ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર 2021
મંગળવાર.
મુંબઈ-ગુજરાત વચ્ચેની ટ્રેનોનાં પ્રવાસ દરમિયાન પ્રવાસીઓ તૃતીયપંથી અને ભિખારીઓના ત્રાસથી કંટાળી ગયા છે. રિઝર્વ ડબ્બામા ધૂસી આવીને પૈસા માટે હેરાન કરનારા આ લોકો સામે કાર્યવાહી કરવા માટે ટ્રેનમાં કોઈ પોલીસ પણ ઉપલબ્ધ નહીં હોવાની પણ વખતોવખત પ્રવાસો દ્વારા ફરિયાદ થઈ રહી છે. જોકે વેસ્ટર્ન રેલવેના કહેવા મુજબ બહારગામની ટ્રેનોમાં રેલવે પ્રોટેકશન ફોર્સ(આરપીએફ)ના જવાન હોય છે. તેમ જ પ્રવાસીઓ 139 નંબર પર પણ મદદ માગી શકે છે.

તાજેતરમાં જ અમદાવાદથી મુંબઈ આવી રહેલી કર્ણાવતી ટ્રેનમાં ભિખારી અને હિજડાઓ પ્રવાસીઓને હેરાન કરી મૂક્યા હોવાનો બનાવ બન્યો હતો. ટ્રેનમાં અમદાવાદથી બેઠેલા પ્રવાસીના જણાવ્યા મુજબ સુપર ફાસ્ટ ટ્રેન હોવાથી રિઝર્વ ડબ્બામાં ગમે તેને ધુસવાની મંજૂરી નથી હોતી. છતાં ટ્રેન જેવી બરોડા પહોંચી તે સાથે જ પહેલા તો ભિખારીઓ આવીને પૈસા માગવાનું ચાલુ કર્યું હતું. એટલું ઓછું હોય તેમ થોડા સમય બાદ ડબ્બામાં હીજડાએ પ્રવેશ કર્યો હતો. સવાર સમયમાં લોકો ટ્રેનમાં સુતા હોય છે ત્યારે આ લોકો આવીને પૈસા માંગતા હોય છે. પૈસા માટે જોરજોરથી તાળી વગાડીને બધાને જ ડિસ્ટર્બ કરતા હોય છે. પૈસા આપે નહીં ત્યાં સુધી સીટ પાસેથી ખસતા જ નહોતા. આ લોકોની એટલી દાદાગીરી હોય છે કે કોઈ તેમને મોઢે લાગતું નથી. આ દરમિયાન ટ્રેનમાં પોલીસ આવે તો તેની ફરિયાદ કરે એવો વિચાર કરતા હતા પરંતુ મુંબઈ સુધી ટ્રેનમાં એક પણ પોલીસનો જવાન કે પછી ટીસી દેખાયો નહોતો. ટ્રેનની આટલી મોંઘી ટિકિટ ખરીદીને પ્રવાસ કરતા હોય તો પ્રવાસીની સુરક્ષાનું શું? ટ્રેનમા ના પોલીસ ના તો કોઈ સિસ્ટમ.
વેસ્ટર્ન રેલવેના પ્રવક્તા કહેવા મુજબ આવી સુપરફાસ્ટ ટ્રેન હોય કે પછી અન્ય ટ્રેન હોય, તેમાં ભીખારી કે પછી તૃતીય પંથીઓને મંજૂરી જ નથી. છતાં જો આ લોકો ટ્રેનમાં આવી જાય અને હેરાન કરતા હોય તો પ્રવાસી 139 નંબર પર ફરિયાદ કરી શકે છે. એ સિવાય ટ્રેનમાં પોલીસ પણ રાઉન્ડ મારતી હોય છે. તેને પણ પ્રવાસી ફરિયાદ કરી શકે છે.
