
રાવણે કાંઈ તપશ્ચર્યા ઓછી કરી ન હતી. પરંતુ તેની પાછળ ભોગ લાલસા હતી, દીનતા ન હતી. નિરાભિમાની છું, એવું જે સમજે તેમાં પણ સૂક્ષ્મ અભિમાન છે. ૩૪મા અધ્યાયમાં સુદર્શન વિદ્યાધરની કથા છે. શિવરાત્રીનું પર્વ હતું. નંદબાબા અંબિકાવનની યાત્રાએ ગયા છે. બ્રાહ્મણોને પુષ્કળ દાન આપ્યું, રાતના સમયે બધાએ સરસ્વતીના કિનારે મુકામ કર્યો છે. અંબિકાવનમાં એક અજગર રહેતો હતો, તે ત્યાં આવ્યો અને નંદબાબાને ગળવા લાગ્યો. શ્રીકૃષ્ણનાં ચરણના સ્પર્શથી અજગર નો ઉદ્ધાર થયો અને તેમાંથી એક દેવપુરુષ બહાર નીકળ્યો. ભગવાન જાણતા હતા છતાં પૂછ્યું છે, આપ કોણ છો? પુરુષ કહે છે કે પૂર્વે હું સુદર્શન નામનો સુન્દર વિદ્યાધર હતો. મને મારા રૂપનું અભિમાન હતું. કોઈને કદરૂપા જોઈને હું હસતો હતો. એક વાર મેં એક શ્યામ વર્ણના ઋષિને જોયા. તેનું નામ અંગિરા ઋષિ હતું. તેમને જોતાં મને હસવું આવ્યું. હું હસ્યો તેથી તેમણે મને શ્રાપ આપ્યો. તેમણે મને કહ્યું:-તું મારી આકૃતિને જોઈને હસે છે! પણ મેં સત્સંગ કરી મારી કૃતિને સુધારી છે. શરીર સુંદર છે, તેવો વિચાર કરશો નહિ. શરીરમાં કાંઈ સુંદર નથી, શરીરમાં હાડકાં, રુધિર અને માંસ ભરેલાં છે. રસ્તામાં પડેલાં હાડકાંને મનુષ્ય પગથી પણ સ્પર્શ કરતો નથી. તે મળમૂત્ર અને હાંડકાં આ શરીરમાં ભરેલાં છે. કોઇની આકૃતિને જોશો નહિ. ચામડીનું ચિંતન કરવું એ પાપ છે. મહાત્માઓ કોઈની આકૃતિને જોતા નથી. કૃતિને જુએ છે. આકાર જોવાથી મનમાં વિકાર ઉત્પન્ન થાય છે માટે કોઈ વ્યક્તિનો આકાર-તેનું રૂપ ન જોશો. સંસારના સૌન્દર્યનું ચિંતન કરવાથી મન ચંચળ થાય છે. પરમાત્માના સૌન્દર્યનો વિચાર કરવાથી મન શાંત થાય છે. સંસાર સુંદર છે, એવી કલ્પનાથી પાપ શરૂ થાય છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૫
ઈશ્વર સુંદર છે, એવી કલ્પનાથી ભક્તિ શરૂ થાય છે. જ્ઞાનીની દ્દષ્ટિએ સંસાર સુંદર નથી. અંગિરા ઋષિ વિદ્યાધરને કહે છે:-મારું શરીર કાળું છે, પણ, મન ઉજળું છે. તારું શરીર ઉજળું છે પણ મન કાળું છે. તું મારી આકૃતિ જોઈને હસે છે. જા તું અજગર થઈશ. સત્કર્મ કર્યા પછી રાત્રે નંદબાબા સુતેલા હતા, ત્યારે અજગર ગળવા લાગેલો. આ બતાવે છે, કે સત્કર્મ કર્યા પછી જાગૃત રહેવાની જરૂર છે. સત્કર્મ કર્યા પછી લોકો