ઘરમાં રહી પતિ પત્ની સત્સંગ કરે, કૃષ્ણકીર્તન કરે તો એવો ગૃહસ્થાશ્રમ સંન્યાસાશ્રમને પણ શરમાવે છે. સુશીલા વિચારે કે મારા પતિ ઈશ્વરનું ભજન કરે છે. કથા કરવા કોઈ દિવસ બહાર ગયા નથી. ઘરમાં કથા કરે છે. પતિ કથા કરે અને પત્ની સાંભળે. તમે પણ તમારા ઘરમાં આ પ્રમાણે કરજો. જે સાંભળ્યું છે તે બોલશો તો તે વાત બુદ્ધિમાં સ્થિર થશે. સુદામાના ઘરમાં ઘણીવાર બાળકોને ખવડાવવા માટે કંઈ હોતું નથી. બાળકો માતાને બહુ પજવે છે મા, ભૂખ લાગી છે. મને કાંઈક ખાવાનું આપ. સુશીલા પોતાની જાતને ધિક્કારે છે. મને પરમાત્માએ માતા બનાવી પણ ખાવાનું કાંઈ આપ્યું નથી. સુશીલાથી બાળકોની આ દશા જોવાતી નથી, દારિદ્રયનું દુ:ખ સહન થતું નથી. અકળાઈને એક દિવસ પતિદેવને કહ્યું:-નાથ! મારે તમને એક પ્રાર્થના કરવી છે. આપે કથામાં કહ્યું છે, કનૈયો બહુ પ્રેમાળ છે. તેને મિત્રો બહુ વહાલા લાગે છે. કનૈયો મિત્રો માટે ચોરી પણ કરતો. સુદામા જવાબ આપે છે:-હા, દેવી. તે વાત સાચી છે. લાલાએ જાતે માખણ કોઇ દિવસ ખાધું નથી. મિત્રોને ખવડાવ્યું છે. સુશીલા કહે છે:-તમે કનૈયાના મિત્ર છો. તમે તેને મળવા જાવ તો, આપણું દુઃખ દૂર થાય. સુદામા કહે છે:-હું ગરીબ છું. શ્રીકૃષ્ણને મળવા જઈશ તો પણ લોકો કહેશે કે આ બ્રાહ્મણ માંગવા આવ્યો છે. એટલે જવાની ઇચ્છા થતી નથી. મારો નિયમ છે કે હું પરમાત્માને દ્વારે પણ માગવા નહિ જાઉં. સુશીલા કહે છે:-હું એમ નથી કહેતી કે તમે માંગવા જાવ. પરમાત્માને હજાર આંખો છે. તમને જોતાં જ તે સર્વ હકીકત સમજી જશે. તે એવા ઉદાર છે કે તે આત્માનું પણ દાન કરે છે. ત્યાં માંગવા નહિ પણ મળવા જાવ. સુદામા દુ:ખથી કહે છે, દેવી,હું અત્રે નવરો બેસી રહેતો નથી. સુશીલા કહે છે:-પણ શ્રીકૃષ્ણનાં દર્શન કરવા માટે દ્વારકા જાવ. સુદામા કહે છે:-હું અહીં જ તેમનાં દર્શન કરું છું. હું મારા શ્રીકૃષ્ણને મનથી મળું છું. રોજ તેને રિઝાવું છું. શરીરના મિલનમાં થોડું સુખ છે. પણ મનથી મળું છું તેમાં અનેક ગણો આનંદ મળે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૦
