
નંદબાબાને થાય છે. લોકોએ કનૈયાનો વરઘોડો ફેરવ્યો, પણ તે ભૂખ્યો થયો છે કે કેમ તેની સૂધ કોઇએ લીધી નહીં નંદબાબા માખણ મિસરી, લઈને આવ્યા છે. લાલાને હાથી અંબાડી ઉપરથી નીચે ઉતારી માખણ મિસરી જમાડે છે. જે જગ્યાએ શ્રીકૃષ્ણે વિશ્રામ લીધો તે ઘાટનું નામ પડયું વિશ્રામઘાટ. કંસને માર્યા પછી મથુરાનું રાજ્ય મળ્યું છે. તેમ છતાં તેઓને કોઈ જાતની આસક્તિ નથી. કંસનું રાજ્ય તેના પિતા ઉગ્રસેનને આપ્યું છે. વાણી અને વર્તન એક ન થાય ત્યાં સુધી વાણીમાં શક્તિ આવતી નથી. જ્ઞાન ક્રિયાત્મક બનાવનારની ખોટ છે. બંગલામાં રહી વિલાસી જીવન ગાળનાર વેદાંતની ચર્ચા કરે એ ઠીક નથી. બહુ વાંચવા કરતાં વાંચેલું જીવનમાં ઉતારવાની જરૂર છે. શ્રીકૃષ્ણ જે ઉપદેશ કરે છે તે ઉપદેશ પ્રભુએ જીવનમાં ઉતાર્યો છે. યુદ્ધભૂમિ ઉપર અર્જુનને ગીતાશાસ્ત્ર સંભળાવ્યું છે. કોઇ પણ ફળની આશા રાખ્યા વગર, સત્કર્મ કરવું એ ગીતાજીનો ઉપદેશ છે. મળે છતાં લેવાની ઈચ્છા થતી નથી તે જ સન્યાસ. શ્રીકૃષ્ણ ભગવાનની અનાસક્તિ કેવી છે? મથુરાનું રાજ્ય શ્રીકૃષ્ણને મળ્યું છે પણ કાંઇ આસક્તિ નથી. અર્જુનને જે અનાસક્તિનો બોધ આપ્યો છે તે અનાસક્તિ જીવનમાં પરિપૂર્ણ છે. સંસાર બાધક નથી. સંસારની આસક્તિ બાધક છે. બધાએ કહ્યું, કંસને આપે માર્યો છે તેથી રાજય તમારું છે. શ્રીકૃષ્ણે કહ્યું, રાજયના લોભથી મેં કંસને માર્યો નથી. કંસ અનેકને ત્રાસ આપતો હતો તેથી માર્યો છે. મારે રાજય જોઇતું નથી. કંસના પિતા ઉગ્રસેન જીવે છે, તેને રાજા બનાવો, હું તો સર્વનો સેવક છું. નંદજીને ગર્ગાચાર્યજી કહેવા ગયા છે કે શ્રીકૃષ્ણ, વસુદેવના પુત્ર છે. તમારે ત્યાં કન્યા થઈ હતી, શ્રીકૃષ્ણ ગોકુળ નહીં આવે. હવે મથુરામાં જ રહેશે. નંદબાબા વ્યાકુળ થયા છે. બળરામ અને કૃષ્ણ નંદબાબાને મળવા આવ્યા છે. બાબા, અમે યુદ્ધ કરતા હતા, ત્યારે અખાડામાં અમને હનુમાનજી દેખાયેલા. નંદબાબાએ માન્યું, મેં હનુમાનજીની બાધા રાખેલી એટલે હનુમાનજીએ કનૈયાનું રક્ષણ કર્યું. બાકી આ મોટા મલ્લોને કોણ મારી શકે? નંદબાબા ભોળા છે અને કૃષ્ણએ પણ નંદબાબાની ભાવના કાયમ રાખી છે. બાબા અમે તો તમારા જ છીએ. લોકો ભલે ગમે તેમ કહે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૯
બાબા તમે જ મારા પિતા છો. કંસને માર્યો છે એટલે જરાસંધ, દંતવક્ર બધા રાજાઓ મારી સાથે વેર રાખવા લાગ્યા છે. બાબા! તમારા આશીર્વાદથી કંસ મર્યો છે. બીજા રાજાઓ મારી સાથે વેર રાખે છે. હું ગોકુળમાં આવું તો આ રાજાઓ ત્યાં લડવા આવશે. મારે ત્યાં રહેવાથી ત્યાં વ્રજવાસીઓ દુ:ખી થશે, એટલે હું થોડો સમય મથુરામાં રહીશ. બાબા! હાલમાં કોઈને કહેશો