
Bhagavat : એક હંસ અને હંસી આનંદથી રહેતાં હતાં, હંસી સુંદર હતી. ફરતાં ફરતાં એક દિવસ સાંજ પડી ગઈ, તેથી એક ઝાડ ઉપર
બેઠાં. ત્યાં કાગડાનો માળો હતો. હંસે કાગડા પાસે રાત રહેવા દેવા માગણી કરી હંસિણી સુંદર હતી. કાગડાએ સુંદર હંસિણી ઉપર
દાનત બગાડી. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જે આંખથી પાપ કરે છે તે બીજા જન્મમાં કાગડો થાય છે. કાગડાએ હંસ-હંસીને પોતાના
માળામાં રહેવા દીધાં. બીજા દિવસે તે હંસીને છોડતો નથી. કાગડો હંસને કહે, હંસી તો મારી છે. હંસીને નહિ છોડું. હંસ કહે હંસી
મારી છે. બંનેએ નક્કી કર્યું. ચાલો આપણે ન્યાયાધીશ પાસે ન્યાય કરાવીએ. બંને ન્યાયાધીશ પાસે ગયા. ન્યાયાધીશ કહે, તમારી
હકીકત સાંભળ્યા પછી હું ન્યાય આપીશ. કાગડો વધુ હોંશિયાર. એકલો ન્યાયાધીશને ઘરે મળવા ગયો અને ન્યાયાધીશને કહ્યું,
તમારા માતાપિતા કયાં છે હું જાણું છું. કાગડો એ પિતૃદૂત છે.
તમે મારું એક કામ કરો તો હું તમારું કામ કરીશ. આવતી કાલે એવો ન્યાય આપજો કે હંસી કાગડાની છે. એવો ન્યાય
આપશો તો તમારા પિતૃઓ કઈ યોનિમાં છે તે હું તમને બતાવીશ. ન્યાયાધીશ લલચાયા. બીજે દિવસે તેમણે અસત્ય નિર્ણય
આપ્યો. કાગડાની ઝડપ હંસ કરતાં વધારે હોય છે. તેથી ન્યાયાધીશે કહ્યું, હંસીને જે પહેલો આંબી જાય તેની હંસી. કાગડો પહેલો
હંસીને આંબી ગયો. ન્યાયાધીશ કહે કે હંસી કાગડાની છે. તે પછી ન્યાયાધીશ કાગડાને પૂછે છે મારાં માતાપિતા ક્યાં છે? કાગડો
તેને એક ઉકરડા પાસે લઈ ગયો અને કહ્યું આ કીડી તારી મા છે અને આ મંકોડો તારો બાપ છે. જેનો પુત્ર આવો ખોટો ન્યાય આપે
તેના માતાપિતાની આવી દુર્ગતિ જ થાય છે. જે બાપ થયો છે, તેને માથે બહુ જવાબદારી હોય છે. જે પિતા પુત્રને સારા
સંસ્કાર ન આપે તે પિતા પુત્રનો વેરી છે.
પ્રહલાદ( Prahlad ) ! તું ગભરાઈશ નહિ. તારા પિતાનો ઉદ્ધાર થયો છે. વધુ શું કહું? તારે લીધે તારી એકવીશ પેઢી પવિત્ર થઈ છે.
શુકદેવજી ( Shukdevji ) વર્ણન કરે છે:-રાજન! હવે તને સમજાયું ને કે ભગવાન જે દૈત્યોને મારે છે તેને તારે છે. ભગવાનના મારમાં પણ કરુણા
છે.
નિષ્કામ ભગવાનનું ચિંતન કામભાવથી કરતી ગોપીઓ ભગવાનમય બની, શિશુપાલ ક્રોધથી ભગવાનનું ચિંતન કરતો
ભગવાનમય બન્યો, કંસ બીકથી-ભયથી ભગવાનનું ચિંતન કરતો ભગવાનમય બન્યો.
