ઘણાને જીવનના લક્ષ્યની ખબર નથી. માનવ-જીવનનું લક્ષ્ય પરમાત્માને પ્રાપ્ત કરવાનું. માનજો પ્રભુએ મને ઘણું આપ્યું છે. મનને રોજ સમજાવવું કે મારી લાયકાત કરતાં ઠાકોરજીએ મને ઘણું વધારે આપ્યું છે. શ્રીકૃષ્ણકથા સાંભળવાથી હ્રદય શુદ્ધ થાય છે. કથા સાંભળવાથી પાપ બાળે છે. પ્રભુનું ભજન કરો તો ઇશ્વર કૃપા કરશે જ. માટે પ્રભુનું ભજન કરો. ઉદ્ધવ! મેં તો તારા ઉપર કૃપા કરી છે. પરંતુ હવે તું તારી જાત ઉપર કૃપા કર. વિચાર કરો, અજામિલ જેવા પાપી ઉપર ભગવાને કૃપા કરી. તો મારા ઉપર કૃપા શું નહિ કરે? અજામિલ ચોરી કરતો. તેણે વેશ્યા રાખી હતી. તેવાનો પણ ભગવત કૃપાથી ઉદ્ધાર થયો. હવે એવો સંકલ્પ કર કે આ જન્મમાં મારે ભગવાનનાં દર્શન કરવા છે. ઉદ્ધવ! એવો દૃઢ નિશ્ર્ચય કર કે આ જન્મમાં મારે દ્વારકાનાથને ચરણે જવું છે. હવે ભયંકર કળિકાળ આવશે. વિધિપૂર્વક કર્મ થશે નહિ. ભવિષ્યમાં મનુષ્ય જન્મ મળે તો પણ સંગનો દોષ લાગશે. ઉદ્ધવ! તું જ તારો ગુરુ છે. તને તારી જાત ઉપર લાગણી ન થાય ત્યાં સુધી બીજાને તારા ઉપર કેમ લાગણી થાય ? ઉદ્ધવ! અંદરથી લાગણી ન થાય ત્યાં સુધી જીવન સુધરતું નથી. માટે તું તારો ગુરુ થઈ, જીવન સુધારવા પ્રયત્ન કર. ઉદ્ધવ, મારા સિવાય જે દેખાય છે, તે મિથ્યા છે એમ માન. ભગવાન કહે છે:-ઉદ્ધવ! તારું ધન હું માગતો નથી, તારું મન માંગુ છું. ઉદ્ધવ! સર્વમાં એક ઇશ્વરનાં દર્શન કરજે. ઉદ્ધવ, તારું મન મને આપ. ભગવાન ધન માગતા નથી, પણ મન માંગે છે. સમય માંગે છે. ઉદ્ધવ પ્રાર્થના કરે છે:-પ્રભુ મને આત્મતત્ત્વનો ઉપદેશ કરો. આપના વગર કોણ તે ઉપદેશ કરી શકશે? ભગવાન કહે છે:-અનેક પ્રકારનાં શરીરોનું મેં નિર્માણ કર્યું છે. પરંતુ તે સૌમાં મનુષ્ય શરીર મને અત્યંત પ્રિય છે. આ મનુષ્ય શરીરમાં એકાગ્રચિત્ત તીક્ષ્ણબુદ્ધિવાળો પુરુષ ઇશ્વરનો સાક્ષાત્ અનુભવ કરી શકે છે. તે કેવી રીતે, એ સંબંધમાં એક પ્રાચીન ઇતિહાસ કહેવામાં આવે છે. એ અવધૂત દત્તાત્રેય અને યદુરાજાનો સંવાદરૂપ છે. ઉદ્ધવ! આવા પ્રશ્ર્નો યદુરાજાએ શ્રી દત્તાત્રેયને કરેલા. યદુરાજાએ ત્રિકાલદર્શી અવધૂત બ્રાહ્મણને સહ્યાદ્રિ પર્વતની તળેટીમાં નિર્ભય વિચરતા જોયા. યદુરાજાએ તેમને પ્રશ્ર્ન કર્યો. તમારું શરીર પુષ્ટ છે, એવું મારું શરીર નથી. જોઉં છું કે સંસારના મોટા ભાગના લોકો કામ અને લોભના દાવાનળમાં બળી રહ્યાં છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૧
