તે પછી શ્રીકૃષ્ણ સુદામાને પૂછે છે, મિત્ર, તારું લગ્ન થયું છે કે નહિ ? કહેને, મારા ભાભી કેવાં છે? સુદામા કહે છે:-લગ્ન થયાં છે. પત્ની લાયક છે, બાળકો છે. બધી હકીકત સુદામા કહે છે. પરંતુ કહેતા નથી કે ઘરમાં કંઈ ખાવાનું નથી. સુદામા કહે છે:-મિત્ર તારી ભાભીમાં નામ પ્રમાણે ગુણો છે, સુશીલ છે. તને શું કહું? તારી ભાભીના કહેવાથી હું તને મળવા આવ્યો છું. સુદામા સ્વગત કહે છે કે જે પત્નીએ મને પરમાત્માનાં દર્શન કરાવ્યાં, તેને હું કેમ ભુલું? શ્રીકૃષ્ણ કહે છે:-મારા ભાભી લાયક છે તો તો તેણે મારે માટે જરૂર કંઈક મોકલ્યું હશે. લક્ષ્મીજી કહે છે:-નાથ! તમે આજ્ઞા કરો તો તમારા મિત્રને ઘરે ઘણું મોક્લું. કૃષ્ણ કહે:- મારે તેને કાંઈ આપવું નથી. મારે તો મારા મિત્રનું ખાવું છે. લક્ષ્મીજી કહે છે:-આ ગરીબ તમને શું આપવાનો હતો? કૃષ્ણને દુઃખ થયું મારા મિત્રને ગરીબ કહ્યો. મારા મિત્રને ગરીબ કહેનાર તું કોણ? આવું બોલવું હોય તો દેવી તમારી અત્રે જરુર નથી. લક્ષ્મીજી વિચારે છે, મેં તેમના મિત્રને ગરીબ કહ્યો તેથી આમ કહે છે. મને પણ કહે છે કે તું અહીથી જા, મને ઘરમાંથી કાઢી મુકશે અને આને ઘરમાં રાખશે કે શું? લક્ષ્મીજીને લાગ્યું કે આજના શ્રીકૃષ્ણ જુદા છે. લક્ષ્મીજી માફી માગે છે. નાથ! મારી ભૂલ થઇ, ક્ષમા કરો. સુદામાએ પૌંવાની પોટલી બગલમાં દબાવેલી. સુદામાને એવા સુકા પૌંવા ભગવાનને આપતાં સંકોચ થાય છે. ભગવાને ભેટ માંગી એટલે સુદામા પોટલી વધારે છુપાવવા લાગ્યાં. ભગવાન મનમાં હસે છે. તે દિવસે ચણા સંતાડી રાખ્યા અને આજે પૌંવા છુપાવે છે. મારો કાયદો છે કે જે મને ન આપે તેને હું કાંઈ આપતો નથી. આજે ઝુંટવીને ખાવું પડશે. સુદામા જયાં પોટલીને છુપાવે છે, ત્યાં તો ભગવાને આ શું છે એમ કહીને, ભગવાને જાતે થઇને પૌંવાની પોટલી બગલમાંથી ઝુંટવી લીધી.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૩
સ્વયં જહાર કિમિદમિતિ પૃથુકતણ્ડુલાન્ ।। ભા.સ્કં.૧0.અ.૮૧.શ્ર્લો.૮. ભગવાન પૌંવા ખાવા લાગ્યા, લૌકિક દ્દષ્ટિએ બે મૂઠી પૌંવા હશે. પણ સુદામાનું તે સર્વસ્વ હતું. સુદામાના પ્રારબ્ધકર્મ પ્રમાણે તેઓ દૃરિંદ્ર હતા. વિધાતાએ સુદામાના કપાળમાં લખ્યુ હતું. શ્રીક્ષયઃ પ્રભુ જ્યારે સુદામાને ચંદનનું તિલક કરવા ગયા ત્યારે કપાળમાં આ વાંચેલું. દારિદ્રયનો યોગ લખ્યો છે તે લેખને હું ઉલટાવી દઉં. ભગવાને ત્યાં