કામભાવથી ગોપીઓની તન્મયતા થઈ. વેર-દ્વેષભાવથી શિશુપાલની તન્મયતા થઈ હતી. અને ભયથી કંસની
તન્મયતા થઈ હતી. દૃઢ વેરભાવથી અથવા તો વેરહીન ભક્તિભાવથી, ભયથી, સ્નેહથી અથવા કામનાથી કોઇ પણ રીતે
ભગવાનમાં મનુષ્યે પોતાનું મન સંપૂર્ણપણે લગાડવું જોઈએ. ભગવાનની દ્રષ્ટિએ આ ભાવોમાં ભેદ નથી. કોઇ પણ રીતે
ભગવાનમાં તન્મયતા થવી જોઈએ.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૦૬
ભગવાનના દ્વારપાળ જયવિજયના ત્રણ અવતારો નીચે પ્રમાણે થયા છે.
(૧) હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ:-એ લોભનો અવતાર.
(૨) રાવણ-કુંભકર્ણ:-એ કામનો અવતાર.
(૩) શિશુપાલ-દંતવક્ર:-એ ક્રોધનો અવતાર છે.
પ્રહલાદજીએ પિતાના શરીરનો અગ્નિસંસ્કાર કર્યો, બ્રહ્માજીએ ( Brahmaji ) પ્રહલાદનો રાજ્યાભિષેક કર્યો. નૃસિંહભગવાનને ( Lord Nrisimha ) આનંદ થયો છે. પ્રહલાદ નૃસિંહસ્વામીને વંદન કરે છે. નારદજી ( Naradji ) ધર્મરાજાને આ ચરિત્ર સંભળાવે છે. નારદજીએ પ્રહલાદની કથા પ્રેમપૂર્વક સંભળાવી. તેમ છતાં ધર્મરાજા યુધિષ્ઠિરના મુખ ઉપર તેમણે ગ્લાનિ જોઈ. નારદજીએ જોયું કે ધર્મરાજા લમણે હાથ રાખી ઉદાસ થઇ બેઠા છે. નારદજી વિચાર કરે છે, મારી કથામાં કાંઈ ભૂલ તો નથી થઈ? કથામાં રાજાને આનંદ થયો જણાતો નથી.
નારદજીએ યુધિષ્ઠિરને તેનું કારણ પૂછ્યું. તમારા મુખ ઉપર આનંદ દેખાતો નથી. તમે ચિંતામાં બેઠા છો. તમે શાની
ચિંતા કરો છો? ધર્મરાજા જવાબ આપે છેઃ-પાંચ વર્ષના પ્રહલાદનું જ્ઞાન, વૈરાગ્ય અને પ્રેમ કેવો? ધન્ય છે પ્રહલાદને, પ્રહલાદના
પ્રેમને કે જેનું વચન સત્ય કરવા પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા. હું પંચાવન વર્ષનો થયો. મને હજુ એકવાર પણ પ્રભુનાં દર્શન થયાં
નથી. મારું જીવન પશુ માફક ગયું. પૈસાની પાછળ પશુ ની જેમ ભટકયો, ભૂખ લાગી ત્યારે ખાધું, ઊંઘ આવી ત્યારે સૂતો. વાસના
જાગી ત્યારે કામાંધ થયો. મનુષ્ય થઈ પ્રભુ માટે એક પણ સત્કર્મ કર્યું નહિ. ધિક્કાર છે મને. મારું જીવન કૂતરાં બિલાડાં માફક
ગયું. હું હજુ પ્રભુપ્રેમમાં પાગલ થયો નથી. મને હજુ ભગવાન ન મળ્યા, ત્યારે આ પાંચ વર્ષના પ્રહલાદને ભગવાન મળ્યા.
પ્રહલાદનો પ્રેમ કેવો હશે? એની ભક્તિ કેવી હશે કે તેનું વચન સત્ય કરવા માટે ભગવાનને થાંભલામાંથી પ્રગટ થવું પડયું.
જગતમાં પ્રતિષ્ઠા, માન મળ્યા પણ મને પરમાત્મા મળ્યાં નથી એ વિચારે હું ઉદાસ છું.