
રૂક્મિણી હરણ:-પરમાત્મા લક્ષ્મીના સ્વામી છે, જીવ લક્ષ્મીનો બાળક છે. લક્ષ્મીજી. જીવમાત્રની માતા છે, અને તેથી જીવ, લક્ષ્મીનો વિવેક થી ઉપયોગ કરી શકે પણ લક્ષ્મીનો ઉપભોગ કરવાનો જીવને અધિકાર નથી. જીવાત્મા લક્ષ્મીનો ઉપયોગ કરી શકે, પણ તેનો ઉપભોગ એક નારાયણ જ કરી શકે. ઉપયોગ અને ઉપભોગમાં ફેર છે. શરીરને આવશ્યક વિષયો ઇન્દ્રિયોને આપે, તે ઉપયોગ. ઇન્દ્રિયો માંગે તે વિષયો, તેને આપે અને સ્વેચ્છાચારી થઈ, ઈન્દ્રિયોને આધીન થઈ વિષયો ભોગવે તે ઉપભોગ છે. પૈસાનો દુરુપયોગ થાય, તો આ જીવન બગડે અને પરલોક પણ બગડે છે. સંપત્તિનો અને શક્તિનો સદુપયોગ કરે, એ દેવ. સંપત્તિ અને શક્તિનો દુરુપયોગ કરે, એ દૈત્ય. દેવ થવા માટે ભાગવતની કથા છે. સમયનો સદુપયોગ કરો. સંપત્તિનો સદુપયોગ કરો. મનુષ્ય જીવનનો ઘણો ભાગ સંતતિ અને સંપત્તિ પાછળ જાય છે. મનુષ્ય સંપત્તિ અને સમયનો દુરુપયોગ કરે છે. તેઓનો ઘણો સમય ફેશન અને વ્યસન પાછળ જાય છે. શરીરને બહુ ત્રાસ ન આપો અને લાડ પણ ન કરો. પરમાત્માએ મને વધારે આપ્યું એટલે તેનો સદુપયોગ કરવાની જવાબદારી મારા ઉપર આવી છે એમ માનો. સ્વામીજી નારાજ થાય તો જીવમાત્રની દુર્ગતિ થાય. શાસ્ત્રમાં લક્ષ્મીના ત્રણ પ્રકાર બતાવ્યા છે. (૧) લક્ષ્મી:-નીતિ અને અનીતિથી જે ધન પ્રાપ્ત કર્યું હોય તે લક્ષ્મી. જેમનું ધન થોડું ભોગવિલાસમાં જશે અને તેનો સદુપયોગ પણ થશે. (૨) મહાલક્ષ્મી:-જે ધર્મથી મેળવેલું નીતિનું ધન છે તે મહાલક્ષ્મી. મહેનત કરતાં વધારે નફો લે તે પાપ છે. મહેનત કરતાં વધારે નફો લે તે એક પ્રકારની ચોરી છે. માનવીના જીવનમાં ધન મુખ્ય નથી, ધર્મ મુખ્ય છે, ધર્મ મર્યા પછી પણ સાથે આવે છે. ધર્મથી, નીતિથી મહેનત કરી યોગ્ય રીતે પ્રાપ્ત કર્યું છે તે મહાલક્ષ્મી.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૮
એવું ધન સારા કાર્યોમાં જ વપરાય છે. (3) અલક્ષ્મી:-પાપનો પૈસો એ અલક્ષ્મીનું સ્વરૂપ છે. તેનો ઉપયોગ વિલાસ પાછળ થાય છે. મનુષ્યને તે રડાવે છે. એ કોઇને શાંતિ આપતી નથી. મૃતાત્મા કેવળ ધર્મને જ સાથે લઈને જાય છે. બીજું કાંઈ સાથે આવતું નથી. મહાલક્ષ્મી તમને શાંતિ આપશે. નીતિથી મેળવેલું ધન જ મહાલક્ષ્મી છે. મહાલક્ષ્મી નારાયણને મળે. શિશુપાલને તે મળે નહીં. એ રુક્મિણી હરણનું તાત્પર્ય છે. રુક્મિણી એ મહાલક્ષ્મી છે. તે શિશુપાલને મળે નહિ. તે તો નારાયણને જ મળે. શિશુપાલ એટલે શિશુનું લાલનપાલન કરવામાં જ જેનું જીવન, જેના ધન અને સમય પૂરા થાય તેવો કામી પુરૂષ. શિશુપાલ એ કામી જીવ, જેને સંસારનું સુખ જોઈએ તે શિશુપાલ. મથુરામાં ભગવાનનું એક પણ લગ્ન થયું નથી.