સુશીલા કહે છે:-પણ તમે ત્યાં પ્રત્યક્ષ દર્શન કરવા માટે જાવ. કોઈના દ્વારે જવાનું નહિ, તેવી તમારી પ્રતિજ્ઞા છે. કોઈના દ્વારે જવાનું નહિ એટલે કોઈ જીવના દ્વારે જવાનું નહિ. પણ આ તો ઈશ્વર છે. પરમાત્માને દ્વારે જવામાં સંકોચ ન રાખવો જોઈએ. પ્રભુના દ્વાર સર્વને માટે ખુલ્લા છે, પરમાત્માનાં દ્વારે જવું છે તો સંકોચ શા માટે રાખો છો ? કનૈયો તમને મળશે. આલિંગન આપશે. તમારા મિત્રને તમે મળવા જાવ. સુદામા જ્ઞાની તપસ્વી બ્રાહ્મણ હતા. એ તો જયાં બેસે ત્યાં દ્વારકાનાથનાં દર્શન કરે છે. પણ પત્નીના આગ્રહથી દ્વારકા જવા તૈયાર થયા. સુદામા વિચારે છે, આજ દિન સુધી મારી પત્નીએ મને કાંઈ કહ્યું નથી. આજે હું તેનું અપમાન કરું તે ઠીક નથી. એટલે સુદામા કહે છે:-દેવી! મિત્રને મળવા જવા તૈયાર છું. પરંતુ ભગવાનનાં દર્શન કરવા ખાલી હાથે ન જવાય. કાંઈકે ભેટ લઈ જવી જોઇએ. ઘરમાં કાંઈક હોય તો આપો, કે જેથી કનૈયાને ભેટ આપી શકું. ગરીબ હતા, ઘરમાં કાંઈ ન હતું. સુશીલા પડોશીના ઘરે ગઈ, બે મુઠ્ઠી પૌંવા મળ્યા. પૌંવા માંગી લાવી. એક ફાટેલા ચીંથરામાં તે બાંધ્યા. પૌંવા બાંધવા કટકો પણ ન મળ્યો એટલે બે ચાર ચીંથરામાં ભેગા કરી, સઘળા પૌંવાની પોટલી બાંધી. ધન્ય છે સુશીલાને કે એક પણ પૌંવાનો દાણો તેણે બાળકો માટે ઘરમાં રાખ્યો નહીં. ભગવાનને માટે જે લાવી છું તે સર્વસ્વ ઠાકોરજીને અર્પણ કરવું છે. તે નાની પોટલી સુશીલાએ પતિદેવ સમક્ષ મૂકી અને કહ્યું કે આ ભેટ દ્વારકાનાથને અર્પણ કરજો. તમને આવી ભેટ આપતાં સંકોચ થાય તો તમે દ્વારકાધીશને મારું નામ દઇને કહેજો કે તમારી ભાભીએ આ ભેટ મોકલી છે. પત્નીના કહેવાથી મને શ્રીકૃષ્ણનાં દર્શન થશે એમ વિચારી સુદામા દ્વારકા જવા નીકળ્યા, ફાટેલી પોતડી પહેરી છે, હાથમાં લાકડી અને બગલમાં પોટલી દબાવી છે. સુશીલા વિચારે છે કે, આજે મેં મારા પતિદેવને બહુ ત્રાસ આપ્યો છે. તેઓ કેટલાય દિવસથી ભૂખ્યા છે, તેઓ કેમ ચાલી શકશે? શું થશે? મેં ભૂલ કરી છે. એમની જવા માટે ઈચ્છા ન હતી, પણ મેં પરાણે મોકલ્યા, પણ શું કરું? આ બાળકો બહુ ત્રાસ આપે છે. તેઓની દશા મારાથી જોવાતી નથી. સુશીલાએ સૂર્યનારાયણની પ્રાર્થના કરી છે. મારા પતિ કોઈના દ્વારે ગયા નથી. તે આજે જાય છે. હે સૂર્યનારાયણ મારા પતિ પંદર દિવસથી ભૂખ્યા છે. મારા પતિદેવની સાથે રહેજો. મારા પતિદેવનું રક્ષણ કરજો. હું ગરીબ બ્રાહ્મણી તમને શું આપું? હું તમને વંદન કરું છું.