
પત્રમાં શ્રીકૃષ્ણને સુંદર સંબોધન કર્યું છે. ‘ભુવનસુંદર’ આ જગતમાં જો કોઈ સુન્દર હોય તો તે સંસારનો સર્જનહાર છે. સંસારમાં જે કાંઇ સુંદરતા ભાસે છે, તે શ્રીકૃષ્ણના સૌન્દર્યનો અંશ માત્ર છે. સંસાર કાર્ય, શ્રીકૃષ્ણ કારણ છે. સૌન્દર્યની કલ્પનામાંથી વિકાર જાગે છે. વ્યક્તિમાં જે સુંદરતા ભાસે છે, તે ઇશ્વરની સુંદરતાને કારણે ભાસે છે, એમ રોજ વિચાર કરો. ભાગવત સુંદર દ્દષ્ટિ આપે છે. જગત રહેવાનું અને “હું" પણ રહેવાનું. જગતને જે દ્દષ્ટિથી જોઉં છું, તે દ્દષ્ટિ જ મારે બદલવી છે, તેમ નિશ્ચય કરો. જગતને કોઈ બદલી શકવાનું નથી. દ્દષ્ટિ સુધારે, તેની સૃષ્ટિ બદલાઈ જાય છે. નાથ! અતિસુંદર તો આપ છો. તમારાં સૌન્દર્યની કથા સાંભળી, અને મેં તમારાં સદ્ગુણોની કથા પણ સાંભળી છે. મહાત્માઓના મુખેથી તમારા સદ્ગુણો સાંભળી, મેં તમારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. તમારાં ગુણોથી, તમે મારું ચિત્ત ચોરી લીધું છે. તમારાં ગુણ અને સ્વરૂપનાં વખાણ સાંભળીને મારું મન, નિર્લજજ થયું છે. તમારી કથા સાંભળી મારું ચિત્ત, નિર્લજજ થયું છે. શ્રીકૃષ્ણકથા જે વારંવાર સાંભળે તેનું મન શ્રીકૃષ્ણ ખેંચી લે છે. આ શુકદેવજી જેવા નિરપેક્ષ પણ શ્રીકૃષ્ણ કથા કર્યા વગર રહી શકતા નથી. શુકદેવજીને જ્યારે કોઇ કથા સાંભળનારા ન મળે, ત્યારે વૃક્ષોને, વૈષ્ણવો માની, તેમને રાસપંચોધ્યાયીની કથા સંભળાવે છે. તમારા ગુણો સાંભળી મેં નકકી કર્યું છે, કે મારે કોઇ કામી રાજા સાથે પરણવું નથી. હવે પરમાત્મા શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવું છે. નાથ, મેં મારો આત્મા તમને સોંપ્યો છે. પરમાત્માને લાગશે, આવી નિર્લજજ કન્યા સાથે લગ્ન કરવું નથી. લજજા એ તો કન્યાનો સદ્ગુણ છે પણ જે લખ્યું છે, તે છેકાય નહીં માટે જે લખ્યું છે, તેને સિદ્ધિ કરવા બીજો શ્લોક લખ્યો છે. નાથ! હું જે નિર્લજજ થઇ છું તેમાં મારો દોષ નથી. હું તો લજ્જાવાળી છું. પણ તમારા દિવ્ય સદ્ગુણો મને નિર્લજજ બનાવે છે. મોટા મોટા ઋષિઓ, મહાત્માઓ પાસેથી તમારા સદ્ગુણોની કથા સાંભળી, મારું મન નિર્લજજ કરનાર તમારાં સદ્ગુણો જ છે. તેથી દોષ તમારાં સદ્ગુણોનો છે. મારો દોષ નથી. હે પ્યારે, મેં મારો આત્મા તમને અર્પણ કર્યો છે. તમે કહેશો, તેની ખાત્રી શું? આપ અન્તર્યામી છો. મારા મનની ભાવના જાણો છો. વધારે શું લખું? શિશુપાલનું નામ લેવાની ઇચ્છા નથી. પણ રુક્મિણીના મનમાં વિચાર આવ્યો કે તેમણે સાંભળ્યું હશે કે શિશુપાલ સાથે તેનું લગ્ન કરવાનું નકકી થયું છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૩૦