-શ્રીકૃષ્ણ દ્વારકા આવ્યા પછી બધાં લગ્નો થયાં છે. એક એક ઈન્દ્રિયના દ્વાર ઉપર કાબૂ મેળવી, બ્રહ્મવિદ્યાને પ્રાપ્ત કરો. તે પછી લગ્ન કરો. યોગ વિનાનો ભોગ રોગી બનાવશે, ભોગની પાછળ યોગ ન હોય, તપશ્ચર્યા ન હોય તો તે ભોગ શરીરને રોગી બનાવશે. એક એક ઈન્દ્રિય એ શરીરનું દ્વાર છે. શ્રીકૃષ્ણ ઇન્દ્રિયના માલિક છે. ઇન્દ્રિયના ગુલામ થઈ લગ્ન ન કરો. જિતેન્દ્રિય થઈ લગ્ન કરો તેથી, ગૃહસ્થાશ્રમ પહેલા બ્રહ્મચર્યાશ્રમ બતાવ્યો છે. પરીક્ષિત રાજાએ કહ્યું:–રુક્મિણીના લગ્નની કથા વિસ્તારથી સાંભળવાની મારી ઈચ્છા છે. શુકદેવજી બોલ્યા:- રાજન! શ્રવણ કરો, મહારાજ ભીષ્મક વિદર્ભ દેશના રાજા છે. તેને પાંચ પુત્રો અને એક કન્યા છે. રાજાના મોટા પુત્રનું નામ રુકમી અને કન્યાનું નામ રુક્મિણી. રુક્મિણીની માતાનું નામ ભાગવતમાં આપ્યું નથી. પણ અન્ય ગ્રંથોમાં નામ આપ્યું છે. પિતાનું નામ ભિષ્મક અને માતાનું નામ છે શુદ્ધમતિ. જ્યાં બુદ્ધિ શુદ્ધ હોય ત્યાં મહાલક્ષ્મી આવે છે. રુક્મિણી સાક્ષાત્ મહાલક્ષ્મીનો અવતાર છે. રુક્મિણી ધીરે ધીરે મોટા થયાં છે. ભીષ્મક રાજાની ઈચ્છા હતી, રુક્મિણીનાં લગ્ન શ્રીકૃષ્ણ સાથે કરીશ. મારી કન્યાનું કન્યાદાન શ્રીકૃષ્ણને કરીશ, તેવો નિશ્ચય ભીષ્મકે કર્યો છે. પરંતુ રુકમીએ વિરોધ કર્યો કે મારી બહેન ગોપાળને નહીં આપું. મારી બહેન હું શિશુપાલને આપીશ. રુક્મિણીને જ્યારે ખબર પડી કે મારો ભાઇ જબરજસ્તીથી મારાં લગ્ન શિશુપાલ સાથે કરવા માંગે છે, ત્યારે તેને દુ:ખ થયું. રુક્મિએ શિશુપાલને આમંત્રણ આપ્યું છે. શિશુપાલ જાન લઈને આવ્યો છે. શિશુપાલ કામી હતો. તેનો પુરાવો ભાગવતમાં મળે છે. ગણપતિની પૂજા વખતે તેનું ઘ્યાન કન્યામાં હતું. તેની નજર ફકત રુકમણીના દેહ ઉપર જ, રૂપ ઉપર જ છે. સાધારણ જીવ લગ્ન કરવા જાય છે, ત્યારે તેની છાતી ઉપર કામ ચઢી બેસે છે. ભગવાન ગોપાળ છે, ગો એટલે ઇન્દ્રિયોના સાચવનાર. ભગવાન જિતેન્દ્રિય થઇ, લગ્ન કરવા ગયા છે.