News Continuous Bureau | Mumbai
- ભારતીય રેલવે: ચાલો કાશ્મીર જઈએ!
Chenab River: ચિનાબ નદીના ઊંડા લીલા પાણીને માપતો વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ, તમને ઠંડા પવનોની સાથે સાહસનો એક અનોખો અનુભવ કરાવે છે. ઊંચી-ઊંચી પર્વતમાળાઓથી ઘેરાયેલો, ચિનાબ નદી પરનો આ પુલ સમુદ્ર સપાટીથી 359 મીટર ઉપર છે – ઊંચાઈમાં એફિલ ટાવર કરતા 35 મીટર ઊંચો છે, અને કુતુબ મિનાર કરતા લગભગ પાંચ ગણો ઊંચો છે! વાદળોનો મુગટ પહેરીને, પર્વતોની છાતી પર પહોળા અને મજબૂત પાયાના ટેકા સાથે મજબૂત રીતે ઉભો રહેલો, આ પુલ ભારતીય રેલવેની ટેકનિકલ ચેતનાનું પ્રતીક તો છે જ, ઉપરાંતમાં આધુનિકીકરણ માટેની આપણી આકાંક્ષાઓની યાદ પણ અપાવે છે. અત્યાધુનિક મશીનરી અને જાળવણીથી સજ્જ, 266 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનનો સામનો કરવા સક્ષમ, ચિનાબ બ્રિજ ઉધમપુર – શ્રીનગર – બારામુલ્લા રેલવે લિંક (USBRL) ની ઉત્કૃષ્ટ ઉપલબ્ધિઓનું દ્યોતક છે.
લગભગ ₹37,000 કરોડના ખર્ચે નિર્મિત, USBRL ની 272 કિમી લાંબી રેલવે લાઇન વિશ્વના સૌથી જટિલ અને પડકારજનક પ્રોજેક્ટ્સમાંની એક છે. દુર્ગમ ઊંડી ખીણો અને ઊંચા પર્વતોમાંથી પસાર થતી આ રેલવે લાઇન 943 પુલો અને 36 મુખ્ય ટનલોમાંથી પસાર થાય છે, જેમાં ભારતની સૌથી લાંબી રેલવે ટનલ, T-50, જે 12.77 કિમી લાંબી છે, તેનો સમાવેશ થાય છે. USBRLના કટરા-બનિહાલ સેક્શન પર ભારતનો પહેલો કેબલ-સ્ટેડ રેલવે બ્રિજ, અંજી ખડ્ડ બ્રિજ છે. 96 કેબલ્સના આધારે ટકેલો, સમુદ્રની સપાટીથી 331 મીટર ઊંચો અને 725 મીટર લાંબો, આ પુલ ડિઝાઇન અને એન્જિનિયરિંગનો અજાયબી છે.
આ સમાચાર પણ વાંચો: Arvind Kejriwal Delhi elections : અરવિંદ કેજરીવાલ માટે ભારે સાબિત થયો શનિવાર, 64 બેઠકો જીતનાર આમ આદમી પાર્ટી 11 પર સમેટાઈ ગઈ
Chenab River: કાશ્મીરને વ્યાપક અને નિર્વિરોધ કનેક્ટિવિટી પૂરી પાડતી આ લાઇન વિશ્વના કેટલાક સૌથી આકર્ષક અને સુંદર પરિદ્રશ્યોને પણ પોતાના અનુભવોમાં સમાવે છે. આ રેલવે લિંકમાં પર્યટન, વેપાર અને સુરક્ષાને વેગ આપવાની ક્ષમતા છે જેનાથી જમ્મુ અને કાશ્મીરના સામાજિક-આર્થિક પરિદ્રશ્યમાં પણ પ્રગતિ થશે. આ લાઇન પર બનેલા રેલવે સ્ટેશનો જમ્મુ અને કાશ્મીરની પ્રગતિ, સુરક્ષા અને સમૃદ્ધિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કાઝીગુંડ, જેને ‘કાશ્મીર ખીણનો પ્રવેશદ્વાર’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દક્ષિણ કાશ્મીર અને પૂર્વીય પ્રદેશો વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરે છે. પમ્પોર, શ્રીનગર, સોપોર અને અનંતનાગ સ્ટેશનો કાશ્મીર ખીણમાં આર્થિક પ્રવૃત્તિના મુખ્ય કેન્દ્રો છે. આ ઉપરાંત, રિયાસી અને કટરા સ્ટેશનો માતા વૈષ્ણોદેવી મંદિરની નજીક હોવાને કારણે આધ્યાત્મિક અને આર્થિક દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે.
ટૂંક સમયમાં, કટરાથી શ્રીનગર સુધીની અત્યાધુનિક વંદે ભારત ટ્રેનનું USBRL રેલવે લાઇન પર નિયમિતપણે સંચાલન થશે, જેની આપણે બધા દેશવાસીઓ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ! અહીં સંચાલિત થનારી વંદે ભારત એક્સપ્રેસ ખાસ કરીને કાશ્મીરની ઠંડી અને હિમવર્ષાની પડકારજનક પરિસ્થિતિઓમાં સુગમ સંચાલન માટે વિશેષરૂપે તૈયાર કરવામાં આવી છે. આધુનિક સુવિધાઓ ઉપરાંત, તેની અદ્યતન હીટિંગ સિસ્ટમ્સ એ સુનિશ્ચિત કરે છે કે આ ટ્રેન, શૂન્યથી નીચેના તાપમાનમાં પણ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ પ્રદાન કરાવે. ડ્રાઇવરની સામેના કાચમાં પણ હીટિંગ ઉપકરણો લગાવવામાં આવ્યા છે, જેથી ઠંડીમાં પણ સ્પષ્ટ દ્રશ્યતા થઈ શકે. કાશ્મીરની પોતાની વંદે ભારત વિશ્વ કક્ષાની યાત્રા માટે તૈયાર છે. ‘કાશ્મીરથી કન્યાકુમારી’ સુધી ભારત હંમેશા એક રહ્યું છે. ભારતીય રેલવેની આ નવનિર્મિત રેલવે લાઇન, આ ક્ષેત્રમાં વર્ષોથી અટકેલા વિકાસ કાર્યને પૂર્ણ કરવાની સાથે કાશ્મીરને નિર્વિરોધ રેલવે કનેક્ટિવિટી પૂરી પાડી રહી છે, જેની સાથે જ સમગ્ર પ્રદેશ વિકાસના નવા પરિમાણો સ્થાપિત કરશે. કાશ્મીર ખીણના ચોકીદાર પીર પંજાલ, બનિહાલ ટનલમાંથી પસાર થતી ટ્રેનના પૈડાના મધુર સંગીતની રાહ જુએ છે! ખરેખર, કાશ્મીર હવે બહુ દૂર નથી!
આ સમાચાર પણ વાંચો: Mahajan Smarak Sea Boat Race: ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા-૨૦૨૫માં ભાગ લેવાની તક, હજીરા પોર્ટથી મગદલ્લા પોર્ટ (૨૧ કિ.મી.) સુધી થશે હોડી સ્પર્ધાનું આયોજન
જયા વર્મા સિન્હા
ભારતીય રેલવેના પૂર્વ અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed




