
શુકદેવજી વર્ણન કરે છે. રાજન્! તે પછી દક્ષને ત્યાં આઠ કન્યાઓ થઈ, તેમાંથી અદિતિના ઘરે બાર બાળકો થયાં છે.
તેમાંના એકનું નામ ત્વષ્ટા. ત્વષ્ટા પ્રજાપ્રતિના પુત્ર વિશ્વરૂપ થયા.
એક દિવસ ઈન્દ્ર સિંહાસન ઉપર બેઠો હતો. બૃહસ્પતિ ઈન્દ્રની સભામાં આવ્યા. દેવોના તથા પોતાના ગુરુ બૃહસ્પતિ
ત્યાં પધાર્યા છતાં ઈન્દ્રએ ઉભા થઈ તેમનું સ્વાગત કર્યું નહિ, ઈન્દ્ર ઉઠીને ઉભો થયો નહીં. બૃહસ્પતિ માનની અપેક્ષા રાખે છે,
ધનની નહીં. પોતાના આ અપમાનથી બૃહસ્પતિએ દેવોનો ત્યાગ કર્યો, ઇન્દ્રને શ્રાપ આપ્યો, તું દરિદ્રી થશે.
સંપત્તિમાં જે શાનભાન ભૂલે છે, તે દરીદ્રી ન થાય, ત્યાં સુધી સાનભાન ઠેકાણે આવતું નથી.
આ શુભ અવસર જાણી દૈત્યોએ દેવો સાથે યુદ્ધ આરંભ્યું. સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું. દેવો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ
દેવોને ઠપકો આપ્યો. બ્રાહ્મણનું અપમાન કરવાથી તમે દરિદ્રી થયા છો. બ્રાહ્મણની સેવા કરો. બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણને ગુરુ માની
બૃહસ્પતિની ગાદી ઉપર બેસાડો.
દેવોએ પૂછયું:-એવા બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ કોણ છે ?
બ્રહ્માએ કહ્યું:-ત્વષ્ટા પ્રજાપતિનો પુત્ર વિશ્વરૂપ બ્રહ્મનિષ્ઠ છે.
વિશ્વ એટલે જગત. વિશ્વ એટલે વિષ્ણુ ભગવાન. વિશ્વના પ્રત્યેક પદાર્થમાં વિષ્ણુને જુએ તે વિશ્વરૂપ.
સોની આકારને મહત્ત્વ આપતો નથી, કેવળ સોનું જ જુએ છે. તેવી રીતે જ્ઞાની પુરુષ બહારના આકારને મહત્ત્વ આપતા
નથી. આકારમાંથી વિકાર ઉત્પન્ન થાય છે.
વિશ્વરૂપ સર્વમાં, જડ-ચેતનમાં ઈશ્વિરની ઝાંખી કરતો હતો. વેરીને શત્રુભાવથી નહી ઇશ્વરભાવથી જુઓ. સર્વમાં
ભગવદ્ભાવ રાખવો કઠણ છે. રસ્તામાં સોભાગ્યવતી સ્ત્રી મળે તો લક્ષ્મીની ભાવના થાય છે, પણ વિધવા મળે તો મોઢું બગાડે છે.
પરંતુ વિધવા તો ગંગા જેવી પવિત્ર છે.
વિશ્વરૂપ બ્રહ્મજ્ઞાની છે. કેવળ બ્રહ્મજ્ઞાની નહિ, બ્રહ્મદ્દષ્ટિ પણ છે. બ્રહ્મદ્દષ્ટિ રાખનારો બ્રહ્મોપદેશ કરી શકે છે.
વિશ્વરૂપનો આશ્રય કરી, દેવો દૈત્યોનો પરાભવ કરે છે. દૈત્યો કોણ? કામ, ક્રોધ, વગેરે દૈત્યો છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૭૨
બૃહસ્પતિનું અપમાન કરવાથી ગયું હતું તે પાછું મળ્યું. આથી ઇન્દ્રે સમર્થ બની આસુરોની સેનાને જીતી લીધી.
નારાયણ કવચ, કવચ એટલે બખ્તર. વીર પુરુષો લોઢાના બખ્તરને ધારણ કરે છે, તેમ આ મંત્રાત્મક બખ્તર છે.
શુકદેવજી વર્ણન કરે છે-આ મંત્ર જપ કરવા ઇચ્છનાર પ્રથમ અંગ ન્યાસ, કર ન્યાસ કરે. શરીરમાં પ્રત્યેક અંગનો ન્યાસ
કરી, આ મંત્રનો જપ કરવાનો છે. નારાયણ કવચ,
જલેષુ માં રક્ષતુ મત્સ્યમૂર્તિર્યાદોગણેભ્યો વરુણસ્ય પાશાત્ ।
સ્થલેષુ માયાબટુવામનોડવ્યાત્ ત્રિવિક્રમ: ખેડવતુ વિશ્ર્વરૂપ: ।।
મહાત્સ્યમૂર્તિ ભગવાન જળની અંદર જળતંતુઓથી અને વરુણના પાશથી મારી રક્ષા કરો. માયાથી બ્રહ્મચારીનું રૂપ
ધારણ કરવાવાળા વામન ભગવાન સ્થળ ઉપર અને વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન, આકાશમાં મારી રક્ષા કરો.
તેનૈવ સત્યમાનેન સર્વજ્ઞો ભગવાન્ હરિ: ।
પાતુ સર્વૈ: સ્વરુપૈર્ન: સદા સર્વત્ર સર્વગ: ।।
આ વાત નિશ્ચિતરૂપથી સત્ય છે. આ કારણથી સર્વજ્ઞ, સર્વવ્યાપક ભગવાન શ્રીહરિ સદા સર્વત્ર, સર્વ સ્વરૂપોથી અમારી
રક્ષા કરો.
આ નારાયણ કવચનો છેલ્લો શ્લોક અગત્યનો છે. તે યાદ રાખવાનો છે. જયારે કાંઈ ભય લાગે, મનમાં ઉદ્વેગ થાય તો આ
શ્લોકનો પાઠ કરવો. એક જ મારા ભગવાન અનેક સ્વરૂપ ધારણ કરી ક્રીડા કરે છે.
સ્વપ્નમાં એકમાંથી અનેકની ઉત્પત્તિ થાય છે. સ્વપ્નનો સાક્ષી સાચો છે.જાગૃત અવસ્થામાં જે કાંઈ દેખાય છે તે
એકમાંથી નીકળ્યું છે. આ સઘળું જગત ઈશ્વરરૂપ છે. એમ માનો તો મનુષ્ય નિર્ભય થાય.
નારાયણ કવચનો આશ્રય કરી, દેવોએ દૈત્યોનો નાશ કર્યો. જેથી દેવોને સ્વર્ગનું રાજ્ય મળ્યું. નારાયણ કવચને આધારે
દેવોએ સ્વર્ગનું રાજ્ય મેળવ્યું.
વિશ્વરૂપનું મોસાળ દૈત્યકુળમાં હતું. વિશ્વરૂપ સર્વમાં બ્રહ્મનિષ્ઠા રાખનારો. રાક્ષસમાં તે ઈશ્વરના રૂપને જુએ છે. તેનો
અભેદભાવ સિદ્ધ થયો હતો. તેથી તે દૈત્યોને પણ યજ્ઞની આહૂતિ આપે છે.
સર્વમાં હું છું. આ બીજો ઉપભોગ કરે છે તે હું છું. હું ને વ્યાપક બનાવો. ‘હું’ને સંકુચિત બનાવશો, તો દુ:ખી થશો.
વિશ્વરૂપની બ્રહ્મનિષ્ઠા એટલી સિદ્ધ થયેલી કે રાક્ષસમાં પણ તે પરબ્રહ્મને જુએ છે.