ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑક્ટોબર, 2021
સોમવાર
નવી મુંબઈમાં આવેલી ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ની સવારે ખૂલેલી બજારોને અમુક માથાભેર માથાડી કામદારોએ જબરદસ્તીથી બંધ કરાવી દીધી હોવાનો બનાવ બન્યો છે. એને કારણે બજારમાં વેપારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ચારથી પાંચ માથાડી કામદારોએ જબરદસ્થી બધા પાસે દુકાનો બંધ કરાવી રહ્યા હોવાની વાત વાયુવેગે ફેલાતાં અન્ય વેપારીઓએ પણ ફટાફાટ પોતાની દુકાનાનો શટર નીચે કરી દીધાં હતાં. એથી બજારમાં સૂનકાર વ્યાપી ગયો હતો.
મહાવિકાસ આઘાડી સરકારે જાહેર કરેલા આજના મહારાષ્ટ્ર બંધમાં અત્યાવશ્યક સેવામાં ગણાતી APMCની દાણાબજાર, મસાલા માર્કેટ વગેરે ખુલ્લી રહેવાની હતી. જોકે અમુક માર્કેટોએ આ બંધમાં તેઓ જોડાવાના ન હોવાની જાહેરાત કરી હતી. અત્યાવશ્યક સેવાને બંધમાંથી બાકત રાખવામાં આવતી અનાજ-કરિયાણા, શાકભાજી વગેરે બજારો ખોલવામાં આવી હતી. જોકે સવારના 11.00 વાગ્યાની આસપાસ ચારથી પાંચ કહેવાતા માથાડી કામદારોએ આવીને દુકાનો બંધ કરાવી દીધી હતી.
મસાલા માર્કેટ સાથે જોડાયેલા વેપારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે સોમવારનો દિવસ તો બજારમાં ઉઘરાણીનો મોટો દિવસ હોય છે. એમાં સૌથી પહેલા તો સામાનનું લોડિંગ અન લોડિંગ કરનારા માથાડી કામદારોની જ ઉઘરાણી હોય છે. છતાં ચારથી પાંચ માથાડી કામદારોએ સવારના બજારમાં આવીને તમામ દુકાનોને જબરદસ્તીથી બંધ કરાવી દીધી હતી. તહેવારોનો સમય ચાલી રહ્યો છે. ઘરાકી માંડ ઊપડી છે, એમાં આ લોકોની આવી દાદાગીરીથી વેપારીઓને તો નુકસાન છે, પણ સાથે માથાડીઓને પણ નુકસાન છે, એટલી પણ તેમને ભાન નથી પડતી.
દાણાબજાર સાથે સંકળાયેલા અન્ય વેપારીએ કહ્યું હતું કે સરકારે પહેલાં જ કહ્યું હતું કોઈ જબરદસ્તી નહીં હોય અને અત્યાવશ્યક સેવા સાથે જોડાયેલા લોકોએ ડરવાની જરૂર નથી. તેઓ પોતાની દુકાનો ખોલી શકશે. એથી APMC બજારમાં વેપારીઓએ દુકાનો ખોલી હતી, પરંતુ 11 વાગ્યાની આસપાસ આ કહેવાતા ગુંડાઓએ જબરદસ્તીથી દુકાનો બંધ કરાવી દીધી હતી. એથી બજારમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.
શાકભાજી અને ફ્રૂટ માર્કેટ સાથે સંકળાયેલા અન્ય એક વેપારીએ કહ્યું હતું શાકભાજી તો અત્યાવશ્યક સેવામાં આવે છે. છતાં આ લોકોના માણસોએ રાતના બે વાગ્યે આવીને જ શાકભાજી-ફ્રૂટનું લોડિંગ-અનલોડિંગ અટકાવી દીધું હતું.