
સાંદીપનિઋષિએ આ પ્રમાણે માંગ્યુ, આ વચન શ્રીકૃષ્ણે પાળ્યું છે. કયાંય વાંચવામાં આવ્યું નથી કે અર્જુને ભગવાનને કાંઈપણ આપ્યું છે. પ્રભુએ પણ અર્જુનની સેવા કરી. અર્જુનને દિવ્ય જ્ઞાનનું દાન કર્યું છે. અર્જુનની તો સેવા કરી પણ એના ઘોડાઓની પણ સેવા કરી છે. મહાભારતમાં એવું વર્ણન આવે છે કે યુદ્ધમાં થાકેલો અર્જુન રાત્રે સૂઈ જાય પણ શ્રીકૃષ્ણ સૂતા નથી. ભગવાન રાત્રે અર્જુનના ઘોડાઓની સેવા કરે છે. ઘોડાઓને વાગેલાં બાણ કાઢે, મલમ લગાડે, બદલામાં અર્જુન પાસે કાંઈ લીધું નથી. અર્જુન ભલે શ્રીકૃષ્ણને ગુરુ માને. ભગવાન અર્જુનને ચેલો માનતા નથી. ભગવાને ઉદ્ધવને જ્ઞાનોપદેશ કર્યો. અર્જુનને જ્ઞાનોપદેશ કર્યો, પણ તેઓ પાસે કાંઈ લીધું નથી. ગુરુ નિરપેક્ષ અને શિષ્ય નિષ્કામ હોય, પણ આજકાલ તો લોકો આશા રાખે છે. મહારાજના આશીર્વાદથી મારે ત્યાં બાબો થાય. મને સંપત્તિ મળે. પરંતુ સંતતિ અને સંપત્તિના અશીર્વાદ ખરા સંત આપતા નથી. સંત તો વિકારવાસનાનો નાશ કરી અલૌકિક ભજનાનંદનું દાન કરે છે. ભગવાન ગુરુપત્નીને કહે છે:~ગુરુજી ભલે ના પાડે. પરંતુ મારે ગુરુને કાંઈક આપવું છે. ગુરુપત્ની કહે છે:-મારો એક પુત્ર હતો. અમે પ્રભાસની જાત્રાએ ગયાં હતાં. ત્યારે મારો બાળક સમુદ્રમાં ડૂબી મરણ પામેલો. ગુરુદક્ષિણામાં એ બાળક લાવી આપો. ભગવાન તે બાળક લાવવા ગયા. સમુદ્રમાં તે બાળક મળ્યો નહિં. પાંચજન્ય શંખ મળ્યો, તે ધારણ કર્યો. હવે મુરલીધર નહિ. હવે શંખધર બન્યા છે. મરી ગયેલા ગુરુદેવના બાળકને લઈ આવ્યા છે. ગુરુ તેમજ ગુરુપત્નીએ આશીર્વાદ આપ્યા છે. સરસ્વતી તમારા મુખમાં, લક્ષ્મી તમારા ચરણમાં અને તમારી કીર્તિ જગતમાં ભ્રમણ કરશે બેટા! મારી વિદ્યાનો વંશ વધારજે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૧
ગોપીઓએ પણ ભગવાન પાસે કાંઈ માંગ્યું નથી. એટલે ભગવાન ગોપીઓના ઋણમાં હંમેશને માટે રહ્યા છે. ભગવાન પાસે કંઈ માંગો નહિ. ભગવાને ગોકુળની લીલા ૧૧ વર્ષ સુધી કરી. મથુરાની લીલા ૧૪ વર્ષ સુધી ચાલી. દ્વારકાની લીલા ૧૦૦ વર્ષની છે. શ્રીકૃષ્ણ ૧૨૫ વર્ષ પૃથ્વી ઉપર પ્રત્યક્ષ રહ્યા છે. તેવું એકાદશ સ્કંધમાં