(૬) ચંદ્ર પાંસેથી હું ક્ષમતા શીખ્યો. વૃદ્ધિ-હાસ સર્વ અવસ્થા શરીરની છે. આત્માનો તેની સાથે સંબંધ નથી. સંપત્તિમાં શાન રાખજો, ભાન ભૂલશો નહિ અને વિપત્તિમાં દુ:ખી થશો નહિ. (૭) સૂર્યની જેમ પરોપકારી થવું, પણ તેનું અભિમાન કરવું નહિ. સૂર્ય આકાશમાં એક જ સ્વરૂપમાં છે. તે છતાં જ્યારે તેનું પ્રતિબિંબ જુદા જુદા પાણીથી ભરેલાં પાત્રોમાં પડે છે. ત્યારે સૂર્ય અનેક રૂપોવાળા હોય એમ લાગે છે. તે પ્રમાણે આત્મા એક છે. પણ દેહાદિ ઉપાધિઓના કારણે તે અનેક સ્વરૂપવાળો લાગે છે. વાસ્તવમાં આત્મા ઉપાધિઓથી પણ રહિત છે. (૮) હોલા-કબૂતરના પ્રસંગ ઉપરથી હું શીખ્યો, કોઈ વ્યક્તિ, વિષય કે વસ્તુમાં અતિ આસક્તિ રાખવી નહિ. હોલો પત્ની, પુત્રની આસક્તિના કારણે પોતે પણ વિલાપ કરતો, નાશ પામ્યો. કોઈના મરણ પાછળ રડવું નહિ. રડનારો પોતે એક દિવસ જાતે પણ જવાનો છે. તો તમે તમારે માટે જ રડો ને! કારણ તમારી પણ એ જ દશા થવાની છે. મનુષ્યે બીજાને માટે રડવું નહિ, પોતાને માટે જ રડવું જોઈએ. બીજા માટે રડવાનું છોડી, ચેતી જઈ, પોતે પોતાનું હિત સાધવા પ્રયત્ન કરો. (૯) અજગરની જેમ પ્રારબ્ધ અનુસાર જે કાંઈ મળે તેમાં સંતોષ રાખવો. (૧૦) સમુદ્રની જેમ મનુષ્યે સંપૂર્ણ કામભોગો મળે ત્યારે હરખાવું નહિ. અને કામભોગો ન મળે ત્યારે અસંતોષ કરવો નહિ. સમુદ્ર વર્ષા ઋતુમાં ઘણી નદીઓનાં જળથી છલકાઈ જતો નથી અને ઉનાળામાં ઘણી નદીઓનાં પાણી નહિ મળવાથી સુકાઈ પણ જતો નથી. (૧૧) રાજન્! પતંગિયું પણ મારો ગુરુ છે. પતંગિયું રૂપથી, અગ્નિના રૂપથી મોહિત થઈ તેમાં પડે છે, અને બળી મરે છે. તેમ મનુષ્ય માયાના રૂપથી મોહીને તેમાં ફસાય છે, અને પતંગિયાની જેમ નાશ પામે છે. મનુષ્યનું મન પતંગિયાં જેવું છે. એકલા સૌંદર્ય પાછળ ઘેલા ન થાવ. સૌંદર્ય પાછળ ઘેલા થવાથી નાશ થાય છે. જગતમાં જે વિષયો ઉપર ઉપરથી સુંદર લાગે છે તે વાસ્તવમાં સુંદર નથી. સુંદરતા એ મનની કલ્પના માત્ર છે. તેનો નાશ થાય છે. ફકત મારો શ્રીકૃષ્ણ એક જ સુંદર છે. માટે તે મનમોહનમાં જ તારા મનને લગાવ. (૧૨) રાજન્! મેં એકવાર ભ્રમરને પણ મારો ગુરુ કર્યો. ભ્રમરની જેમ સર્વમાંથી સાર ગ્રહણ કરવો. પરંતુ ભ્રમરની જેમ એક કમળમાં આસક્તિ કરવી નહિ. કમળની ગંધથી લોભાઈ ભ્રમર હમણાં અહીંથી થોડી વાર પછી ઊડી જઇશ. થોડી વધારે મજા હજુ લઈ લેવા દે. એવા વિચાર તે કરતો રહે છે. ત્યાં સાયંકાળ થતાં કમળની પાંખડીઓ બીડાઈ જતાં તેમાં પૂરાઈ જાય છે. ભ્રમરમાં લાકડાંને કોતરવાની શક્તિ છે. તેમ છતાં આવા કોમળ કમળને કોરીને તે બહાર આવતો નથી. કારણ આસક્તિ ખરી ને. (૧3) રાજન્! મારો તેરમો ગુરુ છે હાથી. સ્પર્શસુખની લાલચથી હાથીનો નાશ થાય છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૨
