Drone Didi: ખેડૂતોને મળ્યો નવો સહારો, ગુજરાતની 58 ‘ડ્રોન દીદી’એ આટલા એકરમાં કરાવ્યો દવાનો છંટકાવ

Drone Didi: ગુજરાતની ૫૮ ડ્રોન દીદીએ માત્ર ૯ માસમાં જ ૮,૦૦૦ એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો; રૂ. ૨૪.૬૬ લાખથી વધુની આવક મેળવી

by khushali ladva
Drone Didi Farmers got new support, 58 'Drone Didi' of Gujarat sprayed pesticides in so many acres

News Continuous Bureau | Mumbai

  • ડ્રોન દીદી: મહિલાઓના હાથમાં હવે ડ્રોન ટેકનોલોજીની કમાન
  • આગામી સમયમાં રાજ્યની વધુ ૨૦૬ મહિલાઓને ડ્રોન પાયલટની તાલીમ અને ડ્રોન ખરીદીમાં સહાય આપીને “ડ્રોન દીદી” બનાવાશે: ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ

Drone Didi: ભારતમાં ખેત પદ્ધતિઓને ટેક્નોલોજીના સહારે સમૃદ્ધ બનાવીને દેશનો ખેડૂતો વધુ આવક મેળવતો થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ નવતર પહેલ કરી છે. ખેડૂતોની સાથે-સાથે જ ગ્રામ્ય વિસ્તારની બહેનો પણ પગભર થઈને સ્વનિર્ભર બની શકે તેવા શુભ આશય સાથે વડાપ્રધાનશ્રીએ “નમો ડ્રોન દીદી યોજના”ની પ્રેરણા આપી હતી. નમો ડ્રોન દીદી યોજના એ મહિલા સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની એક મહત્વકાંક્ષી પહેલ છે. જેનો લાભ મેળવીને આજે ગ્રામ્ય વિસ્તારની અનેક મહિલાઓ “ડ્રોન દીદી” બની છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દરેક ક્ષેત્રે અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય “નમો ડ્રોન દીદી યોજના”ની અમલવારીમાં પણ અગ્રીમ હરોળના રાજ્ય પૈકીનું એક છે. ગુજરાતમાં અત્યારે સખી મંડળો સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની ૫૮ મહિલાઓએ ડ્રોન દીદી બનીને પોતાની આવકનો નવો સ્ત્રોત ઉભો કર્યો છે. ગુજરાતની આ ૫૮ ડ્રોન દીદીઓએ માત્ર ૯ માસના સમયગાળામાં જ રાજ્યના ૩,૦૦૦થી વધુ ખેડૂતોની ૮,૦૦૦ એકર જેટલી જમીનમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને રૂ. ૨૪.૬૬ લાખથી વધુની આવક મેળવી છે.
આ સમાચાર પણ વાંચો:
Illegal Indian Immigrants: એક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પ, હવે અમેરિકામાં ગેરકાયદે રહેતા આટલા ભારતીયોને હાંકી કાઢ્યા; આજે રાત્રે ભારત પહોંચશે..

Drone Didi: અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં નમો ડ્રોન દીદી યોજનાના પ્રારંભિક તબક્કે વર્ષ ૨૦૨૩-૨૪માં કેટલીક ફર્ટીલાઇઝર કંપનીઓ દ્રારા પોતના CSR ફંડમાંથી સખી મંડળની આ મહિલાઓને ડ્રોન પૂરા પાડવામાં આવ્યા હતા. જેમાં IFFCO દ્વારા 18, GNFC દ્વારા 20 અને GSFC દ્વારા 20 એમ કુલ મળી ૫૮ ડ્રોન તથા ૫૮ મહિલાઓને ડ્રોન તાલીમ પૂરી પાડવામાં આવી હતી. કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રીનો પ્રતિભાવ ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાતના સખી મંડળની વધુ ૨૦૬ બહેનોને ડ્રોન પાયલટની તાલીમ અને ડ્રોન ખરીદીમાં સહાય આપીને રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં ઓછામાં ઓછી બે “ડ્રોન દીદી” કાર્યરત કરવામાં આવશે. રાજ્યમાં નવી ૨૦૬ ડ્રોન દીદી કાર્યરત થતા ખેડૂતોનો ખેતી ખર્ચ, સમય અને રસાયણિક દવાઓનો અંધાધૂંધ ઉપયોગ ઘટશે તેમજ સખી મંડળની બહેનો માટે રોજગારીની તકોમાં પણ વધારો થશે.
આ સમાચાર પણ વાંચો:
Bhikhudan Gadhvi :લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીના ડાયરાને ‘રામ રામ’, વધતી ઉંમરને કારણે લીધો નિર્ણય

Drone Didi: યોજના હેઠળ મળવાપાત્ર સહાય નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથ સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની બહેનોને DGCAની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ૧૫ દિવસની ડ્રોન પાઇલટની ઘનિષ્ટ તાલીમ, ડ્રોનની ખરીદીમાં ૮૦ ટકા સબસીડી સહાય તેમજ લોનની રકમ ઉપર ૩ ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. એડવાન્સ ટેક્નોલોજીના સુયોગ્ય ઉપયોગથી આજે ડ્રોન દીદી કરીને કૃષિ ક્ષેત્રને નવી દિશાઓ આપી રહી છે. ડ્રોન દીદી બનવા માટેની લાયકાત સ્વ-સહાય જૂથ અથવા ક્લસ્ટર લેવલ ફેડરેશન સાથે જોડાયેલી કોઇપણ ગ્રામ્ય વિસ્તારની મહિલા ડ્રોન દીદી બની શકે છે. મહિલાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ અને ૫૦ વર્ષથી ઓછી હોવી જોઈએ. મહિલાએ ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. લાયકાત ધરાવતી મહિલાઓની રાજ્ય સરકાર દ્વારા પસંદગી કરવામાં આવશે અને DGCA માન્યતા પ્રાપ્ત ડ્રોન પાઇલટ તાલીમ સંસ્થામાંથી ડ્રોન પાઇલટની તાલીમ આપવામાં આવશે. તાલીમ બાદ DGCA પાસેથી રિમોટ પાઇલટ તરીકેનું લાયસન્સ પણ મેળવવાનું રહેશે. મહિલાઓને આવકના નવા સ્ત્રોત ઉપલબ્ધ કરાવીને તેમણે આત્મનિર્ભર બનાવવા, ખેતીને વધુ કાર્યક્ષમ અને ઉત્પાદક બનાવવા તથા પાકની ગુણવત્તા વધારીને ખેડૂતોની આવક વધારવા માટે વડાપ્રધાનશ્રીએ મહત્વકાંક્ષી નમો ડ્રોન દીદી યોજના અમલમાં મૂકી છે. આ યોજના દ્વારા મહિલાઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમાજમાં પોતાનું આગવું સ્થાન બનાવી શકશે અને કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી શકશે.

નિતિન રથવી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Join Our WhatsApp Community

You may also like