નહીં કે હું તમારો પુત્ર છું, કારણ કે એ કહેશો તો આ રાજાઓ તમારી સાથે વેર કરશે. તમારા આશીર્વાદથી સર્વ રાજાઓનો પરાભવ કર્યા પછી હું ગોકુળમાં આવીશ. બાબા, મારી ગાયોને સાચવજો. મારી માને કહેજો કે કનૈયો જરૂર આવશે. પ્રેમમાં આગ્રહ ભલે હોય પણ દુરાગ્રહ શોભે નહીં. નંદબાબા પૂછે છે કનૈયા! હું એકલો પાછો જાઉં? કનૈયો જવાબ આપે છે, હા બાબા!, હું હાલમાં ત્યાં આવીશ તો આ રાજાઓ ગોકુળમાં આવીને વ્રજવાસીઓને ત્રાસ આપશે. બાબા! હું તમારો જ દીકરો છું. બાબા! તમે ગોકુળમાં પધારો. નંદબાબાએ કહ્યું:-બેટા! મને વધારે આગ્રહ કરતાં આવડતું નથી. પ્રેમમાં દુરાગ્રહ હોતો નથી. મેં તારી ઇચ્છા રાખી નથી. મારો કનૈયો સુખી રહે તેવી જ ઇચ્છા રાખી છે. અમે અમારા સુખ માટે તારી સાથે પ્રેમ કર્યો નથી, કોઈ સુખ ભોગવવાની ઇચ્છાથી અમે પ્રેમ કર્યો નથી. હું નારાયણને રોજ પ્રાર્થના કરીશ કે મારો કનૈયો જયાં હોય ત્યાં સુખી રહે, પણ કોઈ વખત વ્રજમાં આવજે. શ્રીકૃષ્ણ કહે છે:-બાબા! આ તમે શું બોલ્યા? આ કાર્ય પતાવી હું ગોકુળમાં આવીશ. મારી માને કહેજો કે હું મથુરા આવીને ફસાયો છું. બાબા! મારી માને કહેજો કે હું આવીશ. મારી ગાયોને સાચવજો. ભાગવતમાં આ પ્રસંગ લીધો નથી. ઈતર ગ્રંથોમાં આ પ્રસંગ લીધો છે. મહાત્માઓ કહે છે ગોકુળના કૃષ્ણ અનેરા લાગે છે. ગોકુળનું સ્વરૂપ દિવ્ય છે. તેનો આનંદ અલૌકિક છે. તાત્ત્વિક દ્રષ્ટિથી મથુરાના, દ્વારકાના, ગોકુળના શ્રીકૃષ્ણ એક જ છે. ગુરુની સેવા કર્યા વગર ઈશ્વર પણ સુખી થતા નથી. જગતને એ આદર્શ બતાવવા શ્રી કૃષ્ણ સાંદીપનિ ઋષિને ત્યાં વિદ્યાભ્યાસ અર્થે ગયા. શ્રીકૃષ્ણ ગુરુકુળમાં નિવાસ કરે છે. ઉજ્જૈન ક્ષેત્રમાં ક્ષીપ્રા નદીને કાંઠે સાંદીપનિ ઋષિનો આશ્રમ છે. કોઈ સંતની સેવા ન કરો ત્યાં સુધી ઈશ્વર કૃપા થતી નથી. કોઈ મહાપુરુષની તન, મન અને ધનથી સેવા કરો, તો તેમનું હ્રદય પીગળશે અને અંતરમાંથી આશીર્વાદ આપશે. મનુષ્યને માટે અતિ આવશ્યક છે કે તે કોઇ તપસ્વી સાધુની સેવા કરે. સેવાથી વિદ્યા સફળ થાય છે. પુસ્તકો વાંચીને મેળવેલું જ્ઞાન તમને પૈસો અપાવશે. પ્રતિષ્ઠા અપાવશે, પણ તમને અંદરની શાંતિ આપશે નહિ. કોઇ સંતની સેવા કરીને મેળવેલું જ્ઞાન મનને શાંતિ આપશે. સંત બોલીને જ ઉપદેશ આપે છે, તેવું નથી. સંત મૌન રાખીને પણ ઉપદેશ આપે છે. સંતોનો પ્રત્યેક વ્યવહાર જ્ઞાન અને ભક્તિથી ભરેલો હોય છે. કેવળ પ્રયત્નથી વિદ્યા મળે તે અભિમાનને સાથે લાવે છે. સંતની સેવાથી વિદ્યા મળે છે, તે વિવેક, વિનયને સાથે લાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ ગુરુજીના ઘરે પાણી ભરતાં, ગુરુને ઘરે લાકડા પણ લઈ આવતા.