સ્કંધ એકાદશ અગિયારમાં સ્કંધમાં આગળના એકથી દશ સ્કંધોનો ઉપસંહાર છે. તેમાંનું જ્ઞાન કપિલગીતા, પુરંજના આખ્યાન, ભવાટવીનું વર્ણન વગેરેમાં આવી જાય છે. અગાઉના દશ સ્કંધોમાં આવેલું જ્ઞાન ઉપસંહારરૂપે ફરીથી એકાદશ સ્કંધમાં કહેવામાં આવ્યું છે. એકાદશ સ્કંધ ભગવાનનું મુખ છે. તેમાં પૂર્ણ જ્ઞાન ની કથા છે. અત્યાર સુધી જે ઉપદેશ આપ્યો તેના ઉપસંહારરૂપ આ એકાદશ સ્કંધ છે. નવમા સ્કંધમાં ઇશાનુકથા કહી, દશમ સ્કંધમાં નિરોધ લીલાની વાત આવી. શ્રીકૃષ્ણની કથા અનંત છે, લીલા પણ અનંત છે. તે અનંતનો અંત આવતો નથી, પણ આ કથાગંગા પ્રગટ થઈ ત્યારથી ભાગીરથી ગંગાનો મહિમા ઘટયો છે. ભાગીરથી ગંગામાં સ્નાન કરવાને માટે પૈસાની જરુર છે. આ કૃષ્ણકથા ગંગામાં સ્નાન કરવા માટે પૈસાની જરૂર પડતી નથી. ગંગા ગમે તે સ્થળે આવી શકતી નથી. આ કૃષ્ણગંગા જ્યાં ઈચ્છો ત્યાં પ્રાપ્ત છે અને સુલભ છે. ગંગાસ્નાનથી દેહશુદ્ધિ થાય છે, મનશુદ્ધિ થતી નથી. આ કૃષ્ણકથાગંગાથી મન શુદ્ધિ થાય છે. શ્રીકૃષ્ણનું સ્મરણ ચિંતન કરતાં મન પ્રભુ સાથે મળી ગયું એટલે એકાદશ સ્કંધમાં મુક્તિલીલા છે. જેના મનનો નિરોધ થાય છે તેને મુક્તિ જલદી મળે છે, દશમ સ્કંધમાં મનનો નિરોધ થયો એટલે મુક્તિ મળે છે. મનની મુક્તિ કરવાની છે. આત્મા તો સદા મુક્ત જ છે. જીવ વિષયોનું ચિંતન કરવાનું છોડી ઇશ્વરના ચિંતનમાં લાગે, તો તેને મુક્તિ જ છે. જીવ પોતે અજ્ઞાનથી માની લે છે કે હું બંધાયેલો છું. વાસ્તવિક રીતે જીવને કોઈએ બાંધેલો નથી. સંસારના વિષયોનો મેલ જેનો દૂર થાય છે, તેને મુક્તિ મળે છે. મોહ, વિવેક, વૈરાગ્ય, તત્ત્વજ્ઞાન વગેરેથી દૂર થાય છે. મનમાં વિરોધ વાસના રાખશો નહિ, તો નિરોધ જલદી થશે. મુક્તિ તેને મળે છે કે જેનો વૈરાગ્ય દૃઢ થયો છે. એકાદશ સ્કંધનો પહેલો અધ્યાય વૈરાગ્યનો છે. વૈરાગ્ય વિના ભક્તિ થતી નથી. વૈરાગ્ય વિચાર કરવાથી આવે છે. મનને સમજાવવું કે તું કામ સુખનું ચિંતન કરે છે એ તો ઝેર છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૬
મન જ્યારે સુખનું ચિંતન કરે ત્યારે મનને સમજાવવું કે એ ઝેર છે. આજ દિન સુધી ઘણો અનુભવ કર્યો. શાંતિ મળી છે? ઈશ્વર વિના, પવિત્ર વિચાર વિના વૈરાગ્ય આવતો નથી. સંસારના પ્રત્યેક વિષયમાં વૈરાગ્ય ન આવે, ત્યાં સુધી શુદ્ધ ભક્તિનો આરંભ થતો નથી. જયારે સંસારના પ્રત્યેક વિષય તરફ વૈરાગ્ય આવે, ત્યારે જાણજો કે ઇશ્વર પ્રત્યે ભક્તિનો ઉદય થયો છે. સત્ અસત્ નો વિચાર કરવાથી વૈરાગ્ય થાય છે. વિવેક જાગે તે પછી વૈરાગ્ય ઉત્પન્ન થશે. સંસારના સર્વ જડ પદાર્થ દુ:ખરૂપ છે. તે અસત્ છે. ચેતન પરમાત્મા આનંદરૂપ છે, તે એક જ સત્ છે. નિશ્ર્ચય કરો, સંસારના વિષયો સુખરૂપ નથી પરંતુ પરિણામે તે દુ:ખરૂપ છે. જે વસ્તુ દેખાય છે તે ક્ષણિક છે, દુઃખરૂપ છે. વિષયોના સંયોગમાં સુખ થાય છે, તેના કરતાં અનંતગણું દુ:ખ વિયોગમાં થાય છે. વૈરાગ્ય માટે આ પહેલો અધ્યાય છે. જીવને વૈરાગ્ય ત્યારે થાય છે, જ્યારે તેને ખરી વસ્તુસ્થિતિનું જ્ઞાન થાય છે. જીવનમાં જ્યાં સુધી ધક્કો લાગે નહિ, ત્યાં સુધી વૈરાગ્ય થતો નથી. તુલસીદાસ યુવાનીમાં પોતાની પત્ની પાછળ આસક્ત હતા. પત્ની પિયર ગઈ હતી, ચોમાસાની ભયંકર રાત્રી હતી. તુલસીદાસજી પત્નીને મળવા નીકળ્યા છે. નદીમાં પૂર હતું. શબને લાકડું સમજી, નદી પાર કરી, સસરાના મકાન પાસે આવ્યા. મકાનમાં દાખલ થયા. વૃક્ષ પર ચઢ્યા, સર્પને દોરડું સમજી તેના સહારે મકાનમાં દાખલ થયા. આટઆટલા સંકટની પરવા કર્યા વિના, સંકટ સહન કરી પત્ની પાસે આવ્યા. પત્ની તે વખતે તેમને ધમકાવવા લાગ્યાં. જે શરીરને મળવા હવે તમે આટલું કષ્ટ વેઠયું તે શરીરમાં શું બળ્યું છે? તે ફક્ત હાડમાંસનો લોચો છે, આ શરીરની ચામડી કાઢી લીધા પછી તેને જુઓ તો ઘૃણા થશે. મારા આ હાડમાંસના શરીર ઉપર તમે જેવો પ્રેમ કરો છો, તેવો પ્રેમ રામજી ઉપર કરો. તો તમારું જીવન ધન્ય બની જશે. આ ભયંકર સંસારથી તમારી મુક્તિ થઈ જશે. હાડ માંસકી દેહ મમ, તાપર જિતની પ્રીતિ । તિસુ આધી જો રામ પ્રતિ અવસિ મિટિહિ ભવભીતિ ।। આ વચનો સાંભળી તુલસીદાસજીને આંચકો લાગ્યો. જ્ઞાન થયું અને તે જ પળે ત્યાંથી ચાલી નીકળ્યા. સમગ્ર જીવન રામજીની સેવામાં સમર્પણ કર્યું. ભગવાનને આ સંસારની પ્રવૃત્તિ બાધક લાગે છે એટલે તે છોડીને પ્રભુ શયન કરે છે.