાસલીલામાં પરીક્ષિત રાજાએ પ્રશ્નો કર્યો છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૩
ભાગવતકારને લાગેલું કે લોકો આવી શંકાઓ કરશે જ. તેથી આગાઉથી સ્પષ્ટતા કરી છે. પહેલી વખત પરીક્ષિત રાજા પશ્ર્ન પૂછે છે. ગોપીઓ તો શ્રીકૃષ્ણને કેવળ પોતાના પરમ પ્રિયતમ માનતી હતી અને તેઓને તેનામાં બ્રહ્મભાવ ન હતો, આથી તેઓ પ્રાકૃત ગુણોમાં આસક્ત હતી. તો ગુણોના પ્રભાવરૂપ આ સંસારથી તેઓની નિવૃત્તિ કેવી રીતે થઈ? શુકદેવમુનિ કહે છે:-જીવ ઈશ્વરનું ચિંતન કરતાં કરતાં ઈશ્વરરૂપ બની જાય છે. શિશુપાલ દ્વેષભાવથી ક્રોધમાં ભગવાનનું ચિંતન કરતો કરતો પ્રાકૃત શરીરનો ત્યાગ કરી, અપ્રાકૃત શરીર ધારણ કરી, ભગવનનો પાર્ષદ બની ગયેલો. ત્યારે ગોપીઓ કૃષ્ણમય બની જાય તેમાં શી નવાઇ? હે રાજન્! રાસમાં ગોપીઓનાં શરીર સાથેનું શ્રીકૃષ્ણનું આ રમણ ન હતું. હે રાજન્! ગોપીઓનાં પાંચભૌતિક શરીર તો તેઓના ઘરમાં હતાં. રાજન્! આ તો ગોપીઓના આધિદૈવિક આધ્યાત્મિક સ્વરૂપનું પરમાત્મા સાથેનું મિલન છે. મનથી ઇશ્વરને મળવાનું છે. શરીર ભલે ગમે ત્યાં હોય. શરીર ગમે ત્યાં હોય. મનની ભાવના જ જરૂરની છે. અગત્યની છે. આ ઉપર વૃત અને અવૃત નામના બે બ્રાહ્મણોનું દ્રષ્ટાંત અગાઉ આપેલું જ છે. બીજો પ્રશ્ન અધ્યાય ૩૩ માં છે. પરીક્ષિત રાજા પૂછે છે:-ભગવાન તો પૂર્ણકામ છે. તો તેમણે આવું નિંદનીય કૃત્ય કેમ કર્યું? શુકદેવમુનિ કહે છે:-રાજન્! તમે શું સમજ્યા? રાજન્! તમારા મનમાં આ પાપ કયાંથી આવ્યું ? આ સ્ત્રી-પુરુષનું મિલન નથી. આ તો જીવ અને ઇશ્વરનું મિલન હતું. આ રાસ તો છ માસ ચાલેલો-ગોપીઓ છ માસ સુધી વ્રજમાં ઘરે ન આવી હોય તો કેટલી ગરબડ થઈ જાય તેનો વિચાર કર્યો? તે સ્પષ્ટ બતાવે છે કે આ જીવ, ઇશ્વરનું આધ્યાત્મિક મિલન છે. બ્રહ્મનો બ્રહ્મ સાથે વિલાસ એ જ રાસ. પણ પરમાત્માની લીલાનું રહસ્ય જલદી સમજાતું નથી. કૃષ્ણ તો ગોપીઓના અને તેમના પતિઓમાં, અરે દરેક શરીરધારીઓના અંતકરણમાં આત્મારૂપે બિરાજી રહ્યા છે તે ઇશ્વર છે. તે તો દરેકના સાક્ષી અને પરમપતિ છે. ભગવાન શ્રીકૃષ્ણ આત્મા છે. આત્માકાર વૃત્તિ તે રાધિકાજી અને બાકીની આત્માભિમુખ વૃત્તિઓ તે ગોપીઓ. જેમ નાનો બાળક નિર્વિકારભાવે અરીસામાં પોતાના પ્રતિબિંબ સાથે ખેલે છે, તેવી રીતે આ આત્માનું આત્મા સાથે રમણ છે. રમે રમેશો વ્રજસુન્દરીભિર્યથાર્ભક: સ્વપ્રતિબિંબવિભ્રમ: ।। આ રાસલીલાનું મનન કરવાથી બુદ્ધિ સ્થિર થાય છે. બુદ્ધિ ચંચળ છે. પાંચ વિષયો તેના પતિ થવા માગે છે પરંતુ બુદ્ધિ એક ઇશ્વરને જ અર્પણ કરવી. જીવનો સાચો પતિ એક ઈશ્વર છે. ગીતામાં ભગવાને કહયું:-અર્જુન! તું તારું ડહાપણ કરીશ નહીં. તારી બુદ્ધિ તું મને આપ, મને અર્પણ કર.