પરંતુ આપને તે અસર કરતા નથી. આપ મુકત છો. આપ તો આપના સ્વરૂપમાં કેવળ સ્થિત રહો છો. આપને આત્મામાં આવા અનિર્વચનીય આનંદનો અનુભવ કેવી રીતે થાય? આપની પાસે કઇ સિદ્ધિ છે? દત્તાત્રેયજી કહેવા લાગ્યાં:- રાજા, મેં નિશ્ચય કરી લીધો છે, કે સંસારની જડ વસ્તુઓમાં આનંદ નથી. જડ વસ્તુમાંથી મનને હઠાવી, સર્વના દ્રષ્ટા આત્માસ્વરૂપમાં દ્રષ્ટિ સ્થિર કરી, હું દ્રષ્ટાને નિહાળું છું. દ્રષ્ટામાંથી દ્દષ્ટિ હઠાવી, જે કેવળ દ્રષ્ટાને જુએ છે, તેને આનંદ મળે છે. દત્તાત્રેયજી કહે છે:-રાજન્, આનંદ બહાર નથી. વિષયોમાં નથી. પણ અંદર છે. "હું પણા" ને ભૂલી ગયો છું જગતના વિષયોમાંથી દ્દષ્ટિ હઠાવી લઈ, મેં દ્દષ્ટિને અંતર્મુખ કરી છે. હું મારા સ્વરૂપમાં સ્થિત છું. પ્રારબ્ધ અનુસાર જે મળે તેમાં આનંદ માનું છું. તું પણ તારા મનને સુધાર. તારા મનને રોકવા બીજો કોણ આવશે? તારા મનને તારે જ રોકવું પડશે. દીક્ષા ગુરુ એક. પણ શિક્ષાગુરુ અનેક હોઇ શકે. મેં એક નહિ પણ ચોવીસ ગુરુઓ કર્યા છે. આ મને જ્ઞાન મળ્યું છે, તે મારા અનેક ગુરુઓ પાસેથી મળ્યું છે. મારા ગુરુઓનાં નામો તારે જાણવા છે તો સાંભળ. (૧) ધરતી, મારો પહેલો ગુરુ છે. પ્રભાતે હું તેને વંદન કરું છું. હાથ ક્રિયાશક્તિનું પ્રતીક છે. નિશ્ર્ચય કરો આજથી પરમાત્માને ગમે તેવાં કાર્યો કરવાં છે. હે નાથ, હું શરણે આવ્યો છું. મા જેમ બાળકને સાચવે છે તેમ મને સાચવજો. પ્રાતઃકાળમાં આ પ્રમાણે પ્રાર્થના કરી હોય તો ભગવાન સાચવશે. ધરતી કેટલું સહન કરે છે? ધરતી પાસેથી મેં ગુણ લીધો છે કે ખૂબ સહન કરવું. ખુબ સહન કરજો. કોઈ પ્રત્યે કુભાવ ન રાખજો. (૨) વાયુ પાસેથી મેં સંતોષ અને અસંગપણાનો બોધ લીધો. (૩) આકાશ પાસેથી મેં બોધ લીધો કે આકાશની જેમ ઇશ્વર પણ સર્વવ્યાપક છે. આકાશની જેમ આત્મા કોઈથી લેપાતો નથી. (૪) મેં જળને ગુરુ કર્યા છે. તેની પાસેથી મને બે તત્ત્વ શીખવા મળ્યાં:-શીતળતા અને મધુરતા. જળ જેમ, સાધકે રાગ દ્વેષ મળથી રહિત થઈ, શુદ્ધ થવું અને રહેવું. સાધકે મધુર ભાષી થવું જોઈએ. સ્વભાવને બરફ જેવો ઠંડો અને મઘુર રાખજો. (પ) તું નહિ માને પણ અગ્નિને પણ મેં ગુરુ કર્યા છે, અગ્નિ પાસેથી હું પવિત્રતા શીખ્યો. વિવેકરૂપી અગ્નિ જો હૈયામાં પ્રગટે તો કોઈ પાપને તે હૈયામાં આવવા દે નહિ, હૈયામાં રાખે નહિ. વિવેક એ અગ્નિ છે. કોઇ વ્યક્તિનું પાપ મનમાં રાખશો નહિ. નહિતર તે વ્યકિત તરફ કુભાવ થશે. બીજાના પાપનો મનથી વિચાર કરવો એ પાપ છે. બીજાનું પાપ સાંભળતાં વેંત જ તેને વિવેક અગ્નિથી બાળી નાખો.