હવે તે કન્યાને ઉઠાવી લાવું, તો જ તે કન્યા સાથે લગ્ન થઈ શકે. આ પ્રમાણે કન્યાને ઉઠાવી લાવું તો મને વર દક્ષિણા કાંઇ મળશે નહીં. જે લગ્નમાં લાભ નથી, તેવું લગ્ન કરવાની શી જરૂર છે, રુક્મિણીએ, તેથી ચોથા શ્લોકમાં જણાવ્યું છે, મારા પિતા કે મારા ભાઈ, તમને કાંઈ ન આપે તો પણ વાંધો નહીં, મારી સઘળી ખાનગી સંપત્તિ હું તમને આપીશ, આપ પૂછશો, તારી પાસે ખાનગી સંપત્તિમાં છે શું? મારા પિતા આપને શું આપવાના હતા? મેં નિયમિત સત્કર્મ કર્યું છે. મારો નિયમ છે તુલસીજીના પૂજન વગર, પાર્વતીજીની પૂજા કર્યા વગર હું પાણી પણ પીતી નથી. આજકાલ માતાજીઓ તુલસી પૂજન કરે છે પણ તે ચા, નાસ્તો કર્યા પછી. સંયમ સદાચાર વગર જીવન સુધરતું નથી. સદાચાર, એટલે શાસ્ત્રસંમત આચાર, તમને ગમે તેવા આચાર નહીં. શું ન કરવું એ શાસ્ત્રને પૂછીને નિર્ણય કરો. મેં અનેક વ્રતો કર્યાં છે. મેં ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન કર્યાં છે. આ મારી પુણ્યરૂપી સંપત્તિ લઈને હું આવીશ. હું એકલી નહીં આવું, મારી અલૌકિક સંપત્તિ સાથે લઈને આવીશ. હું તમને સુખી કરીશ. આપ મારો સ્વીકાર કરો. પતિવ્રતા સ્ત્રીનો પતિ દુ:ખી થઇ શકે નહીં. પત્ની પુણ્યશાળી હોય તો તેના પતિ કદી દુ:ખી થાય નહિ. આ પ્રમાણે પોતાની સાચી સંપત્તિનો ઉલ્લેખ કર્યો, તે પછી રુક્મિણીએ પોતાની બુદ્ધિનો પરિચય આપ્યો છે. પોતે કેવી રીતે પ્રાપ્ત થઈ શકશે તેનો ઉપાય બતાવ્યો છે. નાથ! જયારે હું પાર્વતીજીનું પૂજન કરવા જાઉં, ત્યારે ત્યાં આવી મને રથમાં બેસાડીને દ્વારકા લઈ જશો. મને ખાત્રી છે, આ દાસીનો આપ સ્વીકાર કરશો, પણ મારા અલ્પ, પુણ્યને કારણે કદાચ આ જન્મમાં આપ મારો સ્વીકાર ન કરો. આપને મેળવવા હું બીજો જન્મ લઈશ, ત્રીજો જન્મ લઈશ, સો જન્મ લઈશ, હજાર જન્મ લઈશ. પણ હું કોઈ પર પુરુષને અડકીશ પણ નહિ. મારે તો નિષ્કામ પરમાત્મા સાથે પરણવું છે. હું લગ્ન કરીશ, તો શ્રીકૃષ્ણ સાથે જ. પત્રના અંતમાં રૂકમણીએ પોતાનો દૃઢ નિશ્ર્ચય જણાવ્યો. યસ્યાઙ્ ધ્રિપઙ્કજરજ:સ્નપનં મહાન્તો વાગ્છન્ત્યુમાપતિરિવાત્મતમોડપહત્યૈ । યર્હ્યમ્બુજાક્ષ ન લભેય ભવત્પ્રસાદં જહ્યામસૂન્ વ્રતકૃશાગ્છતજન્મભિ:સ્યાત્ ।। ભા.સ્કં.૧0.અ.૫૨.શ્ર્લો.૪3. ભલે સેંકડો જન્મ કેમ ન લેવા પડે પરંતુ વરીશ તો તમને જ, આવો દૃઢ નિશ્ચય હોય, તો ભગવાન મળે જ. આપ મારો સ્વીકાર નહિ કરો તો હું આ શરીરનો ત્યાગ કરીશ. શ્રીકૃષ્ણ સિવાય બીજો કોઇ પતિ થઈ શકે નહિ.