Bhagavat : મનની સ્થિતિ બતાવી હવે ઈન્દ્રિયોની દશા જુઓ.
પ્રહલાદ ( Prahlad ) કહે છે:-હું પાંચ વર્ષનો છું છતાં મારાં છ લગ્નો થયા છે. છ ઈન્દ્રિયો ( Six senses ) સાથે છ લગ્નો થયાં છે. આ છ ઇન્દ્રિયો મારી પત્નીઓ છે. આ ઈન્દ્રિયોરૂપી પત્નીઓ મને સુખ લેવા દેતી નથી. ઇન્દ્રિયોરૂપી સ્ત્રીઓ મને બહુ નચાવે છે. આ ઇન્દ્રિયોને ( senses ) તૃપ્તિ
થતી નથી.
ખાવાથી તૃપ્તિ થતી નથી. ભોગથી તૃપ્તિ થતી હોત, તો અનેક જન્મોથી જીવ ભોગ ભોગવતો આવ્યો છે, પણ કયાં તેને
તૃપ્તિ થઇ છે? ભોગથી તૃપ્તિ નથી. તૃપ્તિ ત્યાગથી થાય છે.
આ લૂલી મને બહુ નચાવે છે. લૂલીને રાજી કરવા જાઉં છું, તો આંખો બહુ ત્રાસ આપે છે. ચાલ સિનેમા જોવા.
ફિલ્મ જોવાથી શું મનોરંજન મળે છે? મનોરંજન અર્થાત આત્માનંદ તો મન નિર્વિષય થાય અને ઈન્દ્રિયો
આત્મસ્વરૂપમાં લીન થાય, ત્યારે મળે છે. ત્યારે સાચો આનંદ મળે છે.
સાચું સુખ કયાં છે, સાચો આનંદ કયાં છે, તેની મનુષ્યને ખબર નથી. આંખોને જ્યાં સમજાવું છું, ત્યાં કાન મને શ્રવણ કરવા માટે ખેંચે છે. રેડિયો ઉપર સિનેમાના ગીતો સાંભળ્યા વગર તેને ચેન પડતું નથી. જેને માનવ જીવન સફળ કરવાની ઈચ્છા છે, તે શ્રૃંગારના ગીતો સાંભળે નહીં. સ્પર્શ સુખ મને પજવે છે. જાણું છું, પણ કાંઈ કરી શક્તો નથી. જાણું છુ કે શરીરમાં હાડકામાંસ છે. પણ ડહાપણ ટકતું
નથી.
આ ઈન્દ્રિયોએ અનેક સ્ત્રીઓના પતિ જેવી મારી દુર્દશા કરી છે, તેણે મારી કેવી દશા કરી તે તો જુઓ.
જિહ્વૈક્તોડચ્યુત વિકર્ષતિ માડવિતૃપ્તા શિશ્નોડન્યતસ્ત્વગુદરં શ્રવણં કૃતશ્ર્ચિત્ ।
ધ્રાણોડન્યતશ્ર્ચપલદૃક્ ક્વ ચ કર્મશક્તિર્બહ્વય: સપત્ન્ય ઈવ ગેહપતિં લુનન્તિ ।।
અચ્યુત! આ કોઈ પણ દિવસ તૃપ્ત ન થનારી જીભ, મને સ્વાદિષ્ટ રસો તરફ ખેંચતી રહે છે, જનનેન્દ્રિય વિષય ભોગ
માટે સુંદર સ્ત્રીની તરફ, ચામડી કોમળ સ્પર્શસુખ તરફ, પેટ ભોજન તરફ, કાન મધુર સંગીત તરફ, નાક ભીની ભીની સુગંધ તરફ,
અને આ ચપળ નેત્રો, સૌંન્દર્ય તરફ મને ખેંચતા રહે છે. આ સિવાય કર્મેન્દ્રિયો, પોતપોતાના વિષયો તરફ લઈ જવાને જોર કરતી
જ રહે છે. મારી તો એવી દશા છે કે જાણે એક પુરુષને અનેક સ્ત્રીઓ હોય, જેઓ પોતપોતાના શયનગૃહમાં લઈ જવાને માટે ચારે
તરફથી જાણે ઘસડતી ન હોય.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૦
એક ચોર ચોરી કરવા ગયો. કોઇ સાહેબનું ઘર હતું, સાહેબની બે પત્નીઓ હતી, ઉપરવાળી સાહેબના વાળ પકડી ઉપર
ખેંચે છે. નીચે વાળી પગ પકડીને નીચે ખેંચે છે. પલંગ નીચે ભરાયેલો ચોર હસે છે. તેથી તે પકડાઈ ગયો. ચોરને પકડી રાજા પાસે
લાવ્યા. ચોર કહે હું ચોરી કરવા ગયેલો. મને બધી સજા કરજો પણ આ સાહેબ જેવી સજા ન કરશો. મેં સાહેબની દશા નજરે જોઇ
છે. આ સાહેબની કથા નથી. જીવાત્માની કથા છે.
પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષયો. એ સાચા પતિ નથી, છતાં પતિ થવા માંગે છે. પણ વાસ્તવિક રીતે ઈન્દ્રિયોના પતિ
પરમાત્મા છે. ઇન્દ્રિયો પરમાત્મા સાથે સૂએ છે, ઇન્દ્રિય વિષય સાથે સૂઈ શકતી નથી. તૃપ્તિ ભોગમાં નથી, તૃપ્તિ ત્યાગમાં છે.
ઈન્દ્રિયોના વેગને સહન કરશો, તો સુખી થશો.
ભોગ ભોગવવાથી વાસના વધે છે. ભોગો ભોગવવાથી ઇન્દ્રિયોનું પોષણ થતું નથી, ઊલટો ક્ષય થાય છે. ઈન્દ્રિયોને
પુષ્ટિ મળે છે ભક્તિથી-ભક્તિરસથી. વિષયોનું ચિંતન કરવાથી શક્તિનો ક્ષય થાય છે. ઈશ્ર્વરનું સ્મરણ કરવાથી શક્તિ મળે છે.
પ્રહલાદ કહે છેઃ-આપ કહો છો કે સંસારનો મોહ ન રાખો અને મારું ભજન કરો, પણ ભજન કરવું કેવી રીતે? આપે આ
સંસારના સુંદર વિષયોમાં એવું આકર્ષણ રાખ્યું છે કે મોટા મોટા વિદ્વાનો આમાં ભૂલા પડે છે. માયાએ સંસારનાં વિષયમાં એવું
આકર્ષણ ભર્યું છે, એવી મીઠાશ ભરી છે, કે ભલભલા તેમાં ભૂલા પડયા છે. સંસારનું સુખ વિષ છે, તેમ છતાં અમૃત જેવું લાગે.
સંસારના વિષયોમાં આવું આકર્ષણ રાખ્યું જ શા માટે? હે નાથ! આ જગતમાં આવા સુંદર પદાર્થો તમે બનાવ્યા જ શા માટે કે જેથી
ઇન્દ્રિયો લલચાય અને તેમાં ફસાય?
નાથ! હું બાળક છું. મારી ભૂલ થાય તો ક્ષમા કરજો. પ્રહલાદે સહેજ ઠપકો આપ્યો. તમે આ જગત બહું સુંદર બનાવ્યું, તેથી
ઇન્દ્રિયોને મોહ થાય છે. આ જગતના વિષયો એવા સુંદર બનાવ્યા છે, કે આંખને દેખાય એટલે ચિત્ત ચંચળ થાય.આવો સુંદર
સંસાર બનાવ્યો ન હોત તો? આપ કહો છો કે, ઇન્દ્રિયોને કાબુમાં રાખો, પણ આ બધું સુંદર દેખાય એટલે ડહાપણ રહેતું નથી.