લખ્યું, યક્ષ શ્રી: કુબેરના ઘરે જે સંપત્તિ નથી તે મારા મિત્રને મારે આપવી છે. તે પ્રારબ્ધ કર્મો ક્ષીણ કરવા સુદામાના પૌંવા ભગવાન આરોગે છે. શ્રીકૃષ્ણ તે પૌંવા આરોગી પોતે જમ્યા, એટલે તેઓ મારફત આખું જગત જમ્યું, કારણ તેઓ સર્વાત્મા છે. એટલે શ્રીકૃષ્ણે પોતા મારફત આખા જગતને જમાડવાનું પુણ્ય સુદામાને નામે જમા કર્યું. આ પુણ્યથી તેનાં એટલે કે સુદામાના સર્વ પ્રારબ્ધ કર્મો બળી ગયાં. શ્રીકૃષ્ણ સુદામાને કહે છે, મિત્ર! ગોકુળમાં હતો ત્યારે મારી મા યશોદા આવી રીતે મને પૌંવા ખાવા આપતી હતી, યશોદામાનું સ્મરણ થતાં આંખો અશ્રુભીની થઇ. મિત્ર, ત્યાર પછી આજે જ પૌંવા ફરીથી ખાવા મળ્યા. સુદામાના પૌંવા સુtકા ન હતા. તે પ્રેમમાં પલળેલા હતા. એક મુઠ્ઠી પૌંવા આરોગી ગયા, તેના બદલામાં ભગવાને દ્વારકાનું ઐશ્વર્ય સુદામાને ત્યાં મોકલ્યું. સુદામાએ વિચાર્યું, મારે મારા દુ:ખની કથા મારા ભગવાનને કહેવી નથી. ભગવાને વિચાર્યું, આ કાંઈ કહેતો નથી, તો મેં તેને શું આપ્યું તે મારે પણ કહેવું નથી. બીજે દિવસે સુદામાદેવે કહ્યું, આજે મારે ઘરે જવું છે, સુદામાને આશા હતી, શ્રીકૃષ્ણ બેચાર દિવસ રહેવા માટે જરૂર આગ્રહ કરશે. આગ્રહ કરશે તો બેચાર દિવસ અહીં રહીશ, તેથી વિવેક ખાતર કહ્યું, કે આજે જવું છે. પરંતુ ભગવાને વિચાર્યું, મેં ત્યાં સર્વ ઐશ્વર્ય મોકલ્યું છે. પણ સુશીલાએ ભોજન કર્યું નથી. સુશીલા કહે છે કે મારા પતિદેવ ન આવે ત્યાં સુધી આ બધું દુ:ખરૂપ છે. કૃષ્ણે વિચાર્યું, મિત્રને આગ્રહ કરી વધારે રોકીશ તો ભાભી દુ:ખી થશે. એટલે કૃષ્ણે કહ્યું, મિત્ર, આજે જ જવું છે તો જાવ, મારો આગ્રહ નથી. સુદામા બ્રાહ્મણ છે. પવિત્ર છે. નિરપેક્ષ છે. પોતાની પોતડી પહેરી લીધી. જવા તૈયાર થયા ભગવાન પરીક્ષા કરે છે કે આ કાંઈ માંગે છે? પણ સુદામાએ જીભ બગાડી નથી. શ્રીકૃષ્ણ સુદામાને વળાવવા જાય છે. વિદાય વેળાએ કહે છે, મિત્ર, તું બીજી વખત આવે ત્યારે ભાભીને પણ સાથે લાવજે. એકલો ન આવતો અને સાંભળ ઘરે જઈ મારા ભાભીને મારા પ્રણામ કહેજે. આખું જગત જેને વંદન કરે છે તે શ્રીકૃષ્ણ એક ગરીબ બ્રાહ્મણની પત્નીને પ્રણામ કરે છે. મારી મા યશોદા ગોકુળમાં હતી ત્યારે મને ભેટ આપતી હતી. તે પછી એવી ભેટ મને મારા ભાભીએ આપી છે. સુદામાને આલિંગન આપ્યું, સુદામા વિદાય થયા છે. આંખો પ્રેમથી અશ્રુભીની થઈ છે. લોકો મારા કૃષ્ણનાં જે વખાણ કરે તે ઓછા છે.