હાથીને પકડનારાઓ એક મોટો ખાડો ખોદે છે. અને તે ખાડો ડાળી, પાંદડાં વડે ઢાંકે છે, અને ઉપર એક લાકડાની હાથણી રાખે છે. હાથી આ લાકડાની હાથણીને સાચી માની તેનો સ્પર્શ કરવા આવે છે, અને ખાડામાં પડે છે. અને કયાં તો તે બંધાઇ જાય અથવા બીજા હાથીઓ તેનો નાશ કરે છે. પુરુષ સાધકે સ્ત્રીનો સંગ ન કરવો. અને સ્ત્રી સાધકે પુરુષનો સંગ ન કરવો. વધુ શું કહુ? સાધક સંન્યાસીએ લાકડાની સ્ત્રીને પગથી પણ સ્પર્શ ન કરવો. પદાપિ યુવતી ભિક્ષુર્ન સ્પૃશેદ્ દારવિમપિ । (૧૪) પારધી મધમાખીઓએ એકઠું કરેલું મધ લઈ જાય છે તેમ યોગી ઉદ્યમ વિના જ ભોગ મેળવી શકે છે. ધનનો સંગ્રહ ન કરવો. ધનનું દાન કરવું. (૧૫) રાજન્! સ્પર્શ સુખથી હાથીના નાશની મેં કથા કહી, હવે શ્રવણસુખથી હરણના નાશની કથા કહું છું. શિકારીના સંગીતથી મોહિત થઇ હરણ સંગીતના સૂર માં લીન થઇ જાય છે, અને અંતે જાળમાં પડી બંધાઈ જાય છે. તેથી યોગીએ વિષય, ગીત, નૃત્ય સેવવાં નહિ. (૧૬) હવે રસસુખથી માછલીનો નાશ થાય છે, તેની કથા કહું છું. જીભના સ્વાદની લાલચે માછલું લોઢાના કાંટામાં રાખેલ માંસનો ટુકડો ખાવા દોડે છે અને અંતે કાંટાથી વિંધાઈ જઈ મૃત્યુ પામે છે. આ લૂલી મનુષ્યોને બેહાલ કરે છે. જીભના સુખથી મનુષ્ય નાશ પામે છે. તેથી તો કહ્યું છે, કે સર્વ ઇન્દ્રિયોને જીતી હોય પણ આ લૂલી જીભને જીતી ન હોય, ત્યાં સુધી તે જિતેન્દ્રિય કહેવાય નહિ. પરંતુ આ જીભને જેણે જીતી, આ રસનાને જેણે વશ કરી તેણે સર્વસ્વ જીત્યું. જિતં સર્વૈ જિતે રસે ।। ઉપર પ્રમાણે ટૂંકમાં પાંચ વિષયોની કથા કહી છે, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ, શબ્દસુખથી હરણનો, સ્પર્શસુખથી હાથીનો, રસના સુખથી માછલીનો, રૂપના સુખથી પતંગિયાનો અને ગંધના સુખથી ભ્રમરનો નાશ થાય છે. આ પ્રમાણે આ બિચારા એક જ વિષયોને સેવવા જાય છે કે સેવે છે, તો પણ તેનો નાશ થાય છે. ત્યારે આ મનુષ્યોમાં પાંચેય વિષયોને સેવવાની શક્તિ છે. અને જે તે પાંચેય વિષયોને સેવે, તો તેના શા હાલ થાય, તે તું વિચારી લેજે. અને તેથી જ તો ગરુડ પુરાણ, કે જેને લોકો મરનારની પાછળ વંચાવે છે તે ખરેખર તો મૃત્યુ પહેલાં જ સંભળાવવા જેવું છે. તેમાં લખ્યું છે કે:- કુરંગમાતંગપતંગભૃંગમીના હતા પંચભિરેવપંચ ।। એક: પ્રમાદી સ કથં ન હન્યતે ય: સેદતે પંચભિરેવપંચ ।। પતંગિયુ, હાથી, હરણ, ભ્રમર અને માછલું, એ પાંચ એક એક વિષયોમાં આસક્ત થવાથી માર્યા જાય છે, તો પ્રમાદી મનુષ્ય પાંચે ઈન્દ્રિયોથી પાંચે વિષયો સેવે, તે કેમ ન માર્યો જાય? (૧૭) રાજન્! તમને વધુ શું કહુ? મેં તો વેશ્યાને પણ મારી ગુરુ બનાવી છે. રાજાએ પૂછ્યું, વેશ્યા પણ તમારી ગુરુ? તે કેવી રીતે સંભવે? દત્તાત્રેયજી ભગવાન બોલ્યા:-રાજા, તેની કથા આ પ્રમાણે છે. પિંગલા નામની એક વેશ્યા હતી. કોઈ એક ધનવાન હજી આવી ચઢે તો મને પૈસા મળે એ આશાથી પિંગલા જાગરણ કરે છે. ભજ ગોવિન્દં, ભજ ગોવિન્દં , ગોવિન્દં ભજ, મૂઢ મતે ।। વેશ્યા કામસુખ માટે આતુર બની, પરંતુ તેને શાંતિ મળી નહિ. કામસુખમાં શાંતિ નથી. મોટામાં મોટું દુ:ખ કામભોગ ભોગવવાની ઈચ્છા છે. (૧૮) કુશળ પક્ષી ટિટોડી પાસેથી શીખ્યો કે કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો. પરિગ્રહનો ત્યાગ સુખદાયી છે. (૧૯) બાળક મારો ગુરુ છે. બાળક પાસેથી નિર્દોષતા શીખવા મળે છે.