વર્ણન છે. શ્રીકૃષ્ણ વિદ્યાભ્યાસ કરી મથુરા આવ્યા છે. યાદવોને પરમાનંદ થયો છે. મથુરાના રાજમહેલમાં મુકામ છે. હવે ઉદ્ધવગમનનો પ્રસંગ આવે છે. ઉદ્ધવાગમન:-ઉદ્ધવાગમનની કથા કહેવામાં કથાકારની કસોટી છે એમ દક્ષિણના મહાત્માઓ માને છે. ઉદ્ધવાગમનમાં જ્ઞાન અને ભક્તિનો મધુર કલહ છે. ઉદ્ધવાગમનમાં જ્ઞાન અને ભક્તિનો સમન્વય છે. ઉદ્ધવનું નિર્ગુણ જ્ઞાન અને ગોપીઓની શુદ્ધ પ્રેમલક્ષણા સગુણભક્તિ. ભક્તિમાં અને જ્ઞાનમાં કંઈ અંતર નથી. ભક્તિ જ જ્ઞાનરૂપે પરિણમે છે. જ્ઞાન, ભક્તિ વગર લંગડું છે. અને ભક્તિ, જ્ઞાન વગર આંધળી છે. ભક્તિને જ્ઞાન અને વૈરાગ્ય બંન્નેની જરૂર છે. જ્ઞાન વૈરાગ્ય વગરની ભક્તિ વાંઝણી છે. આરંભમાં દાસોહમ્ હું સેવક છું, એવી ભાવના દૃઢ કરી ઇશ્વરની આરાધના કરતાં કરતાં સાધકને થાય છે, હવે ભગવાન મારા છે. પહેલાં હું ભગવાનનો અને ભક્તિ વધે ત્યારે ભગવાન મારા. તે પછી અનુભૂતિ વધે છે. દેહભાન ભૂલાય છે ત્યારે હું રહેતું નથી, ત્યારે એક ભગવાન જ રહે છે. તે પછી થાય છે કે હું જ ભગવાન છું. દાસોહમ્ માંથી સોહમ્ થાય છે. ભક્તિ એ જ્ઞાન અને જ્ઞાન એ ભક્તિ છે. જ્ઞાન અને ભક્તિ એક બને છે, ત્યારે જીવન સફળ થાય છે. કેટલાક જ્ઞાનીઓ માને છે, અમને ભક્તિની જરૂર નથી. તેઓ ભક્તિનો તિરસ્કાર કરે છે. કેટલાક ભક્તો માને છે અમને જ્ઞાન વૈરાગ્ય ની જરૂર નથી. આ બન્ને વિચારો યોગ્ય નથી. ભક્તિ તો, જ્ઞાન અને વૈરાગ્ય વગર રડે છે. આગળ કથા આવેલી કે વૃંદાવનમાં ભક્તિ મહારાણી પુષ્ટ બની પણ જ્ઞાન અને વૈરાગ્ય, ભક્તિ વગર પુષ્ટ થયા નહીં. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય વગર હશે તો તે દૃઢ થશે નહિ. જ્ઞાન-વૈરાગ્ય વગરની ભક્તિ રડે છે. ભક્તિ જ્ઞાન-વૈરાગ્ય સાથે, જ્ઞાન-વૈરાગ્ય ભક્તિ સાથે આવે તો દૃઢ બને છે. જ્ઞાન અને વૈરાગ્ય વગરની ભક્તિ કાચી છે. ભક્તિને જ્ઞાનની અને વૈરાગ્યની અપેક્ષા છે અને જ્ઞાન-વૈરાગ્યને ભક્તિની અપેક્ષા છે. ભક્તિ વગરનું જ્ઞાન લંગડું છે. જ્ઞાન-વૈરાગ્ય વિનાની ભક્તિ આંધળી છે. આંધળી ભક્તિ શું કામની? ભક્તિમાં જ્ઞાનનો અને વૈરાગ્યનો સાથ ન હોય તો અખંડ ભક્તિ થતિ નથી.