વખાણ કરે છે, એટલે અભિમાનરૂપી અજગર ગળવા લાગે છે. ‘ન મમ’ બોલે છે સર્વ, પણ તેને આચરણમાં મૂકે છે કેટલા? રાત્રે જાગશો એટલે કે મેં કર્યું નથી એમ માનશો, તો અભિમાનરૂપી અજગર ગળી શકશે નહિ. સત્કર્મ કર્યા પછી કહેજો ઠાકોરજીએ કૃપા કરી મને નિમિત્ત બનાવ્યો. મારે હાથે કર્મ કરાવ્યું. ત્યાર પછી શંખચૂડનો ઉદ્ધાર કર્યો. ગોપીઓ રાત્રે શ્રીકૃષ્ણ સાથે રાસ રમે છે, અને દિવસે પણ શ્રીકૃષ્ણલીલાનું ચિંતન કરતાં તેઓ તન્મય બને છે. યુગલગીત અને વેણુગીતના ભાવ સમાન છે. મનુષ્ય જ્યારે નવરો બેસે છે ત્યારે તેના મનમાં પાપ આવે છે. રાત્રે ખૂબ સત્કર્મ, જપ વગેરે કરો. નિવૃત્તિના સમયે મન કામસુખ, દ્રવ્યસુખનું ચિંતન કરે છે. આ મન વાનર જેવું ચંચળ છે. એકલું પડે એટલે કૂદાકૂદ કરે છે. આ મન જો નવરું રહે તો, તે બાબરા ભૂત જેવું છે. તેને કોઈ કામ ન મળે તો તે ખોટા વિચારો કરશે, માટે મનને જરા પણ નવરું રહેવા ન દો. સતત ભગવત્ સ્મરણ અને સત્કાર્ય કરો. દરેક ઇન્દ્રિયથી ભક્તિ કરો, કાનથી ભક્તિ કરો, આંખથી ભક્તિ કરો, જીભથી ભક્તિ કરો, મનથી ભક્તિ કરો. એક બ્રાહ્મણ હતો. તેની પત્નીનું મરણ થયું. બ્રાહ્મણ દુ:ખી થયો, ઘરમાં નાનાં છોકરાં, બીજું કોઈ સંભાળ લેનાર ઘરમાં ન મળે, તે કંટાળી ગયો. તેણે તેના મિત્રને આ વાત કરી. મિત્રે કહ્યું કે હું તને એક મંત્ર આપુ છુ તેથી ભૂત પ્રસન્ન થશે. ભૂત તારાં બધાજ કામ કરશે, બ્રાહ્મણે તે પ્રમાણે કર્યું. ભૂત પ્રસન્ન થયુ, તેણે કહ્યું કે હું તારું બધુજ કામ કરીશ, પણ હું એક ક્ષણ પણ નવરો નહિ બેસું. જો તમે મને કામ નહિ આપો તો હું તમને ખાઈ જઇશ. ભૂતનું કામ ભૂત જેવું. પાંચ-દશ મિનિટમાં બધું કામ પતાવી દે. ભૂત બ્રાહ્મણને કહે મને બીજું કામ બતાવ, નહિતર હું તને ખાઈ જઇશ. બ્રાહ્મણ વિચારે છે, આ ભૂત જબરું છે. આ તો મને ખાઇ જવાની વાત કરે છે. બ્રાહ્મણે પોતાના મિત્રને આ વાત કરી. મિત્રે કહ્યું, તારા આંગણામાં એક થાંભલો ખોડ. ભૂતને કહેવું કે હું કામ માટે બોલાવું ત્યારે આવવું અને બાકીનો સમય આ થાંભલા ઉપર ચડ ઉતર કરવી. બ્રાહ્મણે તેમ કર્યું, ભૂત સમજી ગયું આને કોઈ ગુરુ મળ્યો છે. તે શાંત થઇ ગયું. મનને પણ જો કામ ન આપો તો તે તમને ખાવા દોડશે. રાત્રે ખૂબ નિદ્રા ન આવે ત્યાં સુધી પથારીમાં પડશો નહિ.